04 April, 2024 09:49 AM IST | Mumbai | Alpa Nirmal
સૌમ્ય કાલી માતા
ઝાંસીની રાણીની શહીદીને પણ પૂરાં ૧૬૬ વર્ષ થયાં, છતાં પણ આજે કોઈ સ્ત્રી વિદ્રોહ કરે કે ઊંચા અવાજે વાત કરે કે લડાઈ કરે ત્યારે તેને તરત કહેવામાં આવે છે, ‘બેન, ઝાંસીની રાણી નહીં બન, ચૂપચાપ બેસી જા.’ ચાલો આજે જઈએ સ્ત્રી સશક્તીકરણની જીવંત મિસાલ એવાં રાણી લક્ષ્મીબાઈના ગામે ઝાંસી. અહીં રૌદ્ર કાલી પણ છે અને સૌમ્ય કાલી પણ છે, જે ભારતીય રાજકારણીઓનાં ફેવરિટ છે
૧૮૨૮ની ૧૯ નવેમ્બરે બનારસ શહેરમાં રહેતાં મરાઠી કરહડે-બ્રાહ્મણ પરિવારના મોરોપંત તાંબે અને ભાગીરથીબાઈને ત્યાં સુંદર તંદુરસ્ત પુત્રી જન્મી અને મૂળ ગુહાગર તાલુકાના તાંબે ગામના રહેવાસી મોરોપંતે દીકરીનું નામ પાડ્યું મણિકર્ણિકા. એ જન્મી ત્યારે તેની માતા અને બાજીરાવ પેશ્વા (બીજા)ના સેનાપતિ તરીકે કાર્યરત પિતાએ કોણ જાણે કેવી જનમઘૂટી તેને પીવડાવી હશે કે આજે પણ તેની બહાદુરી અને શક્તિનાં ગીતો ગવાય છે અને ઉપર કહ્યું એમ મજબૂત મહિલાને તેમના નામનો ઇલકાબ અપાય છે. વેલ, મનુના હુલામણા નામે ઓળખાતી એ હસમુખ અને જીવંત બાળકી પાંચ વર્ષની થઈ ને તેની માતાનો દેહાંત થયો. ઘરે તેની સંભાળ રાખવાવાળું કોઈ નહોતું તેથી તેના પિતા તેને પોતાની સાથે પેશ્વાના નિવાસસ્થાને લઈ આવતા. હસતી-ખેલતી આ બાળકી રાજ પરિવારમાં એવી હળી મળી ગઈ હતી કે પેશ્વા પરિવારે તેને ઉપનામ આપ્યું છબીલી. બ્રાહ્મણ કુળમાં જન્મ એટલે મનુને અક્ષરજ્ઞાન તો મળ્યું જ એ સાથે સનાતન સંસ્કૃતિ, વેદ-ઉપનિષદનું જ્ઞાન પણ બાળપણમાં જ મળ્યું. અને પિતા શૂરવીર યોદ્ધા એટલે તેમણે મનુને તલવારબાજી, નિશાનેબાજી, ઘોડેસવારીની તાલીમ પણ આપી. કિશોરાવસ્થામાં નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે જેવા લંગોટિયા મિત્રો સાથે વીરતાના ઘૂંટડાઓ પીતી મણિકર્ણિકા એ કાળની સ્ત્રીઓની તુલનાએ ઘણી તેજસ્વી અને સ્વતંત્ર હતી. તેનો દૃષ્ટિકોણ પણ અનોખો હતો. વળી પિતૃસત્તાત્મક માપદંડો સામે લડવાનું સાહસ પણ રાખતી હતી.
૧૮૪૨માં ૧૪ વર્ષની ઉંમરે ઝાંસીના મહારાજ ગંગાધર રાવની સાથે લગ્ન થયાં અને મનુ છબીલી બની રાણી લક્ષ્મીબાઈ. રાવસાહેબ અને લક્ષ્મીબાઈનો સંસાર સુપેરે ચાલી રહ્યો હતો ને ૧૮૫૧માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. પણ ફક્ત ૪ મહિનાના એ શિશુને તેના કાકાએ દૂધમાં ઝેર આપી મારી નખાવ્યો. કા? કશાલા? અરે ભાઈ, સત્તાની હુંસાતુંસી તો ત્યારે પણ ચાલતી જ હતીને. ગંગાધર રાવ બાદ તેની ગાદી તેના પુત્રને મળે એ પરંપરાને કારણે ગંગાધરના લઘુબંધુના માથે ક્યારેય રાવસાહેબનો સિરતાજ આવવાનો નહોતો. આથી કાકાએ આવો કારસો રચ્યો.
