ગુજરાતીઓના ફેવરિટ માઉન્ટ આબુ સાથે ભોલે ભંડારીનું પણ એક ખાસ કનેક્શન છે

06 July, 2023 04:18 PM IST  |  Mumbai | Alpa Nirmal

અરાવલીની પહાડીઓમાં આવેલા અચલગઢના કિલ્લા નજીક મહાદેવનું અનોખું દેવાલય છે. જગતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં શિવલિંગ નહીં, આશુતોષના પગના અંગૂઠાની પૂજા થાય છે

અચલેશ્વર મહાદેવનું મંદિર

માઉન્ટ આબુ ગયા હોય એ રબડી તેમ જ ઘેવર તો ખાય જ એ જ રીતે રાજસ્થાની હૅન્ડિક્રાફ્ટ્સ પણ ખરીદે જ. જોકે આ બેઉ કાર્ય સાથે ટાઇમ હોય તો મસ્ટ ડૂ થિંગ છે ગુરુ શિખરની વિઝિટ. અહીં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રિદેવના અવતાર દત્તાત્રયનું જાગૃત મંદિર છે.

કોઈ ગુજરાતી એવો નહીં હોય જે માઉન્ટ આબુ નહીં ગયો હોય. ગુજરાત અને રાજસ્થાનની બૉર્ડર પર આવેલું બારમાસી હિલ સ્ટેશન હવા ખાવાનું સુંદર સ્થળ તો છે જ સાથે દેલવાડાના અદ્વિતીય દહેરાનું નિવાસસ્થાન છે. અહીં નટખટ નખ્ખી લેકની મોહકતા છે તો ગુરુશિખરની મહાનતા પણ છે. ઉનાળામાં આહલાદક, ચોમાસામાં રોમાંચક અને શિયાળામાં સહ્ય ઠંડી ધરાવતું આ સ્થળ સમસ્ત વિશ્વમાં વસતા ગુજરાતી અને રાજસ્થાનીઓનું પ્રિય ડેસ્ટિનેશન છે. આ જ માઉન્ટ આબુથી ફક્ત ૧૧ કિલોમીટરના ડિસ્ટન્સે એક યુનિક મંદિર છે જ્યાં પાર્વતી પતિના લિંગની નહીં, ચરણની પૂજા થાય છે.
યસ, ૧૫મી સદીમાં રાજસ્થાનના શાસક કુંભાએ આ જગ્યાનું નામકરણ કર્યું છે અચલેશ્વર મહાદેવ ત્યારથી એ પાદચિહન સ્થળ અચલેશ્વર તરીકે ઓળખાય છે. આમ તો પુરાણોમાં લખાયું છે કે કાશી શિવશંકરનું મુખ્ય નગર છે તો આબુ ઉપનગર. અહીં ભોલેનાથનાં ૧૦૮થી વધુ પ્રાચીન અને અર્વાચીન મંદિરો છે જેમાં અચલેશ્વર મહાદેવનું મહત્ત્વ અનન્ય છે. એ જ રીતે અચલેશ્વર નામે મહાદેવનાં બેસણાં દેશભરમાં છે. એમાંય ગ્વાલિયરના અચલેશ્વર તો કાફી પ્રખ્યાત છે. પરંતુ જો વશિષ્ઠ મુનિની સ્ટોરીને ધ્યાનમાં રાખીએ તો અચલગઢના અચલેશ્વર આગળના ક્રમાંકે આવે. 

