29 June, 2023 04:41 PM IST | Mumbai | Alpa Nirmal
મહામાયા દેવી
આસામના આસ્થાળુઓ માટે કામાખ્યા ટેમ્પલ જેટલું જ વિશિષ્ટ છે રાજ્યના બોગરીબારીમાં આવેલું મા મહામાયાનું મંદિર. ૧૧મી સદીની મધ્યમાં બનેલી આ શક્તિપીઠ શ્રદ્ધાળુઓના આત્મા અને મનને શાંત કરવાની સાથે શાશ્વત ઊર્જા પ્રદાન કરે છે
દરરોજ સવારે ચાના કપ સાથે આપણું આસામ સાથે મિલન થાય છે. (દરેક બ્રૅન્ડની ચામાં કલર લાવવા માટે વધતા-ઓછા અંશે આસામની ચા ભેળવવામાં આવે જ છે) છતાં ભારતના આ પૂર્વીય રાજ્ય સાથે આપણો સંબંધ ચાના રંગ જેવો ગહેરો નથી. હા, ગુવાહાટીના કામાખ્યા દેવી ટેમ્પલ વિશે સહુને ખ્યાલ છે પણ આસામની અન્ય વિશેષતા, સુંદરતાનો ઝાઝો પરિચય નથી. ખેર, થોડી દેર સે હી સહી, પણ આજે જઈએ ગુવાહાટીથી ૨૧૮ કિલોમીટર દૂર આસામના બિલાસી પારા વિસ્તારમાં, જેના બોગરીબારી ગામે મા મહામાયાનું અતિ પવિત્ર સ્થાન છે.
કોકરાઝાર જિલ્લાનું બોગરીબારી ધુબરી શહેરથી ૩૦ કિલોમીટર અને બિલાસી પારાથી ફક્ત ૧૦ કિલોમીટરના અંતરે છે. આ બધાં નામ આપણા માટે નવતર છે પણ અહીં એ જાણી લો કે ભારતનો આ હિસ્સો હવે મુંબઈથી બહુ દૂર નથી. આમચી મુંબઈથી ગુવાહાટી માટે ટ્રેન, ફ્લાઇટ સર્વિસ તો છે જ. સાથે ૨૦૧૯માં છેક બિલાસી પારા સુધી ભારતીય રેલ જાળ બિછાવી દીધી છે, જે દેશના મોટા ટાઉનથી ઇન્ડાયરેક્ટ્લી જોડાયેલું છે. બાકી પાટનગર ગુવાહાટીથી રોડ સર્વિસ ટકાટક છે. ચા અને ધાન્યોનાં ખેતરોની વચ્ચેથી વાંકીચૂંકી પહાડી રસ્તાઓથી અહીં પહોંચવું મજાનું બની રહે છે.
મહામાયા ધામ કઈ રીતે પહોંચવું એ જાણી લીધા બાદ અહીં રહેવા અને ખાવા-પીવાની સગવડો વિશે પણ રૂબરૂ થઈ જઈએ. તો બોગરી બારી મીડિયમ સાઇઝનું ગામ છે જ્યાં મોટા ભાગે મુસ્લિમ વસ્તી છે અને સાવ સામાન્ય હોટેલો છે, પણ ધુબરી અને બિલાસી પારા આર બિગ ટાઉન. ૨૦૧૫ના સેન્સસ પ્રમાણે બિલાસી પારામાં ૫૦ હજાર લોકોની વસ્તી હતી. આ આખાય વિસ્તારનું શૈક્ષણિક સંસ્થાન ગણાતા બિલાસી પારામાં રહેવા માટે પણ સુવિધાયુક્ત ગેસ્ટહાઉસ, હોટેલ્સ છે અને જમવા, નાસ્તો કરવાની પણ સુઘડ રેસ્ટોરાં છે. વેલ, આ બધું તો ખરું પણ મા મહામાયા કોણ એ વિશે જાણવાની ઉત્કંઠા થઈ હોય તો એ કાળમાં જઈએ જ્યારે સમગ્ર સૃષ્ટિ જળબંબાકાર થઈ બ્રહ્માંડમાં લુપ્ત થવાની અણી પર હતી, કારણ કે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં પોઢેલા હતા. શેષનાગ પર નિદ્રાધીન જનાર્દનની ઊંઘ એટલી ગહેરી હતી કે તેમને જગાડવા શક્ય