‘હેલો, મૈં બિમલાદેવી બોલ રહી હૂં...’

15 June, 2023 04:11 PM IST  |  Mumbai | Alpa Nirmal

લૉર્ડ જગન્નાથજીને ધરાવેલો ભોગ બિમલા માતાને ચડાવ્યા બાદ જ મહાપ્રસાદ તરીકે ભક્તોમાં વહેંચાય છે. બાવન શક્તિ પીઠની એક મુખ્ય પીઠ પર બિરાજમાન માતાનાં દર્શન કર્યા બાદ બલરામ, શ્રીકૃષ્ણ અને સુભદ્રાને મથ્થા ટેકવાથી પુરીની યાત્રા પૂર્ણ ગણાય છે

બિમલાદેવી મંદિર

રસોગુલ્લા ઓડિશાના ઓરિજિન કે વેસ્ટ બેન્ગૉલના એ ભાંજગડમાં પડ્યા વગર પુરીમાં મળતા માલપૂઆ ખાજો. આખાય ઇન્ડિયાથી નવતર રીતે બનતા આ માલપૂઆ મોંમાં મૂકતાં જ બત્રીસે કોઠે દીવા થાય છે.

ગયા અઠવાડિયે ‘મિડ-ડે’ની ઑફિસમાં પુરીથી માતા બિમલાનો ફોન આવ્યો અને કહ્યું કે ‘તમે તીર્થાટન એક્સપ્રેસને અહીં મોકલો.’ અમે તેમને જણાવ્યું કે ‘હાલ તો અમે દક્ષિણ ભારતનાં તીર્થોના પ્રવાસે છીએ અને હજી તો અહીં ૩ જ મંદિરોનાં દર્શન કર્યાં છે. કેટલાંય બેનમૂન અને બેમિસાલ તીર્થસ્થળો બાકી છે.’ ત્યારે સામે છેડેથી સૂચન આવ્યું કે એ રૂટ પર ફરી જજો. અત્યારે અહીં આવો, કારણ કે અષાઢી બીજ આવતા અઠવાડિયે જ છે અને એ દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ રથયાત્રામાં જોડાવાના છે. પણ મારી વ્યથા એ છે કે એ લાખોમાંથી સાવ જૂજ શ્રદ્ધાળુઓ મારા મંદિરે આવે છે. હું જગન્નાથ મંદિરના સંકુલમાં જ છું. મારી પણ પૌરાણિક સ્ટોરી છે, પણ ભક્તો એની ઉપર બહુ ધ્યાન નથી આપતા. હા, શક્તિ પીઠ હોવાને કારણે હજી મારું થોડું મહત્ત્વ છે પણ બહુધા યાત્રાળુઓ મારા પ્રત્યે ઉદાસીન છે.’

પુરાણોમાં જેનો ઉલ્લેખ છે, વળી ચાર ધામના એક ધામ પુરીમાં જ તેમનાં બેસણાં છે અરે, વિષ્ણુના જગન્નાથ સ્વરૂપના દેવાલયથી જસ્ટ ૨૦ મીટરની દૂરી પર બિમલા દેવી શક્તિ સ્વરૂપે બિરાજમાન છે તોય ભક્તો જાણકારીના અભાવે કે સમયના અભાવે એ દિવ્યધામનાં દર્શને નથી જતા એ જાણી અમને થયું કે તીર્થાટન એક્સપ્રેસને ભારતના પૂર્વીય કાંઠા તરફ વાળવી જ પડશે. આખરે, ચલો બુલાવા આયા હે માતાને બુલાયા હૈ...