હા, અહીં એ પણ જાણવું જરૂરી છે કે અંગ્રેજો ઑલરેડી ત્યારે ભારતમાં પગપેસારો કરી ચૂક્યા હતા અને તેમણે રૂલ બનાવ્યો હતો કે જે રાજ્યનો વારસ ન હોય એ રાજ્ય ઑટોમૅટિક બ્રિટિશ સલ્તનતમાં ભળી જાય અને બ્રિટિશરોની આવી ચાલાકીના ચક્કરમાં ગંગાધરના ભાઈ આવી ગયા અને તેમણે ભત્રીજાની કતલ કરાવી.
જોકે બીજી માન્યતા પ્રમાણે લક્ષ્મીબાઈનો એ પુત્ર બીમારીને કારણે મૃત્યુ પામ્યો. સત્ય જે હોય તે, પરંતુ ઋજુ સ્વભાવ અને કલાકાર હૃદયના રાવસાહેબ નાજુક પ્રકૃતિના હતા. એમાં બાળકના મરણનો આઘાત મળ્યો. જોકે રાણી લક્ષ્મીબાઈએ દૂરંદેશી વાપરી રાવસાહેબના બીજા ભાઈના પુત્રને પતિની હાજરીમાં સત્તાવાર રીતે દત્તક લીધો. પરંતુ દામોદર રાવ ઝાઝો સમય પિતૃસુખ માણી શક્યા નહીં. નાની વયમાં જ તેઓ પણ મૃત્યુ પામ્યા.રાજાનું મૃત્યુ થતાં બ્રિટિશ સૈન્ય ઝાંસી આવવા નીકળી ગયું અને રાણીને મહેલ તેમ જ કિલ્લો છોડવાનો ઑર્ડર આપી દીધો તથા વાર્ષિક સાલિયાણું ઠેરવી આપ્યું. આ ફતવો જાણી લક્ષ્મીબાઈ આક્રોશ સહ બોલી ઊઠી, ‘મૈં અપની ઝાંસી નહીં દૂંગી.’’
ખેર, પછી જે થયું એ આપણે શાળાના અભ્યાસક્રમમાં ભણ્યા છીએ. વળી ટીવી, સિનેમા દ્વારા પણ જાણ્યું જ છે. છતાંય તીર્થાટનમાં રાણી લક્ષ્મીબાઈનું પૂર્વ ચિત્રણ કરવાનો આશય એટલો જ કે સૃષ્ટિના ઉત્પત્તિ કાળથી સ્ત્રીતત્ત્વને શક્તિ જ ગણાયું છે. એનું તેજ, એની તાકાત સર્વવ્યાપી છે. એ અબળા કે તાડનની અધિકારી નથી પરંતુ આપણાં જ સૂત્રો, ગ્રંથોનાં મિસઇન્ટરપ્રિટેશન કરી કેટલાક વિદ્વાનોએ નારીને નીચો દરજ્જો આપ્યો, જે પુરુષપ્રધાન સમાજને ફાવી ગયો. વેલ, વેલ, વેલ... હવે મૂળ વાત પર આવીએ તો ઝાંસીની રાણીની અમાપ શક્તિનો સ્રોત કયો? પહેલા નંબરે તેને બાળપણમાં મળેલી કેળવણી, ત્યાર બાદ ઝાંસીનાં કાલી મંદિર. બુંદેલખંડના આ નગરમાં બે કાલી માતા છે, એક સૌમ્ય અને એક રૌદ્ર. પહેલાં સૌમ્ય સ્વરૂપ ધરાવતાં બડી કાલી માતાની વાત કરીએ તો ૧૬મી સદીમાં બલવંતનગર તરીકે જાણીતા આ પ્રદેશ પર ચંદેલ રાજાઓનું રાજ્ય હતું. એ સમયે ઓરછા એની રાજધાની હતી. અહીંના મહારાજા વીર સિંહ જુદેવ એક વખત વનમાં શિકાર કરવા નીકળ્યા ત્યારે તેમને એક તળાવની પાસે આવેલી ટેકરી ઉપર એક ગુફા નજરે ચડી. સૈનિકો સાથે તેઓ કૌતુકથી ગુફામાં પહોંચ્યા, જ્યાં મહાકાળીની માતાની મૂર્તિ તેમને મળી. રાજા એ મૂર્તિને નીચે લઈ આવ્યા અને હાલમાં લક્ષ્મી તાલાબ તરીકે ઓળખાતી થોડી ઊંચી જમીન પર દેરી બનાવી માતાની મૂર્તિને પ્રસ્થાપિત કરી. એ વર્ષ હતું ૧૬૮૭. ત્યારથી આ શક્તિ છતાં વિનમ્રતાની મૂર્તિ અહીં બિરાજમાન છે. મંદિર બનતાં એ નગરના લોકો દર્શનાર્થે આવતા થયા અને એ ન્યાયે ઝાંસી પરણીને આવેલાં લક્ષ્મીબાઈ પણ અહીં દર્શનાર્થે પૂજા અર્થે આવતાં. નાજુક કન્યા સ્વરૂપની આ શ્યામ મૂર્તિ કામણગારી તો છે એ સાથે ચમત્કારિક પણ છે. કહે છે આ દેવી સર્વે મનોકામના સિદ્ધ કરે છે અને આ જ કારણોસર ભારતના રાજકારણીઓ પણ અહીં અવારનવાર મત્થા ટેકવા આવે છે.
