પક્ષીઓને જોવા, કૅમેરામાં કેદ કરવા જગતના કોઈ પણ ખૂણે જઈ શકે છે આ ડૉક્ટર ઍન્ટાર્કટિકા પણ જઈ આવ્યા છે

22 May, 2024 09:25 AM IST  |  Mumbai | Laxmi Vanita

અંધેરીમાં છેલ્લાં ૩૦ વર્ષથી પ્રૅક્ટિસ કરતા પીડિયાટ્રિશ્યન ડૉ. સલિલ ચોકસીએ નાનપણમાં જે પ્રવૃત્તિઓમાં થોડોઘણો રસ લીધો હતો એ આગળ જઈને તેમનું પૅશન બની ગઈ.

પીડિયાટ્રિશ્યન ડૉ. સલિલ ચોકસી

અંધેરીમાં ૩૦ કરતાં વધારે વર્ષથી પ્રૅક્ટિસ કરતા પીડિયાટ્રિશ્યન ડૉ. સલિલ ચોકસીનું પક્ષીઓ પ્રત્યેનું પૅશન આશ્ચર્યચકિત કરી દેશે. છેલ્લાં ૨૫ વર્ષથી આ ડૉક્ટર પક્ષીઓ પાછળ સાડાચાર કિલોનો કૅમેરા લઈને એમની ક્ષણોને કૅપ્ચર કરવા જંગલોમાં દોડે છે અને પહાડો ખૂંદે છે. દિવસમાં ૮ કલાક પ્રૅક્ટિસ અને ૪ કલાક પોતાના શોખ માટે કાઢતા આ પીડિયાટ્રિશ્યન આખા વર્ષમાં છૂટીછવાઈ ૩૦ રજાઓ લે છે અને એમાં પણ તેમણે એવાં

ઍડ્વેન્ચર કર્યાં છે જે સાંભળીને લાગે કે આખું જીવન આમાં જ વિતાવ્યું છે. તેમણે તેમના જીવનને ૪૦ વર્ષ પછી જીવવાનું શરૂ કર્યું; જેમાં ફિટનેસ, ફોટોગ્રાફી અને પક્ષીપ્રેમ મોખરે રહ્યાં. મળીએ આ ડૉક્ટરને જેઓ પક્ષીઓને જોવા, ફોટો ક્લિક કરવા માટે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈ શકે છે.

સ્કૂલ-કૉલેજમાં રોપાયાં બીજ

કરીઅરનાં પ્રાઇમ વર્ષો પ્રૅક્ટિસમાં વિતાવ્યા બાદ ચાળીસીમાં ડૉ. સલિલને શોખ વિકસાવવા હતા અને એમાં તેમની સ્કૂલ અને કૉલેજના દિવસોની પ્રવૃત્તિઓ નિમિત્ત બની. પક્ષીઓ વિશે વાત કરતાં ન થાકતા ડૉ. સલિલ કહે છે, ‘મારી સ્કૂલમાં સ્પૅનિશ ફાધર હતા જેમને પક્ષીઓનો બહુ શોખ હતો. મારી સ્કૂલમાં ખાસ ફૉના એટલે કે પ્રાણીઓ માટે મ્યુઝિયમ બનાવ્યું હતું. એમાં એટલાંબધાં પક્ષીઓ હતાં જે વાસ્તવમાં સાચાં સ્ટફ્ડ પક્ષીઓ હતાં. જેમાં મૃત પક્ષીઓની ખાલની અંદર મસાલાઓ ભરીને એને લાંબો સમય એવાં જ દેખાય એ રીતે પ્રિઝર્વ કરવામાં આવે, જેને ટૅક્સીડર્મી કહેવાય. એ સમયમાં પક્ષીઓનો અભ્યાસ કરવા માટે એમને મારીને પકડવામાં આવતાં અને પછી એમનો અભ્યાસ કરવામાં આવતો. એ મ્યુઝિયમમાં આ રીતે સચવાયેલો વાઘ પણ હતો. ત્યારે પર્યાવરણ અને પ્રાણીઓ વિશે એટલા કાયદાઓ નહોતા અને શિકાર પણ ગેરકાનૂની નહોતો. હું આ મ્યુઝિયમને બહુ ધારી-ધારીને જોતો. મને પક્ષીઓ બહુ જ ગમતાં પણ ક્યારેય વિચાર્યું નહોતું કે આ વિષયમાં આટલો ઊંડે સુધી જઈશ. સ્કૂલના આ મ્યુઝિયમની દેખરેખ ૧૦૦ કરતાં વધારે વર્ષ જૂની સંસ્થા ધ બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી (BNHS) કરતી હતી એટલે મને નૉલેજ હતું. તેથી હું ૨૦૦૦ની સાલમાં આ સંસ્થા સાથે જોડાયો. જેવો હું આ સંસ્થા સાથે જોડાયો એ જ વર્ષે ઑક્ટોબરમાં હું અહીંથી જ મુંબઈ નજીકની ઉરણ વેટલૅન્ડ સાઇટ પર બર્ડિંગ માટે ગયો. ત્યાં દરિયાકિનારાનાં પક્ષીઓ કે જે વિન્ટર માઇગ્રેટર હોય એમને હજારોની સંખ્યામાં એકસાથે જોયાં. બસ, એ દિવસ આજે પણ આંખોની સામે તરી આવે છે. ત્યાર પછી મેં ક્યારેય પક્ષીઓને જોવાનું છોડ્યું નથી.’