તો લેટ્સ ફોકસ ઑન મરુભૂમિ. તમને થશે, ક્યાં ભારતના ઉત્તરે કૈલાસ ને ક્યાં આ ઇન્ડિયાનો પશ્ચિમી છેડો. શિવજી કૈલાસની અલૌકિક ભૂમિથી અહીં કેમ આવે? તો જાણો નટરાજ અહીં કેમ પધાર્યા હતા. પૌરાણિક કાળમાં આજે જ્યાં આબુ પર્વત છે ત્યાં વિરાટ બ્રહ્મ ખાઈ હતી. એ ઊંડી ખીણના કિનારે વશિષ્ઠ મુનિ રહેતા હતા અને સાધના કરતા હતા. વશિષ્ઠ મુનિ સાથે તેમની કામધેનુ ગાય પણ અહીં રહેતી. એક દિવસ ખીણની આજુબાજુ હરિયાળા પ્રદેશમાં ઘાસ ચરતાં-ચરતાં કામધેનુ એ ગહન બ્રહ્મ ખાઈમાં પડી ગઈ. એને બચાવવા તપસ્વી મુનિએ મા સરસ્વતી ગંગાને આહવાન કર્યું અને ગંગાજી પ્રગટ થતાં આ ખાઈને જળથી ભરી દીધી. કામધેનુ પાણીની સપાટી પર આવી જમીન પર આવી ગઈ. થોડો સમય પછી ફરી આવો હાદસો થયો. ગાય ખાઈમાં પડી ગઈ. ત્યારે વશિષ્ઠ મુનિએ વિચાર્યું કે આનો કોઈ કાયમી ઉકેલ લાવવો પડશે. વારંવાર મા ગંગાજીનું આહવાન કરી તેમને કષ્ટ ન અપાય. એટલે વશિષ્ઠ મુનિ ઊપડ્યા પર્વત રાજા હિમાલય સમીપે અને નગાધિરાજને એ બ્રહ્મ ખાઈને પૂરવાની વિનંતી કરી. હિમાલયે તપસ્વી મુનિરાજનો અનુરોધ માન્ય રાખ્યો અને પુત્ર નંદીવર્ધનને બ્રહ્મ ખાઈ જવાનો આદેશ કર્યો. નંદીવર્ધન અર્બુદ નાગની સવારી કરી ઊડીને વશિષ્ઠ મુનિના આશ્રમે પહોંચ્યા. તેમણે મુનિ પાસે વરદાન માગ્યું કે હું આ ખાઈ ભરી દઈશ અને ત્યાં પહાડ ઊભો કરી દઈશ, પણ આપ મને વરદાન આપો કે આ પર્વત ઉપર ભિન્ન-ભિન્ન પ્રકારની અને સુંદર વનસ્પતિઓ થશે તેમ જ પહાડની ઉપર સપ્ત ઋષિઓનો આશ્રમ હશે. એ સાથે જ અર્બુદ નાગે પણ વર માગી લીધું કે આ પર્વતનું નામ એના નામ પરથી અર્બુદ રહેશે. વશિષ્ઠ મુનિએ કહ્યું, તથાસ્તુ. વરદાન મેળવીને નંદીવર્ધન ખાઈમાં ઊતર્યો અને અંદર ને અંદર ગરક થતો જ ગયો. ફક્ત નાક અને કપાળનો થોડો ભાગ જમીનની ઉપર રહ્યો. એ બ્રહ્મ ખાઈ તો પુરાઈ ગઈ. અહીં પર્વત પણ ઊભો થઈ ગયો, પણ એ સતત હાલકડોલક થઈ રહ્યો હતો. સ્થિર જ નહોતો થઈ શકતો. ત્યારે વશિષ્ઠ મુનિએ દેવો કે દેવ મહાદેવનો કૉન્ટૅક્ટ કર્યો. ભોળાનાથે કૈલાસમાં બેઠા-બેઠા પોતાનો જમણો પગ લંબાવ્યો અને પગના અંગૂઠાથી એ ડોલતા પર્વતને સ્થિર માને અચલ કર્યો. ત્યારથી આ જગ્યા અચલગઢ કહેવાઈ અને ખાઈમાં બનેલો પેલો પર્વત એ અર્બુદ ગિરિ કહેવાયો જેનું અપભ્રંશ થતાં એ માઉન્ટ આબુ તરીકે જાણીતો છે તેમ જ વશિષ્ઠ મુનિએ આપેલા વરદાનને કારણે આબુનો પહાડ વિવિધ વનરાજીથી સદાય પલ્લવિત રહે છે. 

