યે હૈ પાવન ભૂમિ, યહાં બાર બાર આના...

25 January, 2024 07:36 AM IST  |  Ayodhya | Alpa Nirmal

અયોધ્યાનું રામમંદિર માત્ર સીતાના ભરથારનું સ્થાન નથી, એ તો રાષ્ટ્ર મંદિર છે.

અયોધ્યાના મંદિરો

ભારત દેશમાં રામમંદિર હોવાની નવાઈ નથી. દેશના લગભગ દરેક શહેરમાં રામજી ટેમ્પલ હોય જ છે અથવા કોઈ અન્ય દેવળમાં પણ દશરથપુત્રની હાજરી હોય જ છે, કારણ કે શ્રીરામ વગર સનાતન ધર્મ જ અપૂર્ણ છે. એમાંય અલૌકિક દેશનળ ધરતી અયોધ્યાનું રામમંદિર માત્ર સીતાના ભરથારનું સ્થાન નથી, એ તો રાષ્ટ્ર મંદિર છે.

વેલ, ગયા અઠવાડિયાએ કરેલા પ્રૉમિસ પ્રમાણે આજે પણ આપણે અવધનાં અમૂલ્ય ઘરેણાં સમ મંદિરોનું તીર્થાટન કરીશું. આ પૌરાણિક સ્થાનો થકી જ પાંચ હજાર વર્ષ બાદ પણ અયોધ્યાનું સાતત્ય જળવાઈ રહ્યું છે અને એ સત્ત્વ જ ભાવિકોને આ પાવન ભૂમિ પર વારંવાર આવવા પ્રેરે છે. 

કનક ભવન


અયોધ્યાનો મોસ્ટ ઑથેન્ટિક અને બ્યુટિફુલ ગણાતો કનક પૅલેસ ઇઝ ગિફ્ટ ટુ સીતા. રામચરિત માનસમાં કહ્યું છે કે સીતા પરણીને અયોધ્યા આવ્યાં ત્યારે કૈકેયી માતાએ જાનકીજીને કીમતી રત્નજડિત આ ભવન મુંહ દિખાઈમાં આપ્યું હતું. રામ અને સીતાની પ્રાઇવેટ પ્લેસ કહેવાતો આ પૅલેસ ગોલ્ડનો નથી પરંતુ એ સમયે એમાં જડેલા અમૂલ્ય જેમ્સને કારણે એનું નામ કનક ભવન પડ્યું હતું. કહેવાય છે કે ત્રેતાયુગમાં જ્યારે રામે શિવધનુષ તોડ્યું અને જાનકી સાથે પાણિગ્રહણ કર્યું એ રાત્રિએ તેમના મનમાં વિચાર આવ્યો કે વૈદેહી હવે તેમની સાથે સાકેત આવશે એથી તેના રહેવા માટે અયોધ્યામાં સુંદર ભવન હોવું જોઈએ. આ જ કથા અનુસાર જે ક્ષણે રામના મનમાં આ વિચાર આવ્યો એ જ ક્ષણે માતા કૈકેયીને દિવ્ય કનક ભવનની રચના સ્વપ્નમાં આવી. તેમણે મહારાજ દશરથ સમક્ષ એ સ્વપ્નમાં આવેલી પ્રતિકૃતિ સમાન મહેલ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી અને શિલ્પી વિશ્વકર્માએ એની રચના કરી. યુગો પસાર થતાં એ ભવન તો ધ્વસ્ત થઈ ગયો. પરંતુ ત્યાર પછીની  સ્ટોરી અનુસાર  દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અને રુક્મિણી જ્યારે અયોધ્યા આવ્યાં ત્યારે આ મહેલ તૂટી ફૂટીને ટેકરી જેવો થઈ ગયો હતો પણ કનૈયાને આ સ્થળે આવતાં બહુ શાંતિનો અનુભવ થયો અને તેમણે દિવ્ય દષ્ટિ વડે આ સ્થાનનો ઇતિહાસ જાણ્યો. યોગેશ્વરે પોતાના યોગબળથી ભગ્ન અવશેષોની ટેકરીમાંથી રામ અને સીતાજીની મૂર્તિ કાઢી અને અહીં સ્થાપિત કરી દીધી. કહેવાય છે કે હાલમાં અહીં રહેલાં પાંચ રામસીતાનાં જોડાંમાંથી એક પ્રતિમાની જોડી એ સમયની છે. ત્યાર બાદ તવારીખમાં નોંધ છે કે ૧૫મી સદીમાં વિક્રમાદિત્યએ અહીં પુનઃ ભવન બનાવડાવ્યું. અગેઇન એ પણ નષ્ટ થતાં ૧૮૯૧માં ઓચ્છાની મહારાણી વૃષભાનું કુંવરી નિર્માણ કરાવેલું કનક ભવન આપણી સમક્ષ ખડું છે અને આસ્થાળુઓનું શ્રદ્ધેય સ્થાન છે. પ્રભુજીના દીદાર કરતાં એવી જ શાંતિ અનુભવાય છે જે રુક્મિણીકાંતે અનુભવી હતી.

