07 April, 2023 01:36 PM IST | Mumbai | Dharmishtha Patel
જેસલમેરનો ડેઝર્ટ ફેસ્ટિવલ - તસવીર સૌજન્ય - ધર્મિષ્ઠા પટેલ
ઇન્ટ્રો- મરુ ભૂમિ રાજસ્થાનની ધોરાળી ધરતી પર સ્થિત જેસલમેર માટે એક સમયે કહેવાતુ હતુ કે ઘોડા કિજીયે કાઠ કા, પગ કિજીયે પાષાણ, બખત્તર કિજીયે લોહે કા, જદ પહુંચે જૈસાણ. એટલે લકડાનો ઘોડો લઈ જજો જે ઘાસ ન માંગે, પગ પત્થરના કરજો, ત્યાંની ગરમીથી બચવા લોખંડનું કવચ જોઈશે, ત્યારે જેસલમેર પહોંચી શકાશે. ના ના ગભરાશો નહીં હવે એવું નથી. હવે અહીં પહોંચવું બહું સરળ છે. જેસલમેર હનીમુન ડેસ્ટિનેશન, મિત્રો સાથેની ગ્રુપ ટુર, ફેમિલી સાથેના પ્રવાસ કે પછી સોલો ટ્રીપ જેવા તમામ ક્રાઈટ એરિયામાં ફિટ થાય છે. એટલું જ નહીં આ બજેટ ટ્રાવેલિંગ માટે બેસ્ટ પ્લેસ છે. જગ્યાની સાથે તમારા પ્રવાસને યાદગાર બનાવે છે અહીંના લોકો. આ શહેરના લોકો ખૂબ સારા અને હેલ્પિંગ નેચરના છે. અહીંનો આવકાર તમને યાદ રહી જશે. જો તમે જેસલમેરની મહેમાનગતિ માણવાનો વિચાર કરી લીધો છે અને જેસલમેર જવાનો પ્લાન કરી રહ્યા છો આ આર્ટિકલ તમારા માટે છે.
1. જેસલમેર કેવી રીતે પહોંચશો ?
જેસલમેર બસ, ટ્રેન અને વિમાનથી પહોંચી શકાય છે. જેસલમેરમાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ છે. આ સિવાય જોધપુર જેસલમેરનું નજીકનું એરપોર્ટ છે. જો તમારા શહેરથી જેસલમેરની ફ્લાઈટ નથી તો તમે જોધપુરની ફ્લાઈટ લઈ શકો છો.
2. શું શું જોવાલાયક છે? કેટલા દિવસની ટ્રીપ પ્લાન કરાય?
જેસલમેરમાં માણવા માટે ઐતિહાસિક જગ્યાઓ, મોન્યુમેન્ટ, મ્યુઝિયમ, લેક અને રણ છે. તેમજ સુંદર મજાનો સૂર્યાસ્ત અને સૂર્યોદય અલગ અલગ જગ્યાએથી માણી શકાય છે. જેસલમેર માટે 3 દિવસ પુરતા છે પણ હું તમને 4 દિવસની ટ્રીપ પ્લાન કરવાની સલાહ આપુ છું. કેમ કે આ જગ્યા ફક્ત જોવા જેવી નહીં પણ માણવા જેવી છે.
3. આઈટેનરી શું હોઈ શકે ?
પહેલા દિવસે સવારે તમે જેસલમેર ફોર્ટ, જેસલમેર મ્યૂઝિયમ, બા-રી હવેલી, જૈન અને લક્ષ્મીનાથ મંદિરનો સમૂહ નિહાળો. ત્યાર બાદ પટવાઓની હવેલી, મંદિર પેલેસ મ્યૂઝિયમ અને બજારમાં લટરા મારી સૂર્યાસ્થ જોવા માટે પહોંચી જાવ સૂલી ડુંગર પર સ્થિત સનસેટ પોઈન્ટ. જ્યાંથી સુંદર મજાના સનસેટની સાથે આખા શહેરની એક ઝલક નીહાળો. બીજા દિવસે સાલિમ સિંઘની હવેલી, નથમલની હવેલી, બડા બાગ, વ્યાસ છત્રી અને વોર મ્યૂઝિયમની મુલાકાત લઈ ગડીસાગર લેક પર પહોંચી, સાંજના સમયે બોટિંગની સાથે સનસેટ નીહાળો. ત્યાર બાદ ગડીસાગર લેક પર થતો લાઈટિંગ શો જોવો જેમાં જેસલમેરનો ઈતિહાસ, મોન્યુમેન્ટ અને બીજી રસપ્રદ વાતો દર્શાવવામાં આવે છે. ત્રીજા દિવસે અમર સાગરલેક, કુલધારા અને ખાબા ફોર્ટ નીહાળી સમ ડેઝર્ટ વિલેજ પહોંચી ડેઝર્ટમાં નાઈટ કેમ્પિંગ કરો. જ્યાં સાંજના સમયે કેમલ સફારી, જીપ સફારીની સાથે સનસેટની મજા માણો. આ સિવાય અહીં અનેક સ્પોર્ટસ એક્ટિવીટી થાય છે તમે એ પણ કરી શકો છો. રાત્રે તમારી કેમ્પ સાઈટ પર થતો રાજસ્થાની ફોક ડાન્સ (કાલબેલીયા)નો આનંદ માણો. ચોથા દિવસે સવારે તનોટ માતા મંદિર, ભારત- પાકિસ્તાન બોર્ડર, લોંગેવાલા વોર મેમોરિયલની મુલાકાત લઈ જેસલમેર પાછા આવી પ્રવાસ પુરો કરી શકો છો.
4. જેસલમેર જવાની બેસ્ટ સિઝન કઈ છે?