નહોતા. એ સમયે વિષ્ણુ ભગવાનના કાનના મેલમાંથી બે અસુરો ઉત્પન્ન થયા મધુ અને કૈટવ. બેઉ અત્યંત શક્તિશાળી અને બળવાન, પણ પોતાની શક્તિનો દુરુપયોગ કરનારા. આ મધુ અને કૈટવને થયું કે આપણે બ્રહ્માજીને ગળી જઈએ અને વિજેતા બની જઈએ. તેમનો નાશ કરવા બ્રહ્માએ ખૂબ સાધના કરી પણ તેઓ ધ્યાનમાં એકાગ્ર ન થઈ શક્યા. બ્રહ્માજીને આ ઈવિલ સ્પિરિટોની તાકાતનો અંદાજ હતો, વળી તેમને એ પણ ખ્યાલ હતો કે શ્રી હરિ યોગનિદ્રામાં છે; એ જાગી શકશે નહીં. ત્યારે તેઓ સહાય લેવા ઇન્દ્ર પાસે ગયા પરંતુ ઇન્દ્રએ પણ મધુ અને કૈટવ સામે લડવાની, જીતવાની અસમર્થતા દર્શાવી. હવે બ્રહ્માજીને લક્ષ્મીપતિ વિષ્ણુને જગાડ્યા વગર છૂટકો જ નહોતો. પરંતુ તેમને જાગૃત કરવા કેમ? ત્યારે બ્રહ્માજીએ યોગનિદ્રાનું ધ્યાન ધરવાનું શરૂ કર્યું. યોગનિદ્રા, જે વિષ્ણુ ભગવાનનાં નેત્રોમાં બિરાજિત હતી. સર્જનકાર બ્રહ્માજીએ અત્યંત એકાગ્રતા સાથે ધ્યાન ધરતાં યોગનિદ્રા મા મહામાયા રૂપે શ્રીજીનાં નેત્ર, મુખ, બાહુ, વક્ષઃસ્થળ, હૃદયમાંથી પ્રગટ થયાં અને વિષ્ણુ જાગી ગયા. મધુ અને કૈટવના નાપાક ઇરાદાનો તેમને ખ્યાલ આવ્યો એટલે ભગવાને બેઉ અસુરો સાથે યુદ્ધ કર્યું. અને એ યુદ્ધ પૂરાં પાંચ હજાર વર્ષ ચાલ્યું. વિષ્ણુ ખુદ આ અસુરોની શક્તિથી પ્રભાવિત થયા. તેમણે બેઉ અસુરોને વરદાન માગવાનું કહ્યું ત્યારે મધુ તથા કૈટવે વિચાર્યું કે સમસ્ત જગત ડૂબી જ રહ્યું છે ત્યારે આપણે એવું વરદાન માગીએ જેથી આપણે અમર થઈ જઈએ. મધુ-કૈટવે ભગવાનને કહ્યું કે જ્યાં પાણી હોય ત્યાં અમારું મૃત્યુ થાય નહીં એવું વરદાન આપો. પ્રભુએ કહ્યું ‘તથાસ્તુ.’ અને એ બેઉ રાક્ષસોને પોતાની જાંઘ પર રાખી સુદર્શન ચક્ર વડે તેમનું માથું ધડથી અલગ કરી નાખ્યું. આમ ભગવાને તેમને આપેલું વચન પણ પૂર્ણ કર્યું અને મધુ-કૈટવનો નાશ પણ થયો. તો ફાઇનલી મહામાયા માતા વિષ્ણુના શરીરમાંથી પ્રગટ થયેલો અવતાર છે. જે ભ્રમિત છે, માયા છે, પરંતુ સમસ્ત જગતનું ચાલક બળ છે. કેટલાંક પુરાણોમાં તેને શ્રી લક્ષ્મીનું રૂપ કહેવાય છે તો કોઈક મહામાયાને વિદ્યાની દેવી સરસ્વતીનું સ્વરૂપ ગણે છે. શાસ્ત્રોમાં દર્શાવાયું છે કે કોઈ દેવોનું ઋણ ચૂકવવા શક્તિ મહામાયા રૂપે પ્રગટ થઈ છે અને તેમના બળે જ આ સૃષ્ટિ ટકી રહી છે. આ સર્વોચ્ચ શક્તિ છે જે વિષ્ણુને પણ પોતાના પ્રભાવમાં રાખી શકે છે. આ મહાન ભ્રામક શક્તિ સારાઈ અને બુરાઈ બેઉનું પ્રતીક છે તો સર્જન તથા વિસર્જન બન્ને કરવા સમર્થ છે.