ફોટોગ્રાફી અને ઍસ્ટ્રોફોટોગ્રાફી

પક્ષીઓની ફોટોગ્રાફી તરફ ઝુકાવ કઈ રીતે વધ્યો એ વિશે વાત કરતાં ડૉ. સલિલ કહે છે, ‘પહેલાં હું પક્ષીઓની વિડિયોગ્રાફી કરતો હતો અને બર્ડિંગ ટ્રિપ પર મેં જે વિડિયો લીધો એને એડિટ કરીને ફિલ્મ બનાવી. BNHSમાં મારી બે ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ થયું છે. ધીરે-ધીરે હું પક્ષીઓની ફોટોગ્રાફી તરફ વળ્યો. પક્ષીઓના ખાસ ફોટો લેવાનું બહુ જ ફ્રસ્ટ્રેટિંગ થઈ જતું હોય છે પણ ધીરજ હોય તો આ પૅશન ચોક્કસથી કેળવાય. બીજું, મેં મુંબઈમાં જ એક ઍસ્ટ્રોફોટોગ્રાફીની વર્કશૉપ કરી હતી, જેના કારણે મને આમાં બહુ જ રસ જાગ્યો. યુનિવર્સ વિશે જાણવાની આતુરતા તો મને પહેલેથી જ હતી. હું સ્ટાર ટ્રેલની ફોટોગ્રાફી કરતો થયો. જ્યારે પણ ટ્રેકિંગ પર જાઉં તો એવો પૉઇન્ટ શોધવાનો જ્યાં આકાશ એકદમ ડાર્ક હોય અને લાઇટ-પૉલ્યુશન પણ ન હોય. ત્યાંથી મિલ્કી-વે ગૅલૅક્સીના ફોટો સરસ ક્લિક કરી શકાય. ૨૦૨૨માં ૩૬૫ દિવસની મેં ચૅલેન્જ લીધી હતી. દરરોજ પક્ષીના ફોટો સાથે કૅપ્શન અને વર્ણન લખીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવાના અને એ ચૅલેન્જ મેં પૂરી કરી. ગયા વર્ષથી દર શનિવારે આ નિત્યક્રમ જાળવવાનું શરૂ કર્યું, જે આજ સુધી કરું છું.’