તો મિત્રો, આ રીતે જટાશંકર અહીં પધાર્યા હતા અને ત્યારથી આ સ્થળે તેમના પવિત્ર અંગૂઠાની પૂજા-અર્ચના થાય છે. આ અંગૂઠાની નીચે એક પ્રાકૃતિક રીતે ગહન ખાડો છે, જેમાં કેટલું પણ પાણી ભરો એ ક્યારેય ભરાતો નથી. વળી અંદર ઊતરેલું પાણી ક્યાં જાય છે એ પણ રહસ્ય છે. એની એક કિંવદંતી છે. લોકમાન્યતા પ્રમાણે એ ખાડો પાતાળ લોક સુધી જાય છે અને એમ પણ કહેવાય છે કે જ્યારે પ્રભુની એ પાદુકા દેખાતી બંધ થશે ત્યારે સમગ્ર સૃષ્ટિનો વિનાશ થશે. 
પૌરાણિક કાળથી સ્થાનિકો દ્વારા પુજાતા આ સ્થળે હાલે જે મંદિર ઊભું છે એ ૮મી સદીમાં પરમાર વંશના રાજાઓએ નિર્માણ કરાવ્યું છે. એમ તો અહીં કુદરતી રીતે બનેલું એક શિવલિંગ અને ક્રિસ્ટલની અન્ય મૂર્તિ પણ છે. પણ એ ક્યારની છે, કોણે પધરાવી છે એનો કોઈ ઉલ્લેખ નથી. જોકે ઉલેખ્ખનીય છે મંદિરના પરિસરમાં બિરાજમાન જાજરમાન નંદી મહારાજ, સુવર્ણ, ચાંદી, તાંબું, જસત અને પિત્તળ. એમાં પાંચ ધાતુમાંથી બનેલા ૪ હજાર કિલોની શિવજીનું વિશાળ વાહન એકદમ લાઇવ લાગે છે. કહેવાય છે કે ૧૫મી સદીમાં જ્યારે મોગલોએ આ મંદિર પર હુમલો કર્યો ત્યારે મુગલ સેનાપતિ નંદી પર એવો મોહી પડ્યો કે તેણે સૈનિકોને એ ઉપાડીને પોતાની સાથે લઈ આવવા કહ્યું. સૈન્યએ નંદીની મૂર્તિને હલાવવાનો પ્રયત્ન કર્યો તો અચાનક મધમાખી જેવી મોટી ડંખીલી માખીઓનું ઝુંડ તેમની સામે આવી ગયું અને આ માખીઓએ એવા કાતિલ ડંખ માર્યા કે સૈનિકો ઊભી પૂંછડીએ ભાગી ગયા.
આગળ કહ્યું એમ ૮મી સદીમાં બનેલા આ મંદિરનો અનેક વખત જીર્ણોદ્ધાર થયો છે પરંતુ અણઘડ કારીગરો દ્વારા થયેલા નવીનીકરણ તેમ જ કાળની થપાટોને કારણે મૂળ મંદિરની આંતરિક આરસની નકશી, બારીક ચાંદીકામ વગેરે ઢંકાઈ ગયું હતું. જોકે એ આ ટેમ્પલ માટે આશીર્વાદરૂપ બની રહ્યું અને મંદિર લૂંટફાટથી બચી શક્યું. ૧૯૭૯માં સિરોહીના યુવરાજ મંદિરની મુલાકાતે આવ્યા અને તેમની પારખુ નજરને ખ્યાલ આવ્યો કે ચૂનાના લપેડાઓની અંદર સુંદરતમ સંગેમરમરનું મંદિર છે અને તેમના પ્રયત્નોથી હાલનું મંદિર ભક્તો સમક્ષ ઊભું છે. મંદિરમાં ગર્ભગૃહ છે, પરિક્રમા માટે ભમતી છે, જેમાં પ્રાચીન ચામુંડા માની મૂર્તિઓ છે. દર સોમવારે અહીં ભોળા ભંડારીના ભક્તો મોટી સંખ્યામાં આવે છે પણ મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં તો શ્રદ્ધાળુઓની સંખ્યા હજારોમાં પહોંચી જાય છે.