ઉત્તરાખંડના યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદરીનાથ ચાર ધામ ખરાં પણ સનાતન ધર્મનાં ખરાં ચાર ધામ છે, બદરીનાથ, જગન્નાથપુરી, રામેશ્વરમ્ અને દ્વારકા. આથી જગન્નાથપુરીથી કયો હિન્દુ અપિરિચિત હશે? છતાંય એની વિશેષતા વિશે સંક્ષેપમાં જણાવીએ. ઓડિશા રાજ્યના તટવર્તી શહેર પુરીમાં જગતના નાથ કૃષ્ણનું મંદિર છે. સ્થાનિકો માને છે કે સદીઓ પૂર્વે નીલાંચલ પર્વત પર પ્રભુ સ્વયં નીલ માધવ રૂપે નિવાસ કરતા હતા. એક રાત્રિએ રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાન વિષ્ણુએ સપનામાં આવી કહ્યું કે એ પર્વતની એક ગુફામાં રહેલી મારી મૂર્તિને એક મંદિર બનાવડાવી એમાં સ્થાપિત કરો. પરંતુ નીલાંચલ પર્વત પર રહેતા એક મોટા કબીલાના સરદાર આ નીલમાધવના પરમ ઉપાસક હતા. તેમણે જ પ્રભુની પ્રતિમાને ગુફામાં છુપાવી હતી. એ પરિસ્થિતિમાં એ દૈવી મૂર્તિ મેળવવી કેમ? ત્યારે રાજાએ તેમના એક સેવકને મુખિયા વિશ્વવસુ પાસે મોકલ્યા અને સેવકે એ મુખિયાની પુત્રી સાથે વિવાહ કર્યો. જોકે આ વિવાહ તો એક ચાલ હતી જેનાથી નીલમાધવ સુધી પહોંચી શકાય. મુખિયાનો જમાઈ થઈ રાજવીના સેવકે એ મૂર્તિનાં સગડ મેળવી લીધાં અને પ્રતિમા ચોરી રાજાને આપી દીધી. સ્થાનિક પ્રજાતિનો સરદાર વિશ્વવસુ તો પોતાના આરાધ્ય દેવને મિસિંગ જોઈ વ્યથિત થઈ ગયો અને ભક્તની વ્યથા જોઈ ખુદ ભગવાન દુખી થઈ પરત ભક્ત પાસે આવી ગયા.

 હવે ઇન્દ્રદ્યુમ્ન રાજા શોકમાં ગરકાવ. ત્યારે ભક્તોના ભેરૂ ભગવાને રાજાને કહ્યું, તમે મંદિર બનાવો, હું એમાં ચોક્કસ બિરાજમાન થઈશ. પછીની કથા તો મોટા ભાગે બધા જાણે છે કે છેક  દેશના પશ્ચિમી કિનારે રહેલા દ્વારકાથી એક લાકડાનો વિશાળ ટુકડો તરતો-તરતો પુરી પહોંચ્યો અને વિશ્વવસુની મદદ લઈ એ ભારે ટુકડાને કિંગના મહેલે પહોંચાડાયો. અનેક કુશળ કારીગરો એમાંથી મૂર્તિ બનાવવા તત્પર હતા પરંતુ એ લાકડાને એક છીણી પણ લગાવવા અસમર્થ રહ્યા ત્યારે સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી બુઢ્ઢા કારીગરનું રૂપ ધારણ કરી અહીં પધાર્યા અને ૨૧ દિવસ એકાંતમાં રહી એકલા મૂર્તિનું નિર્માણ કરશે એવી શરત રાખી. રાજાએ તેમની બધી શરતો મંજૂર રાખી અને બંધ ઓરડામાં મૂર્તિનું નિર્માણ થતું રહ્યું. એક દિવસ રાણીને એ રૂમમાંથી કોઈ અવાજ ન આવતાં રાજાએ ઓરડો ખોલાવ્યો અને શરતનો ભંગ થયો. આથી ભગવાનની મૂર્તિ અધૂરી જ ઘડાઈ. જગન્નાથ અને બલરામના નાના-નાના હાથ બન્યા હતા અને પગ તો બન્યા જ નહોંતા. તો બહેન સુભદ્રાના હાથ-પગ બેઉ બાકી હતા. ખેર, રાજાએ ભગવાન જગન્નાથની ઇચ્છા માની આ અપૂર્વ પ્રતિમાઓને મંદિરમાં સ્થાપિત કરી દીધી ઍન્ડ સૈકાઓથી ભાઈ-બહેન ભક્તોને આ જ રૂપે પુરીમાં દર્શન આપી રહ્યાં છે. 