દશરથ મહેલ


કૃષ્ણની બાળલીલાની ફીલ લેવા મથુરા-વૃંદાવન જવાય ને રામની બાળલીલાની અનુભૂતિ કરવા અયોધ્યાના દશરથ મહેલની વિઝિટ કરાય. એક સમયે રઘુકુળ રાજા દશરથનો મહેલ રહેલું આ દિવ્ય ધામ હવે મંદિરમાં પરિવર્તિત થયું છે. પરંતુ કહે છે કે એક સમયે રામે આ મંદિરના આંગનમાં ભાઈઓ ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન સાથે બાળલીલાઓ કરી છે. અનેક પ્રાચીન કલાકૃતિ, ભીંતચિત્રો, કમાનોથી સુશોભિત દશરથ મહેલનું પ્રવેશદ્વાર તો એવું રંગબેરંગી અને મનમોહક છે કે આ પૉઇન્ટ સેલ્ફી લવર્સ માટે મસ્ટ વિઝિટ પ્લેસ બની ગયો છે. હાલના આ મહેલ-કમ-મંદિરમાં રામ-લક્ષ્મણ-સીતાજીની મૂર્તિઓ તો છે જ પરંતુ દેશ-વિદેશના ભક્તો માટે માતા કૌશલ્યાના ખોળામાં બેઠેલા બાળ રામનું ચિત્ર તેમ જ તેની બાજુમાં દશરથ રાજાની તસવીર કુતૂહલ સાથે શ્રદ્ધાનું સરનામું છે.

મણિ પર્વત


ધર્મનગરી અયોધ્યા સેંકડો પ્રાચીન અવશેષોથી અલંકૃત છે. એમાંનું એક ઘરેણું છે મણિ પર્વત. ધાર્મિક ગ્રંથોની માન્યતા અનુસાર લગ્ન કરીને સીતાજી અયોધ્યા આવ્યાં ત્યારે તેમના પિતા અને જનકપુરના રાજા જનકે વેવાઈ દશરથ રાજાને ઉપહાર રૂપે અમૂલ્ય રત્નો, મણિઓની શૃંખલા આપી હતી. એ નગીનાઓનો ઢગલો એટલો વિરાટ હતો કે એ પહાડ બની ગયો. સતીકુંડની બાજુમાં રાખેલા આ મણિઓની રાશિ રૂપ પર્વત માટે કહે છે કે હરિયાલી ત્રીજ, શ્રાવણ મહિનાની કૃષ્ણ અને શુક્લ પક્ષની તૃતીયાએ ભગવાન અહીં ઝૂલા ઝૂલવા આવતા અને એને શ્રદ્ધાળુઓના મતે આ બે દિવસ હજી પણ પ્રભુ અહીં પધારી હિંડોળા ઝૂલે છે. સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ પર્વત પર લિટલ ચડાણ છે સો, વેઅર કમ્ફર્ટેબલ શૂઝ.
સ્કંદપુરાણમાં લખાયું છે કે આ મહારત્ન તીર્થની બાજુમાં આવેલા સીતાકુંડમાં સ્નાન કરતાં આત્માનું શુદ્ધિકરણ થાય છે. પર્વત વિશે સ્થાનિકોની લોકકથા કહે છે એક વેળા સીતાજીને તેમની સખીઓ સાથે રમવાનું મન થયું અને રામચન્દ્રએ ગરુડને વૈકુંઠમાં આવેલા મણિ પર્વતનો એક અંશ અયોધ્યામાં લઈ આવવા કહ્યું. સો ઍકોર્ડિંગ ટુ ધેમ આ મણિ પર્વત વૈકુંઠ (સ્વર્ગ)માંથી આવેલો છે. ૬૫ ફુટ ઊંચા આ ગિરિ પરથી આખા અયોધ્યાનું વિહંગાલોકન થાય છે. સનરાઇઝ ઍન્ડ સનસેટ ઇઝ વેરી બ્યુટિફુલ ફ્રૉમ હિઅર. એ સાથે જ ગૌતમ બુદ્ધ અયોધ્યાવાસ દરમિયાન આ પર્વત ઉપર ૬ વર્ષ રહ્યા છે. આથી અહીં સમ્રાટ અશોકે બનાવડાવેલો સ્તુપ અને મૉનેસ્ટરી પણ છે.

