27 April, 2023 04:43 PM IST | Mumbai | Alpa Nirmal
જ્યાં સમુદ્રદેવ દરરોજ મહાદેવનો અભિષેક કરવા માટે આવે છે
ગુજરાતીઓમાં દીવ અલગ કારણોસર પ્રખ્યાત છે. ઊછળતો, નીલવર્ણો, ચોખ્ખો દરિયો અને એનાથીય ચોખ્ખું આકાશ. પોર્ટુગીઝ છાંટ ધરાવતું કલ્ચર અને છાંટો પાણી લેવાની છૂટછાટને કારણે બારેય મહિનાના ઑલ બાવન વીક-એન્ડ અહીં ભીડભાડ રહે છે, પણ આપણે દીવની આ વાત નથી કરવાની. આપણે તો વાત કરવી છે અહીંના ફુદમ ગામે આવેલા ગંગેશ્વર મહાદેવની.
સ્વર્ગમાંથી ઊતરેલી ગંગાને પોતાની જટામાં ઝીલનાર શિવનું એક નામ ગંગેશ્વર મહાદેવ અને એ જ નામે ગરવી ગુજરાતની પશ્ચિમી સીમાએ આવેલા અરબી સમુદ્રના કિનારે ખડકોનાં કોતરોમાં સ્થિત આ નાનકડું શિવાલય ઓળખાય છે. આ સ્થાન એકદમ દરિયાઈ પટ્ટી પર છે અને ભરતીના ટાઇમે દરરોજ દરિયાદેવ અહીં આવી મહાદેવજીનો અભિષેક કરે છે. જોકે ગંગેશ્વર મહાદેવની આ એકમાત્ર વિશેષતા નથી. એની બીજી ખાસિયત છે અહીં એક કતારમાં અલગ-અલગ કદનાં પાંચ શિવલિંગ છે, જે કદાચ આખા ભારતમાં અન્યત્ર ક્યાંય નથી. અને હવે સૌથી મહત્ત્વનો પૉઇન્ટ તો એ છે કે આ શિવલિંગ ૫૦૦૦ વર્ષો પૂર્વે પાંચ પાંડવોએ પોતાના કદ અનુસાર અહીં બનાવ્યાં છે.
કહેવાય છે કે મહાભારતના મુખ્ય નાયકો પાંચ પાંડવોને શિવજીની પૂજા-અર્ચના કરવાનો નિત્યક્રમ હતો. તેઓ જ્યારે આ વિસ્તારમાં આવ્યા ત્યારે તેમણે પોતાનો નિયમ ન તૂટે એ માટે દરિયાઈ ખડકમાંથી પાંચ શિવલિંગનું નિર્માણ કર્યું. પહેલા પાંડવ યુદ્ધિષ્ઠિરે પોતાના કદ મુજબ શિવલિંગ બનાવ્યું, જે આ ‘સી-શોર’ મંદિરમાં પ્રથમ ક્રમાંકે છે. એની બાજુમાં ગદાધારી ભીમે પોતાની વિશાળ કાયા અનુસાર લિંગ બનાવી અહીં સ્થાપિત કર્યું. એની બાજુમાં ગાંડવધારી અર્જુને મધ્યમ કદનું બનાવેલું લિંગ છે અને એની બાજુમાં નકુલ અને સહદેવનાં થોડાં નાનાં શિવલિંગ છે. જોકે આ શિવલિંગ પાંડવો એ જ બનાવ્યાં છે તેનો કોઈ શિલાલેખ કે પૌરાણિક ઉલ્લેખ નથી. પરંતુ આ ચમત્કારિક તો હશે જ, કારણ કે પાંચ હજાર વર્ષોથી ઉસ જેવા ખારા પાણીની થપાટો ખાઈ-ખાઈને કિનારે રહેલા ખડકોમાં કોતરો બની ગઈ છે. પરંતુ આ પવિત્ર લિંગની એક કપચી સુધ્ધાં ખરી નથી કે લિંગમાં ક્યાંય ખાડા કે તિરાડો પડી નથી.