૧૯૭૭માં ઇમર્જન્સી લાદ્યા બાદ ભારતનાં પહેલાં સ્ત્રી વડા પ્રધાન ઇન્દિરા ગાંધી ત્યાર બાદની ચૂંટણીમાં હારી ગયાં અને કૉન્ગ્રેસ પાર્ટીના ધજાગરા ઊડી ગયા. ત્યારે એ આયર્ન લેડી આ કાલીમાતાના શરણે શિશ ઝુકાવવા આવ્યાં હતાં અને કહે છે કે અહીંના પંડિતજીએ તેમને કૉન્ગ્રેસના ચુનાવ ચિહ્ન બળદ અને વાછરડાની જોડીને બદલીને હાથ રાખવાનું સૂચન કર્યું હતું. બસ,એ પછીથી આજ સુધી અહીં અનેક રાજકારણીઓ માના આશીર્વાદ લેવા આવે છે. નાના ગર્ભગૃહમાં ચાંદીના સિંહાસન પર સ્થિત મા કાલી સોળે શણગારથી વિભૂષિત હોય છે તો અહીં શિવલિંગ પણ છે. બારે મહિના ખુલ્લા રહેતાં આ મંદિરમાં આખું વર્ષ હજારો ભાવિકો આવે છે. એમાંય નવરાત્રિ દરમિયાન અહીં દર્શન માટે એક-દોઢ કિલોમીટર લાંબી લાઇન લાગેલી હોય છે. સામાન્ય મકાન જેવા દેખાતા મંદિરના પરિસરમાંથી દૂર લક્ષ્મી તળાવ દેખાય છે અને કમ્પાઉન્ડમાં ધુમાવતી માતા, અન્નપૂર્ણામાતાની દેરીઓ પણ છે.
ઝાંસીના ખટકયાના મહોલ્લામાં સ્થિત મહાકાળી ભવતારિણી મંદિર પણ કલકત્તા, દિલ્હીના પ્રસિદ્ધ કાલી મંદિર જેટલું જ માહાત્મ્ય ધરાવે છે. કહેવાય છે કે જ્યારે ઝાંસીના આજુબાજુના ગામમાંથી ખટીક સમાજના લોકો ૪૦૦ વર્ષ પૂર્વે ધંધાર્થે અહીં આવી વસ્યા ત્યારે તેમના મુખિયાને સ્વપ્નમાં આવી કાલી માતાએ સંકેત કર્યો હતો કે અહીં મારું સ્થાપન કરો. જોકે એ પછી ઘણાં વર્ષો સુધી આ સમાજના લોકો માતાના ફોટોની પૂજાઅર્ચના કરતા પરંતુ ત્યાર બાદ તેઓ પ્રયાગરાજથી આ મૂર્તિ અહીં લઈ આવ્યા અને વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા કરી. સ્થાનિક લોકો અનુસાર રાણી લક્ષ્મીબાઈ અહીં પણ પોતાના પતિ સાથે પૂજા કરવા આવતાં હતાં અને એમાંય જ્યારે અંગ્રેજો સામે યુદ્ધની નોબત આવી ત્યારે માઈના આશીર્વાદ લીધા બાદ તેઓ જંગમાં ઊતર્યાં હતાં.