સપનાં પૂરાં થતાં ગયાં

સલિલભાઈએ ઘણા જંગલોમાં બર્ડિંગ ટૂર કરી છે, પણ હજીયે એમાં ઘણું બાકી છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘જ્યારથી મેં બર્ડિંગ કરવાનું શરૂ કર્યું ત્યારથી આજ સુધી ભારતનાં ઘણાં જંગલોમાં મોટી બર્ડિંગ ટૂર કરી છે. દુનિયામાં ૧૧,૦૦૦ પક્ષીઓ છે જેમાંથી માત્ર ૧૩૦૦ જોયાં છે. આ જીવન ટૂંકું પડે એટલે અવાસ્તવિક ઇચ્છા તો નથી રાખવી, પણ વધુ ને વધુ પક્ષીઓ જોવાં છે. હું જે-જે વિચારતો હતો કે આ જીવનમાં આવું થવું મુશ્કેલ છે એ સમય સાથે શક્ય બનતું ગયું. મને યંગ એજથી કોઈ ને કોઈ સંદેશા મળી રહ્યા હતા જેને હું અત્યારે કહી શકું છું. ઍન્ટાર્કટિકા વિશે આપણે સ્કૂલમાં ભણ્યા હતા. કોઈક જગ્યાએથી મને એ સમયે ટ્રાવેલિંગ માટે લોન્લી પ્લૅનેટની ૩૦૦ રૂપિયામાં ઍન્ટાર્કટિકાની સેકન્ડ-હૅન્ડ બુક મળી હતી. હું બહુ ઊંડાણથી આ જગ્યા વિશે વાંચતો ત્યારે એવું લાગતું હતું કે આ જગ્યા કોઈ બીજા ગ્રહ પર જ છે. પછી હું બર્ડિંગ માટે સાઉથ અમેરિકા જવાનું વિચારતો હતો એટલે રિસર્ચ કરી રહ્યો હતો અને ઘણાબધા નકશાઓનું નિરીક્ષણ કરી રહ્યો હતો. એ દરમ્યાન મને ખબર પડી કે ઍન્ટાર્કટિકા સુધી પહોંચવું શક્ય છે. ૨૦૧૫માં હું અને મારી પત્ની બન્ને ગયાં.’

ઍન્ટાર્કટિકામાં એક્સપિડિશન

ઍન્ટાર્કટિકામાં નવેમ્બરમાં ગરમી શરૂ થતી હોય છે, જ્યારે પેન્ગ્વિન દરિયામાંથી કૂદકા મારીને જમીન પર એટલે કે બરફના ફ્લોર પર આવતાં હોય છે. ડૉ. સલિલ કહે છે, ‘આને પેન્ગ્વિન માર્ચ કહેવામાં આવે છે. મેં જ્યારે ગણી ન શકાય એટલી સંખ્યામાં આ જેન્ટૂ પ્રજાતિનાં પેન્ગ્વિન જોયાં ત્યારે મારી આંખો ફાટી ગઈ. ઍન્ટાર્કટિકામાં વાઇલ્ડલાઇફનો એક નિયમ છે કે પ્રાણીઓને ૫૦ ફીટ દૂરથી જોવાં એટલે અહીં માનવ-ખલેલ જરા પણ ન થાય. હવે જોક એ છે કે પેન્ગ્વિનને આ નિયમ ખબર નથી એટલે એ આપણી પાસે આવી જાય છે. મને યાદ છે મારાં શૂઝ ત્યાં પડ્યાં હતાં એને પેન્ગ્વિન ખૂબ નીરખીને જોઈ રહ્યાં હતાં. બીજો કિસ્સો એવો થયો કે અમારી ટીમના એક મેમ્બરના જ ખોળામાં પેન્ગ્વિન આવી ગયું અને ખોળામાંથી ઊતરવાનું નામ ન લે. એમને માનવોનો જરા પણ ભય નથી, કારણ કે એમણે ક્યારેય માનવ-ખલેલ અનુભવી જ નથી. મને તો પેન્ગ્વિન પક્ષી મનુષ્યો જેવું જ લાગે. બે પગે ચાલીને આવે ત્યારે લાગે કે જાણે વકીલનો કોટ પહેરીને આવે છે. એને મારા જીવનની યાદગાર ક્ષણ માનું છું.’

અનુભવની પરાકાષ્ઠા

આવી જ જીવનની અદ્ભુત ક્ષણો શૅર કરતાં ડૉ સલિલ કહે છે, ‘જીવનની બીજી યાદગાર ક્ષણ ગયા વર્ષે ૨૦૨૩માં વેસ્ટ પાપુઆ ન્યુ ગિની, જે ઇન્ડોનેશિયા પાસે આવેલું છે એની મુલાકાત લીધી એ છે. અહીં હું બર્ડ્સ ઑફ પૅરૅડાઇઝ નામનાં પક્ષીઓનું ફૅમિલી જોવા ગયો હતો. જાણે રંગીન આભૂષણો હોય એવાં પીંછાઓ પર ડિઝાઇનવાળા આ પક્ષીના કુદરતી રંગોથી આંખ અંજાઈ જાય. આ પક્ષી જોઈને આંખમાં પાણી આવી ગયું હતું. હું ૨૫ વર્ષનો હતો ત્યારે કૉલેજમાં એક ફૉરેનરની પક્ષીની બુક મારા હાથમાં આવી હતી. એમાં મેં આ પક્ષી જોયું હતું અને મને યાદ છે કે મેં મનમાં વિચાર્યું હતું કે આ જીવનમાં હું આ પક્ષી વાસ્તવમાં જોઈ શકીશ કે કેમ. આ સપનું સાચું થયું ત્યારે મારી પાસે શબ્દો નહોતા.’