જનરલી ઉત્તર-પશ્ચિમ ભારતમાં જગત જનની દુર્ગા લક્ષ્મી અને સરસ્વતીના રૂપે પુજાય છે. પરંતુ પૂર્વ ભારતમાં કાલી સ્વરૂપ વધુ પ્રચલિત છે. મા કાલીનું જ ભ્રમિત રૂપ છે મહામાયા. હવે બોગરીપારીના મંદિર પાછળની કથા કહીએ તો કહેવાય છે કે મા મહામાયા એક વખત આ વિસ્તારના રાજા અથવા વેપારી (અહીં મતમતાંતર છે) કામકાજ અર્થે બહારગામ ગયા હતા ત્યારે આ જગ્યાએ રાત્રિવાસ કર્યો. મધરાત્રે અચાનક તેમની ઊંઘ ઊડી ગઈ અને એક તેજપુંજ જોયો. એ દૈવીય પુંજ નજીક આવેલા પાણીના સરોવર તરફ ગયો. અને રાજા કે વેપારીને સ્વયંભૂ વિચાર આવ્યો કે આ તો દેવી મહામાયા છે. આ પ્રસંગ બાદ તેમણે અહીં માતાનું મંદિર બનાવડાવ્યું અને જે સરોવરમાં માએ સ્નાન કર્યું હતું એનું પણ સમારકામ કરાવ્યું. સદીઓ પૂર્વે આ પર્વતીય વિસ્તારમાં રહેતાં કચરી, કૌંચ અને નાથ વંશના લોકો આ દેવીની પૂજા કરતા અને મા અહીંના જમીનદારોની કુળદેવી ગણાતાં. પરંતુ કાળક્રમે તેમની વ્યાપકતા અને પ્રભાવ વધતાં દરેક જાતિના, આજુબાજુના એરિયાના લોકો પણ તેમની પૂજાઅર્ચના કરવા લાગ્યા. આજે બારેય મહિના અહીં શ્રદ્ધાળુઓ આવે છે પણ ચૈત્ર તેમ જ શારદીય નવરાત્રિ ઉપર મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતાને મથ્થા ટેકવા આવે છે. દુર્ગાપૂજામાં અહીં બલિ ચડાવવાની પરંપરા છે. જોકે ૪૦૦ વર્ષ જૂની આ પ્રણાલીના વિરોધમાં ઘણા નેચર લવર્સે હવે બાંયો ચડાવી છે.
મહામાયા દેવીનું અન્ય એક પૂજા સ્થળ એ મહામાયા સ્નાન ઘાટ છે જે આ મંદિરથી થોડા કિલોમીટર દૂર છે. પરંતુ ઇન્ડિયાની માઇટિએસ્ટ બ્રહ્મપુત્રા નદીની પેટા નદી ટિપકાઈના તટ પર સ્થિત આ સ્નાનઘાટ મા મહામાયાના સ્પર્શથી પાવન થયેલી ભૂમિ અને જળ છે. દર જાન્યુઆરી મહિનામાં અહીં શક્તિ યજ્ઞ યોજાય છે. એ સમયે પણ આસ્થાળુઓ ખાસ પધારે છે.