વેલ, વેલ, વેલ તો આટલું પ્રાચીન અને પૌરાણિક સ્થાન હોવા છતાં ગંગેશ્વર મહાદેવ બહુ જાણીતા કેમ નથી? એનો જવાબ છે આપણી ઉદાસીનતા. આવાં અદ્વિતીય અને પાવન સ્થળો વિશે જાણવાની. ત્યાં જવાની અને એને સાચવવાની આપણી બેપરવા વૃત્તિ. આપણે વિદેશ પ્રવાસે ગયા હોઈએ ત્યારે શેક્સપિયરનું જન્મસ્થાન અને હૅરી પૉટર સિરીઝના રાઇટરનું ઘર જોવા હોંશે-હોંશે જઈએ પણ આપણા પૂર્વજો, આપણી સંસ્કૃતિનાં મહત્ત્વનાં પાત્રો જેનાથી આપણું વજૂદ છે; તેમણે સ્થાપેલાં તીર્થ સ્થાનમાં બહુ ઇન્ટરેસ્ટ નથી હોતો. ફૉરેન સેલિબ્રિટીના ફેમસ સ્થળ કે હાઉસ જોવા જાઓ, જરૂર જાઓ. આખરે જીવ્યા કરતાં જાણ્યું ભલું. પરંતુ આપણી પરંપરા, આપણા ઇતહાસ પરત્વે લાપરવાહી કેમ?
ખેર, અત્યાર સુધી પર્દાનશીન રહેલું ગંગેશ્વર મહાદેવ ધીમે-ધીમે લોકપ્રિય થઈ રહ્યું છે. હવે અહીં સુંદર કમાન અને મહાદેવના બેસણા સુધી જવા વ્યવસ્થિત પગથિયાં પણ બન્યાં છે. હાઈ ટાઇડ આવતાં સમુદ્રના જળમાં ઢંકાઈ જતાં શિવલિંગ પાણી ઓસરતાં દર્શન દે છે. મંદિરના અડધે પગથિયે નંદીબાબા અને પંચ લિંગની સામેનાં ખડકાળ કોતરો પર લાંબો શેષનાગ તેમ જ વિષ્ણુ, લક્ષ્મીજી, ગણેશજીની અર્વાચીન નાની મૂર્તિ સિવાય અહીં કાંઈ જ નથી. અને હા, અહીં નથી પૂજારી કે પુજાપો વેચતી હાટડીઓ. આથી જો ભોળા શંભુની અર્ચના કરવી હોય તો એ સામાન ઘરેથી જ લઈ જજો. વળી મહાદેવની સામે સમાધિ લગાવી કલાકો બેસવું હશે તોય કોઈ રોકટોક નહીં કરે. કુદરત અને ઈશ્વરીય અજુબા સમું આ તીર્થધામમાં ખરેખર એક વખત તો જવા જેવું છે જ.
મુંબઈથી દીવ જવું પહેલાં પણ અઘરું નહોતું અને હજીયે નથી. વેરાવળ જતી ગાડીમાં બેસી જાઓ અને ત્યાંથી ૯૦ કિલોમીટરના ડ્રાઇવ પછી ડાયરેક્ટ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ તમારું સ્વાગત કરશે. રાજકોટ, અમદાવાદ, સોમનાથ, જૂનાગઢ, ઈવન દ્વારકાથી પણ દીવ ઢૂંકડું છે. અને દીવથી ભોલેનાથ પાસે જવા ઢેર સારી રિક્ષાઓ મળી રહે છે. આમ તો ફુદમ દીવ ટાપુનું એક નગર છે. પરંતુ અહીંના સ્થાનિકો પણ કોઈ યુરોપિયન ટાપુના લોકો જેવા આરામપ્રિય તથા પોતાની મસ્તીમાં રહેનારા છે. રહેવા માટે અહીં હોટેલ કે ગેસ્ટ હાઉસ નથી, એ માટે તો દીવ ઝિંદાબાદ. હા, ચા-પાણીની વ્યવસ્થા ફુદમમાં થઈ શકે.