વિદેશમાં બર્ડિંગ ચૅલેન્જ

‘પક્ષીઓને જોવાની ચાહ તમને દુનિયાના ખૂણેખૂણામાં લઈ જાય, પરંતુ આ ક્ષણોને વાસ્તવમાં તાદૃશ કરવાનું સરળ નથી હોતું’ એમ કહીને પડતી તકલીફો વિશે ડૉ. સલિલ કહે છે, ‘તમે જ્યારે આંતરરાષ્ટ્રીય ટૂર પર જાઓ ત્યારે સૌથી મોટી સમસ્યા ફૂડની આવે છે. રહેવાનું તો તમે કોઈ ને કોઈ રીતે મૅનેજ કરી શકો છો. ખાવામાં હું શુદ્ધ શાકાહારી છું. ભાત બધે મળી રહે એટલે એની સાથે શાકભાજી શોધીને ખાવાની; બ્રેડ અને ચીઝ, ફળો અને સ્પોર્ટ્સ એનર્જી બાર બહુ કામમાં લાગે. જ્યારે રનિંગ કરતો હતો એ સમયથી એનર્જી બારનો સહારો મળતો આવ્યો છે. તમે જ્યારે પક્ષી જોવા નીકળો ત્યારે તમારી ભૂખ બાજુ પર રહી જતી હોય છે. જો તમને તમારું લાઇફર (જે પક્ષીને જીવનમાં પહેલી વાર જુઓ એને લાઇફર કહેવાય) જોવા મળે એટલે પેટ ભરાઈ જાય. પક્ષી જોવાનો એ આનંદ તમારી ભૂખ પણ સંતોષી દે.’

અત્યારે શેમાં પ્રવૃત્ત?

મુંબઈમાં ૨૦૦૫થી બર્ડ રેસ (એક ચોક્કસ દિવસે જે-તે જગ્યાએ દેખાતાં પક્ષીઓની યાદી બનાવવી) દ્વારા લોકોમાં પક્ષીઓ પ્રત્યે જાગૃતિ લાવવાની કોશિશ કરતા ડૉ. સલિલ ચોકસી એ ઉપરાંતની પ્રવૃત્તિઓ વિશે કહે છે, ‘છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત સંજય ગાંધી નૅશનલ પાર્કમાં બર્ડ-સર્વેમાં ટીમ-લીડર તરીકે ભાગ લઉં છું. સાથે જ સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ માટે ખાસ બર્ડિંગ ટૂરનું આયોજન કરવા જેવી પ્રવૃત્તિઓ કરું છું જેમાં હું લીડર તરીકે તેમને માર્ગદર્શન આપું છું. અઠવાડિયામાં એક વખત તો મુંબઈના વિસ્તારોમાં પક્ષીઓનું નિરીક્ષણ કરું જ છું.’

ભારતભરમાં ટ્રેક્સ

કૉલેજમાં હું હાઇકિંગ ક્લબ સાથે જોડાયેલો હતો. મેં નાના-મોટા ઘણા ટ્રેક્સ કર્યા. પછી મોટા ભાગે હું હાઈ અલ્ટિટ્યુડ હિમાલયન ટ્રેક્સ પર જતો થયો. ૨૦૧૬માં અન્નપૂર્ણા બેઝ કૅમ્પ (૧૩,૫૦૦ ફીટ) કર્યો. વર્ષ ૨૦૧૮માં એવરેસ્ટ બેઝ કૅમ્પ સર્કિટ ટ્રેક (૧૭,૫૯૮ ફીટ) જે બહુ જ મોટો ટ્રેક છે અને લદ્દાખનો સ્ટૉક કાંગરી ટ્રેક (૨૦,૦૦૦ ફીટ) કર્યો. એવરેસ્ટ બેઝ કૅમ્પ સર્કિટ ટ્રેકનો ટેરેન બહુ જ અઘરો છે, જે ૧૭ દિવસમાં પૂરો કર્યો. તમે ‘ઊંચાઈ’ (૨૦૨૨માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ) જોઈ હોય તો ખ્યાલ આવે, કારણ કે એ આ જ બેઝ કૅમ્પ  છે. ગયા વર્ષે કાશ્મીરનો ગુરેઝ વૅલી (૧૨,૭૯૫ ફીટ)નો PoK (પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર) બૉર્ડર સુધીનો ટ્રેક કર્યો. એટલે કે તમને આ બૉર્ડર પરથી પાકિસ્તાનનાં ગામડાંઓ અને આર્મી-પોસ્ટ્સ દેખાય.  