પૉઇન્ટ બ્લૅન્ક
ઝારખંડ રાજ્યના ગુમલા જિલ્લામાં હાપામુની ગામમાં ૧૧૦૦ વર્ષ પૂર્વે બનેલું મા મહામાયાનું મંદિર ખૂબ પ્રખ્યાત છે. અને તાજ્જુબની વાત એ છે કે અહીં મા મહામાયાની મૂર્તિને ખુલ્લી આંખે જોઈ શકાતી નથી. પૂજારી પણ આંખો પર પટ્ટી બાંધી માતાની પૂજા કરે છે અને પૂજા બાદ એ મૂર્તિને પેટીમાં મૂકી દેવાય છે. જોકે પ્રતીક સ્વરૂપે અહીં મા મહામાયાની બીજી મૂર્તિ સ્થાપિત કરી છે અને ભક્તો એનાં દર્શન કરી શકે છે. દર વર્ષે ચૈત્ર વદ અમાસના દિવસે (ગુજરાતી કૅલૅન્ડર પ્રમાણે ચૈત્રી પૂનમે) અહીં ડોલ જાત્રા મહોત્સવનું આયોજન થાય છે અને માતાની મૂર્તિ ધરાવતી પેટી મંદિરના બહારના ચોકમાં દર્શનાર્થે મૂકવામાં આવે છે. આ પ્રકારની પ્રણાલીની પાછળની કથા એ છે કે લરકાના આંદોલન વખતે એટલે ૧૮૩૧-’૩૨માં કોલસાની ખાણના સ્થાનિક વિદ્રોહ વખતે આ માતાની પૂજા કરતાં પૂજારીનાં સંતાન અને પત્નીને આક્રમણખોરોએ મારી નાખ્યાં. ત્યારે બરજુ રામ, જે અહીં પૂજા કરી કહ્યા હતા. તેના દોસ્ત રાધોરામે કહ્યું હું મા મહામાયાની ભક્તિ કરીશ, તેમના પાસેથી શક્તિ મેળવીશ જેનાથી તે હુમલાખોરોને મારી શકીશ. રાધોરામની આસ્થા અને અર્ચનાથી માતા પ્રગટ થયાં અને શરત મૂકી કે હું તને મદદ કરીશ જેનાથી તું તે હત્યારોઓને મારી શકીશ પણ લડાઈ વખતે તારે પાછળ નહીં જોવાનું. જો તું પાછળ જોઈશ તો એ જ સમયે તારું માથું ધડથી અલગ થઈ જશે. મા ભગવતીની કૃપાથી રાધોરામનો વિજય થયો પણ મનુષ્ય સ્વભાવગત તેણે પાછળ જોયું કે પાછળ કોણ છે? એ જ સમયે તેનું માથું કપાઈ ગયું. આજે આ જગ્યાએ મંદિર છે. જોકે આ મંદિર પાછળ બીજી એક રહસ્યમય કથા એ છે કે આ માનો મઢ ભૂતોએ નિર્માણ કર્યો છે. હાપામુનિ ક્ષેત્રની આજુબાજુ અનેક કોલસાની ખાણો છે. હજારો વર્ષો પૂર્વે અહીં હીરા-માણેક મળતા. એની શોધમાં સેંકડો લોકો અહીં આવતા. દક્ષિણી કોયલ નદીના આ વિસ્તારમાં એક વખત પૂર આવ્યું, જેમાં હજારો લોકો મરી ગયા. આ લોકો તેમના ગામમાં ભૂત બનીને તાંડવ કરવા લાગ્યા. ભૂતોનો ઉપદ્રવ નષ્ટ કરવા અહીં રહેતા. એક મૌન સાધુ જે હાપામુનિ નામે વિખ્યાત હતા તેઓ મા ભગવતીની તપસ્યા કરવા વિધ્યાંચળ પર્વત પર ચાલ્યા ગયા. ૩ વર્ષ બાદ મા ભગવતી સ્વયં પ્રગટ થયાં, જેને લઈ ત્યાંના રાજા એ ગામોમાં પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક જગ્યાએ મૂર્તિ જમીન પર મૂકી દેતાં એ મૂર્તિ આપોઆપ જમીનમાં સમાઈ ગઈ. ફરીથી હાપામુનિએ માની સ્તુતિ કરી. ત્યાર બાદ મા ભગવતી કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને બહાર આવ્યાં અને રાજાએ એ પ્રતિમાની અહીં પ્રતિષ્ઠા કરી અને ભૂતોનો કેર બંધ થયો. કહે છે કે એ સમયે રાજ્યમાં આરોપીઓને અહીં કસમ ખાવા લઈ આવતા હતા અને ખરા અપરાધીઓ માતાના પ્રભાવથી પોતાનો ગુનો સ્વીકારી લેતા હતા.