જેસલમેરમાં રણ છે અને આખું વર્ષ ખૂબ જ ગરમી લાગતી હોય છે. જેથી તેની મુલાકાત તેવાનો બેસ્ટ સમય ઓક્ટોબરથી માર્ચનો છે. એમાંય ઓક્ટોબરથી નવેમ્બર સૌથી સારો સમય છે. જો તમે દેશનો સૌથી મોટો ડેઝર્ટ ફેસ્ટિવલ માણવા માંગો છો તો તે જેસલમેરમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન થતો હોય છે. તેની તારીખની જાણકારી રાજસ્થાની ટુરિઝમ વેબસાઈટ અને જેસલમેરના ડેઝર્ટ ફેસ્ટિવલ પેજ પરથી મળી જતી હોય છે.
5. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શું છે? કેટલો ખર્ચ થાય છે?
જેસલમેરના 4 દિવસના પ્રવાસનો ખર્ચ 7થી 8 હજાર રુપિયા થઈ શકે છે. તમે બજેટ ટ્રાવેલ કરો છો તો આના કરતા પણ ઓછા ખર્ચમાં પણ ફરી શકાય છે.
અહીં 500થી 5000ના સ્ટે ઓપ્શન મળી જશે. ફુડનો એક દિવસનો એક વ્યક્તિનો ખર્ચ 400થી 500 થાય છે. સિટીની અંદર મોન્યુમેન્ટ મોટા ભાગે ચાલીને કવર થઈ શકે છે. તમે ઈચ્છો તો ટૂક ટૂક (રિક્ષા)માં પણ જઈ શકો છો. ફક્ત જેસલમેરની બહાર રહેલા સ્થળોએ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આવી શકે છે. જેના માટે ટુક ટુક(રિક્ષા) સહિત અન્ય વાહનો સરળતાથી મળી જશે. તનોટ માતા અને બોર્ડર થોડુંક દુર છે. જેના માટે તમે પર્સનલ વાહન કે શેરિંગ વાહન કરી શકો છે. અહીં ટુ વ્હિલર ભાડેથી મળી રહે છે.
6. ફેમસ ખાણીપીણીની જગ્યાઓ કઈ છે?
જેસલમેરની સૌથી પ્રસિદ્ધ દુકાન છે `ધનરાજ રણમલ ભાટિયા`ની જ્યાં તમે કચોરી, જેસલમેરના પ્રસિદ્ધ ઘોટવા લડ્ડુ સહિતની અનેક ફસાણ અને મીઠાઈ માણી શકો છો. ઘોટવા લડ્ડુ માટે બીજી સૌથી પ્રસિદ્ધ જગ્યા છે `ઠગ્ગુજી`. ઠગ્ગુજીના ઘોટવા લડ્ડુની સાથે સમોસા ખુબ પ્રસિદ્ધ છે. આ સિવાય તેની નજીકમાં સ્થિત `હિંગલાજના દાલ પકવાન` એક વાર ટ્રાય કરવા જેવા છે. જ્યારે તેની સામે રહેલી `ફતેહ`ની કચોરી જરાય મિસ કરવા જેવી નથી. ફતેહની કચોરી અને હિંગલાજના દાલ પકવાન ખાવા સવારે 9 વાગ્યા પહેલા પહોંચી જવું. કેમ કે તેઓ સવારે માત્ર 2થી અઢી કલાક માટે જ આવે છે. જ્યારે ઠગ્ગુજી અને ધનરાજ રણમલ ભાટિયાની દુકાન આખો દિવસ ખુલ્લી હોય છે. ફતેહની કચોરીની બાજુમાં ભાંગની લસ્સી મળે છે. તે પણ તમારી ઈચ્છા મુજબ પી શકો છે. ફતેહની કચોરી અને ભાંગ શોપ જેસલમેર ફોર્ટના પહેલા દરવાજાની બાજુમાં છે. તેની સામે હિંગલાજના દાલ પકવાન અને દાલ પકવાનની જમણી બાજુના રોડ પર સામે છે ઠગ્ગુજી. ત્યાંથી 10 મિનીટના વોકિંગ ડિસ્ટન્સ પર પૂનમ સ્ટેડિયમ જવાના રોડ પર છે ધનરાજ રણમલ ભાટિયાની દુકાન.
7. ધ્યાન રાખવા જેવી બાબતો
બને ત્યાં સુધી સ્ટે ફોર્ટની અંદર લો. જેથી ફોર્ટની લાઈફ સ્ટાઈલને પણ સારી રીતે સમજી શકાય. સાથે ફોર્ટમાં રહેવાનો અનુભવ ખૂબ સારો રહે છે. અહીં મળતા હાબૂર સ્ટોનના વાસણો ખૂબ સારા હોય છે જેની ખરીદી પૈસા વસૂલ સાબિત થઈ શકે છે. વોર મ્યૂઝિયમમાં પણ સાંજના સમયે એક લાઈટ શો થતો હોય છે. જે તમારી ઈચ્છા મુજબ જોઈ શકો છે. જો તનોટ માતા અને લોંગેવાલા જવાનો પ્લાન હોય તો સમ ડેઝર્ટથી પાછા જેસલમેર નહીં આવી ત્યાંથી સીધા નીકળી જાવ. જેથી સમયની બચત થશે. આ રોડ થોડો સૂમસાન છે એટલે સેલ્ફ ડ્રાઈવ કરીને અહીં જઈ રહ્યા છો તો બને તેટલું જલ્દીથી આ જગ્યાઓ કવર કરી જેસલમેર પાછા ફરો. કેમ કે આ માર્ગ પર પંચર થયું કે પેટ્રોલ ખાલી થયું કે અન્ય કોઈ સમસ્યા આવી તો મદદ શોધવી મુશ્કેલ બનતી હોય છે.