બડી દેવકાલી મંદિર


અયોધ્યાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું ફૈઝાબાદ શહેર ઇન દિનોં બડી સુર્ખિયાંમાં રહ્યું છે, કારણ કે અહીં શ્રીરામનાં કુળદેવી બડી દેવકાલીનું મંદિર છે. પૌરાણિક કથા અનુસાર રામચન્દ્રના પૂર્વજ મહારાજ રઘુએ અહીં મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતીની સ્થાપના કરી હતી. એમ પણ કહેવાય છે કે જ્યારે રામચન્દ્રજીનો જન્મ થયો હતો ત્યારે મા કૌશલ્યા પૂરા પરિવાર સાથે શિશુ રામચન્દ્રને લઈ અહીં બડી દેવકાલી માતાનાં દર્શનાર્થે આવ્યાં હતાં. આથી જ સ્થાનિકો આજે પણ આ પરંપરા પાળી રહ્યા છે. કોઈ પણ ફૅમિલીમાં બાળકનો જન્મ થતાં અહીં માતાના આશીર્વાદ લીધા પછી જ તેનું મુંડન કે અન્ય વિધિ કરાય છે. ભક્તોની મનની મુરાદ અહીં પૂર્ણ થાય છે, જેનો પુરાવો છે આજે અહીં સંગેમરમરનું ભવ્ય મંદિર ઊભું છે. એમાંય નવરાત્રિ દરમિયાન અહીં હજારો યાત્રાળુઓ પધારે છે અને મહાશક્તિનાં ચરણમાં મથ્થા ટેકે છે. એ સાથે જ અયોધ્યામાં અન્ય છોટી દેવકાલી માતાનું મંદિર પણ છે. કહે છે સીતા પિયર જનકપુરથી પોતાની સાથે દેવી ગિરિજાની સુંદર મૂર્તિ અયોધ્યા લઈ આવ્યાં હતાં. ચક્રવર્તી દશરથ રાજાએ એ દેવીમા માટે ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું અને માતાને એમાં સ્થાપિત કર્યાં.

સમ યુઝફુલ પૉઇન્ટ્સ
રામાયણનાં મુખ્ય પાત્રો રામ, સીતા અને લક્ષ્મણની વચનબદ્ધતા, પ્રેમ, ત્યાગ, બલિદાનની જેટલી ગાથા કરીએ એટલી ઓછી છે તો ભરતનો ભ્રાતૃપ્રેમ, ન્યાયબદ્ધતાનો પણ જોટો જડે એમ નથી. રામ ૧૪ વર્ષ વનવાસમાં રહ્યા છે તો અયોધ્યાના રાજા ભરત પણ નંદીગ્રામમાં સંન્યાસીની જેમ રહ્યા છે. અયોધ્યાથી ૧૫ કિલોમીટર દૂર ઘોર જંગલની વચ્ચે સાવ સામાન્ય કુટિરમાં રહી તેમણે રાજ્ય ચલાવ્યું છે. ભરતની તપોસ્થળી કહેવાતું આ સ્થળ ઇમ્પોર્ટન્ટ હોવા છતાં બહુ જૂજ દર્શનાર્થી આ પવિત્ર ભૂમિની સ્પર્શના કરે છે. અહીં એક ભરત કુંડ પણ છે તેમ જ શિવાલય પણ છે. કહેવાય છે કે ભરત જ્યારે રામજીને અયોધ્યા લઈ આવવા ચિત્રકુટ ગયા અને રામજી પરત ન આવ્યા પરંતુ તેના આગ્રહવશ પ્રતીકરૂપે પોતાની પાદુકા આપી ત્યારે ભરતે એ પાદુકાને ગાદીનશીન કરી અને પોતે નંદિગ્રામ વનમાં જઈ ત્યાં 

એક તપસ્વી જેવું સાધુજીવન વિતાવી રાજ્યની ધુરા સંભાળી ને ભ્રાતૃપ્રેમ તેમ જ ન્યાયની નવી મિસાલ જલાવી. એમ પણ કહેવાય છે કે રામનો વનવાસ પૂર્ણ થતાં મર્યાદા પુરુષોત્તમ પહેલાં નંદિગ્રામ ભરતને લેવા ગયા. ત્યાર બાદ અયોધ્યા આવ્યા. અયોધ્યાની પાવન ભૂમિમાં દર્શન કરવા આવનાર ભક્તો, ડૂ નૉટ મિસ નંદિગ્રામ. 
એ સાથે અયોધ્યાની પવિત્ર ધરતી જૈન ધર્મના પાંચ તીર્થંકરોની પણ જન્મભૂમિ છે જે વન મોર વાઇબ્રન્ટ પ્લેસ છે. એ જ રીતે સ્વામીનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજ સાથે પણ અવધ નગરીનું ડીપ કનેક્શન છે. અહીંનું સ્વામીનારાયણ મંદિર પણ સુપ્રસિદ્ધ છે.

travel travelogue alpa nirmal ayodhya ram mandir uttar pradesh