ચારેય હાથમાં ભિન્ન-ભિન્ન આયુધ તેમ જ ગળામાં મુંડમાળા ધારણ કરનારી આ માતા પણ કાયમ સોળે શણગારથી સજ્જ રહે છે. માન્યતા છે કે દેવી દરરોજ રાત્રે પૂજારીને સ્વપ્ન સંકેત આપે છે કે બીજા દિવસે તેમને કેવો શણગાર રચવો છે. મોટા ભાગે અહીં માતાને બનારસી સાડી જ પહેરાવવામાં આવે છે. વળી ભક્તો અહીં લીંબુ ચડાવે છે. શારદીય નવરાત્રિમાં આ મંદિરમાં કાલી માતાની બીજી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે છે અને ભક્તો નવેનવ દિવસ તેમના વિવિધ મનોરથ કરે છે. દસમા દિવસે એ મૂર્તિનું વિસર્જન કરાય છે. એ પૂર્વે ઝાંસીના મુખ્ય માર્ગો પરથી માતાની શોભાયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં હજારો ભાવિકો જોડાય છે. કહે છે કે નવરાત્રિના અંતિમ દિવસે માતાને ૮૦૦ બકરાનો બલિ અપાય છે. જોકે કોઈ આ વાતનો સાફ ઇનકાર કરે છે તો કોઈ કહે છે, ફક્ત બકરાના કાનમાં છેદ પાડી પરંપરા નિભાવવામાં આવે છે.
હવે ઝાંસી જવાની વાત કરીએ તો મુંબઈથી ઝાંસી પહોંચવું સાવ સહેલું છે. સીએસટી સ્ટેશનથી દરરોજ અનેક ટ્રેનો વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે-સ્ટેશન જાય છે. હા, ઍર સર્વિસ ઉપલબ્ધ નથી. એ માટે ગ્વાલિયર જતું વિમાન પકડવું પડે ને ત્યાંથી બાય રોડ વેલકમ ટુ ઝાંસી. જોકે એ લપમાં પડવા જેવું નથી. છત્રપતિ શિવાજી ટર્મિનસથી ન્યુ દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટૉપ ક્લાસ છે. ઝાંસી પ્રાચીન મહત્ત્વ ધરાવતું હોવા સાથે બુંદેલખંડ વિસ્તારનું મહત્ત્વનું મથક હોવા છતાં અહીં બહુ ઝાઝો વિકાસ થયો નથી. હા, હવે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એ સાથે ઉત્તર પ્રદેશ સરકારે સુશોભીકરણ પ્રોજેક્ટ પણ શરૂ કર્યા છે. હા, રહેવા-ખાવા-પીવાની બેસ્ટ સગવડો છે એ તો કહેવું જ પડે. એ સાથે સિટીમાં ટ્રાન્સપોર્ટેશન માટે રિક્ષા, કૅબ સર્વિસ પણ ઉપલબ્ધ છે.
પૉઇન્ટ ટુ બી નોટેડ
ઝાંસી મહેલો, કિલ્લાઓની નગરી છે. અહીંનો કિલ્લો અને ત્યાં યોજાતો સાંજનો સાઉન્ડ ઍન્ડ લાઇટ શો તો મિસ કરતા જ નહીં, એ રીતે નવું બનાવેલું હૉકીના જાદુગર ધ્યાનચંદનું મ્યુઝિયમ પણ વિઝિટ કરજો જ. એ સાથે મંદિરોની શૃંખલા આગળ વધારીએ તો ઝાંસીનું મહાલક્ષ્મી મંદિર, પંચકુઈઆ મંદિર, મદિયા મહાદેવ ઐતિહાસિક છે ને કરસુંવાજીનું દિગમ્બર જૈન મંદિર પણ દર્શનીય છે. જોકે એ બધા સાથે મસ્ટ વિઝિટ છે અહીંનું ગણેશ મંદિર. ધ મહારાષ્ટ્ર ગણેશ મંદિર કમિટી - ઝાંસી દ્વારા સંચાલિત આ દુંદાળા દેવની સાક્ષીએ એ જ મહાષ્ટ્રિયન વાડા સ્ટાઇલની ઇમારતમાં મણિકર્ણિકા અને રાવ ગંગાધરના વિવાહ થયેલા. સાવ સામાન્ય દેખાતા એક મકાનની અંદર બેઠેલા ગોળમટોળ બાપ્પાને જોતાં જ જપ્પી કરવાનું મન થઈ જાય એવા ક્યુટ છે.
એક દિવસ ઓરછાના રાજા વીરસિંહ દેવ તેમના મિત્ર જૈતાપુરના રાજાને તેમના ઓરછાના મહેલમાંથી બળવંતપુર (ઓલ્ડ ઝાંસી)માં પોતે બનાવડાવેલા મહેલ, કિલ્લા વગેરે બતાવી રહ્યા હતા ત્યારે જૈતાપુરના રાજાએ કહ્યું ‘હા, કુછ ઝાંય સા દિખ રહા હૈ.’ અને એ ‘ઝાંય સા’ શબ્દ પ્રખ્યાત થઈ ગયો ને બળવંતપુરનું ઓળી ઝોળી પીપળ પાન થઈ નામ પડ્યું ઝાંસી.