વેલ, આ તો જગન્નાથ, બલરામ અને સુભદ્રાની સ્ટોરી થઈ. વિમલાદેવીનું શું? એક કથા મુજબ શંકર ભગવાન એક વખત વિષ્ણુજીને મળવા વૈકુંઠ ગયા. વિષ્ણુ ત્યારે જ  ભોજન કરીને ઊઠ્યા હતા. ભોળિયા શંભુએ જોયું કે તેઓ જ્યાં ભોજન માટે બેઠા હતા ત્યાં થોડા ભાતના દાણા પડ્યા છે. મહાદેવે વિષ્ણુનો પ્રસાદ સમજી એ ઉપાડી લીધા અને આરોગી ગયા અને ઉતાવળમાં ચોખાના થોડા અવશેષો તેમના ચહેરા પર ચોંટી ગયા. પાર્વતી પતિ પરત કૈલાશ આવ્યા ત્યારે નારદજી તેમની રાહ જોઈ રહ્યા હતા. ચપળ નારદજીએ શંભુના ચહેરા પર ચોંટેલા ભાતના દાણા જોઈ લીધા અને તરત જ એ લઈ પોતે ખાઈ લીધા. આ આખી ચેષ્ટાથી હિમાલય પુત્રી પાર્વતી ગુસ્સે થઈ ગયાં. પતિને મળેલો પ્રસાદ શૅર કરવાનો અધિકાર પત્ની તરીકે તેમનો હતો આથી તેઓ તેની કમ્પ્લેઇન્ટ લઈ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને લક્ષ્મીપતિએ ગૌરીને વચન આપ્યું કે કળિયુગમાં હું પુરીમાં જગન્નાથ રૂપે નિવાસ કરીશ ત્યારે તમે મારી નજીક વિમલા સ્વરૂપે રહેશો અને એવરી ડે મને ચડાવેલો ભોગ તમને ધરવામાં આવશે. ત્યાર બાદ જ ભક્તોમાં એ મહાપ્રસાદનું વિતરણ કરાશે. આથી વિમલાદેવી ફક્ત જગન્નાથનો મહાભોગ જ આરોગે છે.
જોકે એક વર્ગ માને છે કે નીલકંઠ શું કરવા કૃષ્ણ ભગવાને આરોગેલો પ્રસાદ ખાય કે આદ્યશક્તિને પણ એ ભોગની શું જરૂર? એનો પૌરાણિક જવાબ છે કે ‘શિવાય વિષ્ણુ રૂપાય, શિવ રૂપાય વિષ્ણવે, શિવસ્ય હૃદય વિષ્ણુ, વિષ્ણોસ્ય હૃદય શિવ. વિષ્ણુ અને શંકર વચ્ચે ગજબનું બૉન્ડિંગ છે. વિષ્ણુએ મોહિની અવતારનું રૂપ ધરી સતીના બળેલા શરીરનો યોગ્ય નિકાલ કરવામાં મદદ કરી હતી જેથી તેમનો ગૌરી રૂપે પુનર્જન્મ થાય. અને શંકર? શંકર તો બાળકૃષ્ણનાં દર્શન માટે પણ આવે અને રાધા-કૃષ્ણની લીલા જોવા પણ પધારે. રામ પણ યુદ્ધ કરવા જવા પૂર્વે શંકરની પૂજા કરે તો અર્જુનને પણ ભોળાનાથ યુદ્ધકલા શીખવે.

પણ એ આખો વર્ગ માને છે કે આ આખી ઉપજાવાયેલી કથા છે. ઍક્ચ્યુઅલી જગન્નાથ મંદિરમાં બલભદ્ર છે તે શિવનું સ્વરૂપ છે. તેમને ચડાવાયેલો શણગાર માતા વિમલાને બતાવાય છે જેથી સતીને ખાતરી થાય કે તેમના પતિની પૂજા થઈ પછી વિમલા માતાની પૂજા થાય છે. એ જ રીતે જગન્નાથજીને ચડાવાતો ભોગ પહેલાં બિમલા મંદિરમાં લઈ જવાય છે, માતાને બતાવાય છે, અપ્રૂવ કરાવાય છે. બાદમાં બલરામ, કૃષ્ણ અને સુભદ્રાને ધરાવાય છે.

અને હા, બીજો એક અલગ મત છે કે અન્ય શક્તિ પીઠમાં માતાની રક્ષા કરતા ભૈરવ અહીં હાજર નથી, કારણ કે અહીં સતી લક્ષ્મીજીના સ્વરૂપે બિરાજે છે. અને ભૈરવ શ્રી કૃષ્ણરૂપે. જોકે આ ભિન્ન-ભિન્ન મતનો સિલસિલો હજી ખતમ નથી થયો એ પરંપરામાં એક વર્ગ કહે છે કે આ શક્તિ પીઠ પર માતાની નાભિ પડી હતી તો કોઈ ભક્તગણની માન્યતા મુજબ અહીં સતીના બે પગ પડ્યા હતા.