મંદિરની નજીકમાં રાણાકુંભાએ બનાવેલો અચલગઢ કિલ્લો છે, જે અગેઇન બેપરવાઈ અને મરમ્મતના અભાવે ખંડેર જેવો થઈ ગયો યછે. ૧૫મી સદીમાં બનાવાયેલા આ કિલ્લાની અંદર જ મનોરમ જૈન મંદિર છે. જિનાલયની નકશી જેટલી બેજોડ છે એટલી જ પ્રભાવશાળી છે. અહીં પધરાવેલા તીર્થંકર ભગવાનની પ્રતિમા. ૧૦ મિનિટની સરળ ચડાઈ ચડવામાં આળસ કરશો તો આ દૈદીપ્યમાન દેરાસરનાં દર્શન કરવાનું ચૂકી જશો.
જોકે બીજું ન ચૂકવાનું સ્થળ છે શિવાલયની પાસે આવેલું તળાવ. અહીં તળાવની કિનારે ત્રણ  ભેંસોનાં સ્ટૅચ્યુ છે જેમના પેટ પર આરપાર એક કાણું છે. કહેવાય છે કે આ સ્થળ અનેક ઋષિમુનિઓનું તપોસ્થળ હતું અને આ સરોવર ઘીથી ભરેલું હતું. ત્રણ અસુરો અહીં ભેંસના રૂપમાં આવતા અને ધ્યાનમગ્ન મુનિઓને રંજાડી તળાવમાંનું ઘી પી જતા. આ વિશે ઋષિઓએ સ્થાનિક રાજાને કમ્પ્લેઇન્ટ કરી અને પરાક્રમી રાજાએ એક જ બાણથી ત્રણેય ભેંસનાં પેટ વીંધી નાખ્યાં. એના પ્રતીક રૂપે અહીં ભેંસનાં સ્ટૅચ્યુ છે અને એમના પેટમાં હોલ પણ છે.
આબુ-અચલગઢ કેવી રીતે જવાય? કે ત્યાં રહેવા-ખાવા-પીવાની સગવડ વિશે કોઈ ગુજરાતીને કહેવું જ ન પડે. આબુથી નિયરેસ્ટ ઍરપોર્ટ ઉદયપુર છે અને મુંબઈથી ડાયરેક્ટ ટ્રેનો આબુરોડ પહોંચાડે છે. ત્યાંથી માઉન્ટ આબુ અને અચલગઢ જવા અનેક પ્રાઇવેટ વાહનો મળી રહે છે. રહેવા માટે માઉન્ટ આબુમાં ઢેર સારે ઑપ્શન છે એ જ રીતે ખાવા માટે પણ પીત્ઝા-પાસ્તાથી લઈ દાલ-બાટી-ચૂરમા સુધીનાં અઢળક વ્યંજનો મળે છે.

 પૉઇન્ટ બ્લૅન્ક 

શ્રાવણ મહિનામાં ભોલેનાથની પૂજા-અર્ચના સ્તવનાનું ખૂબ મહત્ત્વ છે અને પુરુષોત્તમ (અધિક) મહિનામાં વિષ્ણુજીનાં દર્શનનો. આ વખતે બે શ્રાવણ મહિના છે ત્યારે અમે વિવિધ શિવ અને વિષ્ણુ મંદિરોનું તીર્થાટન કરાવીશું. આશા છે કે અમારો આ પ્રયાસ આપને ગમશે.

travel news travelogue rajasthan alpa nirmal columnists