જો તમે ભારતનો પશ્ચિમી કાંઠો ખાસ કરીને ગુજરાતનો ભાગ એન્લાર્જ કરીને જોશોને તો ખ્યાલ આવશે કે દીવ રામેશ્વરમની જેમ એક ટાપુ છે. ડાયરેક્ટ્લી એ ભારતની ભૂમિ સાથે કનેક્ટેડ નથી પરંતુ ટાપુ અને મેઇન લૅન્ડની વચ્ચે એટલી પાતળી દરિયાની પટ્ટી છે કે એ ક્રૉસ કરવી મુંબઈના પરામાં ઈસ્ટથી વેસ્ટમાં આવવા જેટલું સહેલું છે. દીવમાં પ્રવાસન માટે જૂનો ને જાણીતો ફોર્ટ, દીવ મ્યુઝિયમ, સી-શેલ મ્યુઝિયમ, પાણીકોઠા, ઘોઘલા બીચ, ચર્ચ, અહમદપુર માંડવી બીચ, નાગોઆ બીચ, ઝાંપા ગેટવે, ખુકરી મેમોરિયલ વગેરે છે જેમાં અહમદપુર માંડવી બીચ રૉકિંગ છે અને અહીં વિવિધ દરિયાઈ ક્રીડા થાય છે. તો ખુકરી મેમોરિયલ ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ખુકરી નામક યુદ્ધ જહાજ પર પાકિસ્તાને કરેલા બૉર્મ્બાડિંગને કારણે જળસમાધિ લેનાર શીપના કૅપ્ટન અને કમાન્ડિંગ ઑફિસર સહિત નેવલ ક્રૂને સર્મપિત મૉન્યુમેન્ટ છે. આ સ્મારકની બાજુમાં જ ચક્રતીર્થ બીચ છે, જેનું મહત્ત્વ બીચ કરતાં પણ અદકેરું એટલે છે કે અહીં પણ એક શિવાલય છે અને અહીંના ચંદ્રિકા બીચ પર જ શ્રીકૃષ્ણએ જલંધરનો વધ કર્યો હતો. જોકે જલંધરના નામે અહીં કિનારો પણ છે અને એ કિનારા ઉપર એનું અને ચંદ્રકાઈનું મંદિર પણ છે.
આ પણ વાંચો : ભાગવત કથા કહેવાની પરંપરા અહીંથી શરૂ થઈ
ગંગેશ્વર મહાદેવની જાત્રાએ આવ્યા જ છો તો આજુબાજુનું સાઇટ-સીઇંગ કરવામાં કાંઈ ખોટું નથી. એટલે જ નાઈદા કેવ્સ જરૂર જજો. પોર્ટુગીઝોએ તેમનો કિલ્લો બનાવવા આ ડુંગરમાંથી પથ્થરો લીધા અને એથી અહીં સીનિક ગુફાઓ ફૉર્મેટ થઈ ગઈ છે. ઇન્સ્ટા ઍક્ટિવ લોકોને અહીં મૌજેમૌજ થઈ પડશે.
પૉઇન્ટ બ્લૅન્ક
જો તમને કોઈ પૂછે કે ગુપ્ત પ્રયાગ ક્યાં છે તો આપણો જવાબ હોય કે ઉત્તરાખંડમાં જ ક્યાંક હશે. બટ, બૉસ એક ગુપ્ત પ્રયાગ દીવથી સાવ પડખે આપણા ગુજરાતનાં દેલવાડામાં પણ છે. અનેક પ્રાચીન-અર્વાચીન મંદિરોની નગરી દેલવાડા માટે કહેવાય છે કે કૃષ્ણ જલંધર નામક અસુરને નાશ કરવા અહીં ગુપ્તવેશે રહ્યા હતા. ગુપ્ત પ્રયાગ નામ પડવા બદલ કથા છે કે જ્યારે કૃષ્ણએ જલંધરને માર્યો ત્યારે જલંધરનાં પત્ની વૃંદાએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તમે પથ્થર બની જાઓ અને કૃષ્ણએ વૃંદાને વનસ્પતિ બની જવાનો શ્રાપ આપ્યો. શ્રાપને કરાણે મોહન શિલા બની ગયા ત્યારે બ્રહ્માજી અને શિવ શંકર અહીં પ્રગટ થયા અને બ્રહ્માજીએ અહીં ગંગા, જમના, સરસ્વતી નદીનાં જળને પ્રગટ કર્યાં. અને એથી નામ પડ્યું ગુપ્ત પ્રયાગ. આ કુંડમાં સ્નાન કરી જ્યારે કૃષ્ણ શ્રાપમાંથી મુક્ત થયા ત્યારે અહીં ૩૩ કોટિ દેવી-દેવતાઓ હાજર હતાં અને તેમણે આ તીર્થભૂમિને વરદાન આપ્યું કે આ સ્થળે કોઈ પણ મનુષ્ય પિતૃતર્પણ અર્થે નાનકડું પણ શુભ કાર્ય કરશે તેના સાત પેઢીના પિતૃઓનો મોક્ષ થઈ જશે.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની ૬૭મી બેઠક ગણાતા આ ગામમાં આ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્ય પણ પધાર્યા હતા અને અહીં આવેલા ગંગા, જમના કુંડમાં સ્નાન કરી વૃક્ષની નીચે બેસી ભાગવત સપ્તાહ કરી હતી. આથી અહીં પુષ્ટિ માર્ગની વિશાળ હવેલી પણ છે. એ ઉપરાંત આ ગામમાં અનેક નાનાં-નાનાં શિવાલયો તેમ જ વિષ્ણુ મંદિરો છે.