ખેર, મતમતાંતરની વાતોની અહીં પૂર્ણતા લાવીએ. પરંતુ એ હકીકત છે કે જગન્નાથ મંદિરના પરિસરમાં જ રોહિણી કુંડની બાજુમાં આવેલું બલવા પથ્થર અને લાલ માટીથી બનેલું આ ટેમ્પલ પ્રભાવશાળી છે અને એ ટેમ્પલમાં બિરાજતાં વિમળા માતા પણ તેજોમય છે. નવમી શતાબ્દીમાં બનેલું આ મંદિર કલિંગ વાસ્તુકલા પર આધારિત છે અને ચાર વિભાગમાં ડિવાઇડેડ છે. જોકે ધાર્મિક ગ્રંથોમાં આ સ્થળે છઠ્ઠી સદીમાં મંદિર બન્યું હતું એવો ઉલ્લેખ છે, પરંતુ આક્રમણો કે કુદરતી આફતોને કારણે એ ધ્વસ્ત થયું હોઈ શકે. હાલમાં અહીં બનેલું મંદિર ૧૨૦૦ વર્ષ પ્રાચીન છે. તાંત્રિક અને અઘોરી વિદ્યાના ઉપાસકોનું શક્તિ સ્થળ કહેવાતા આ મંદિરની વાઇબ્સ વાઇબ્રન્ટ છે. આ દેવી સ્થાનક સામાન્ય દિવસોમાં સુસ્ત રહેતું હોય પરંતુ આસો મહિનામાં નવપલ્લવિત થઈ જાય છે. અહીં ૧૬ દિવસની દુર્ગાપૂજા થાય છે, જેનું સમાપન વિજયાદશમીના થાય છે. ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવા વદ દસમ (શ્રાદ્ધ પક્ષની દસમા દિવસ)થી શરૂ થતી આ પૂજાના છઠ્ઠા દિવસે અહીં ભારે ધૂમધામ હોય છે, કારણ કે આ દિવસ કાત્યાયની માતાનો દિન છે. વર્ષમાં એક દિવસ અહીં બલિ ચડાવવાની પ્રથા છે અને માંસ, મટન, મચ્છીનો ભોગ ધરવાય છે. કદાચ આ જ કારણોસર આપણા વર્ગમાં આ મંદિર બહુ પૉપ્યુલર નહીં હોય? ખેર, અમને તો લાગે છે વિમલા મંદિરને સાઇડલાઇન કરવાનું મેઇન કારણ એ હોઈ શકે કે મુખ્ય જગન્નાથ મંદિરમાં જ ભક્તોને બહુ સમય થઈ જાય છે. વળી અહીંના યાત્રાળુઓને ચિપકી જતા પંડાઓથી ભાગવા ભક્તો ઝડપથી ટેમ્પલ કૉમ્પ્લેક્સમાંથી બહાર નીકળી જાય છે. પરિણામે આ શક્તિ પીઠનાં દર્શનથી વંચિત રહી જાય છે.

જગન્નાથ પુરી કેવી રીતે જવું? ત્યાંની રહેવા-ખાવા-પીવાની સગવડ વિશે અહીં જણાવવાનો કોઈ મીનિંગ નથી, કારણ કે ભારતભરથી ઓડિશાની રાજધાની ભુવનેશ્વર જવા એક ડઝનથી વધુ ટ્રેનો, ફ્લાઇટ્સ અને રોડ પરિવહન છે; કારણ કે ધાર્મિક દૃષ્ટિએ પુરી જેમ બડકમદાર છે એમ પ્રવાસની દૃષ્ટિએ પણ પુરી A+ છે.

પૉઇન્ટ બ્લૅન્ક

કહેવાય છે કે વિષ્ણુજી રામેશ્વરમમાં સ્નાન કરે છે, બદરીનાથમાં ધ્યાન ધરે છે, દ્વારકામાં આરામ કરે છે અને પુરીમાં ભોજન કરે છે. માટે અહીં મહાપ્રસાદનું બહુ મહત્ત્વ છે. અનેક પ્રકારના રાઇસ સાથે ખાજા, સતપડી, મગજના લાડુ જેવા ભોગ ધરાવાય છે. જોકે અહીંના ભોગમાં જેટલી વિવિધતા છે એટલી વિશેષતાઓ પ્રસાદ પકાવવામાં છે. લાકડાના 
ચૂલા પર એકની ઉપર એક અલગ-અલગ અન્ન ભરેલાં માટીનાં મોટાં સાત માટલાં જેવાં પાત્ર મુકાય છે. અને અચરજની વાત એ છે કે સૌથી ટૉપ પર રહેલા વાસણનું અન્ન પહેલાં તૈયાર થઈ જાય છે. ત્યાર બાદ બધા ક્રમ અનુસાર વાસણમાં રહેલો ખોરાક પાકે છે. ઍન્ડ ટૉપ ઑફ ધૅટ, સતત એકસરખો તાપ મળવા છતાં સૌથી નીચે રહેલાં વાસણમાંનો ખોરાક દાઝતો કે બળી
જતો નથી.

travelogue travel news alpa nirmal columnists