ફિટનેસપ્રેમી પણ : ૨૭ હાફ મૅરથૉન અને ૫ ફુલ મૅરથૉન દોડી ચૂક્યા છે

પંખીઓ માટે અગાધ પ્રેમ ધરાવતા ડૉ. સલિલ ચોકસી ફિટનેસપ્રેમી પણ છે. મૅરથૉનનો નાદ કઈ રીતે લાગ્યો એ વિશે તેઓ કહે છે, ‘શરૂઆત તો એકદમ સામાન્ય ડ્રીમ-રનથી કરી, જેમાં મજા ન આવી. પછી મેં આ સ્પોર્ટને ગંભીરતાથી લીધી અને પોતાને ટ્રેઇન કરવા લાગ્યો. ભારતભરમાં ૨૭ હાફ મૅરથૉન અને ૫ ફુલ મૅરથૉન કરી ચૂક્યો છું. કોવિડ પહેલાં ૨૦૧૯માં કર્ણાટકના ચિકમગલુરમાં થયેલી મલ્નાડ મૅરથૉન સૌથી મુશ્કેલ હતી; એમાં તમારે ૯ કલાકમાં પર્વતીય, કાદવ-કીચડવાળા ટ્રેલ અને જંગલ વિસ્તારમાં ૫૦ કિલોમીટરનું અંતર પૂરું કરવાનું હોય. જો ૯ કલાકની ઉપર બે સેકન્ડ પણ થાય તો તમને કોઈ વૅલિડેશન કે મેડલ પણ ન મળે. ૨૦૧૮માં કરેલી મુંબઈ અલ્ટ્રા મૅરથૉન અને ૧૧,૦૦૦ ફીટની ઊંચાઈ પર કરેલી લદ્દાખ મૅરથૉન પણ સામેલ છે. મુંબઈ અલ્ટ્રા મૅરથૉનમાં ૧૨ કલાકમાં તમે જેટલું દોડી શકો એટલું દોડવાનું અને એમાં હું ૬૯ કિલોમીટર દોડ્યો.’ 

એવરેસ્ટ બેઝ કૅમ્પ પર કરેલી સ્ટાર ટ્રેઇલ ફોટોગ્રાફી

સ્ટાર ટ્રેઇલમાં એકથી દોઢ કલાક સુધી આકાશમાં ઉત્તર ધ્રુવ તરફ કૅમેરા રાખીને દર ૩૦ સેકન્ડે એક ફોટો લેવામાં આવે અને દોઢ કલાક પછી બધા  ફોટા મર્જ થઈને એક ફોટો મળે એવું એક સૉફ્ટવેર છે. આમાં મજાની વાત એ બને કે એક ધ્રુવના તારાને છોડીને આકાશના બીજા તારાઓએ દોઢ કલાકમાં કેવી ગતિ કરી એનો આખો નકશો મળે આપણને. આ સ્ટાર ટ્રેઇલ ઍક્ટિવિટી ઍસ્ટ્રોફોટોગ્રાફીમાં ઘણી પૉપ્યુલર છે. એવરેસ્ટ બેઝ કૅમ્પમાં માઇનસ ૧૩ ડિગ્રી ટેમ્પરેચરમાં ઊભા રહીને લીધેલો આ ફોટો છે જેમાં 
મારો કૅમેરા થીજીને સફેદ થઈ ગયેલો, પણ એ મહેનત કેવી રંગ લાવી એ તમે આ ફોટોમાં જોઈ શકો છો. 

travel travel news travelogue life and style columnists