11 January, 2024 08:31 AM IST | Uttar Pradesh | Alpa Nirmal
ચિત્રકૂટ
ચિત્રકૂટનાં જંગલો અને પહાડીઓમાં રઘુકુલ રાજકુમાર રામ, લક્ષ્મણ અને જાનકીમાતાએ વનવાસનાં ૧૧ વર્ષ ગાળ્યાં હતાં તેમ જ રામ અને ભરતનું મિલન આ જ ભૂમિ પર થયું હતું. સતી અનસૂયાના તપોબળથી મંદાકિની ગંગા અહીં ઉદય પામી તો રામ પરિવારનાં દર્શન કરવા મા ગોદાવરી આ સ્થળે ગુપ્તપણે પ્રગટ થયાં છે
ભારતનાં રાજ્ય ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સીમા પર ફેલાયેલી વિંધ્યાચલ પર્વત શૃંખલાની ગોદમાં વસેલું ચિત્રકૂટ રામાયણ મહાકાવ્યનું મહત્ત્વનું સ્થાન છે. અહીંનાં પહાડો, ખડકો, વૃક્ષો, પર્ણો, મંદાકિની નદીના બુંદ-બુંદ અરે, સમગ્ર વાતાવરણ ૫ હજાર વર્ષોથી રામનામનું રટણ કરે છે અને આજે પણ અહીં એના પડઘા મહસૂસ કરી શકાય છે. જોકે આ પાવન તીર્થની યાત્રા કરતાં પૂર્વે આપણે રામચરિત્રની અતિ જાણીતી ઘટના સંક્ષિપ્તમાં રિવાઇન્ડ કરી લઈએ જેથી આ દિવ્ય ભૂમિની મહત્તા સમજી શકાય.
દેવતા અને રાક્ષસો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. અયોધ્યા નરેશ દશરથ દેવરાજ દેવેન્દ્રના પક્ષે લડી રહ્યા હતા. યુદ્ધમાં કુશળ કૈકેયીમાતા પણ પતિને સાથ આપી રહ્યાં હતાં. હાર અને જીતની કટોકટીની ક્ષણે દશરથ રાજાના રથના પૈડાની એક ખીલી નીકળી ગઈ. એ ઢીલું પૈડું રાણી કૈકેયીની નજરે ચડી જતાં તેમણે પોતાની આંગળી એ નીકળી ગયેલી ખીલીની જગ્યાએ રાખી દીધી અને પતિદેવ તથા સમસ્ત દેવગણને વિજયી બનાવવામાં નિમિત્ત રહ્યાં. જ્યારે રઘુવંશી દશરથને આ ઘટનાની જાણ થઈ ત્યારે પ્યાર અને સ્નેહથી એ તૃતીય રાણીને બે વર માગવાનું કહ્યું.
લાંબો અરસો વીતી ગયો. દશરથે જયેષ્ઠ પુત્ર રામનો રાજ્યાભિષેક કરી તેમને અયોધ્યાના રાજા બનાવવાનું નિર્ધાર્યું ત્યારે કૈકેયીએ દાસી મંથરાની કુબુદ્ધિમાં આવી પતિને પેલાં બે વરદાન લેવાનાં બાકી છે એ યાદ કરાવ્યું. રઘુ રાજવંશનો મૂળ સિદ્ધાંત જ હતો કે ‘પ્રાણ જાય પણ વચન ન જાય’ એ ન્યાયે રાજા દશરથે કૈકેયીને આપેલો વાયદો પૂર્ણ કરવા રામને ૧૪ વર્ષનો વનવાસ ઠેરવ્યો અને કૈકેયીપુત્ર ભરતને રાજગાદી સોંપવનું નક્કી કર્યું.
પિતાના આદેશને શિરોમાન્ય ગણી રામજી સપત્ની વનવાસમાં જવા તૈયાર થઈ ગયા અને લઘુભ્રાતા લક્ષ્મણ જયેષ્ઠ ભ્રાતા અને ભૌજીની સેવા ખાતર રામ-જાનકીની મના છતાં આદર અને પ્રેમવશ સાથે ગયો. થોડા દિવસો પછી મામાના ઘરે ગયેલા ભરત અને શત્રુઘ્ન અયોધ્યા પરત આવ્યા ત્યારે આખાય બનાવની જાણ થઈ. દેવ સમ પિતા પુત્ર રામના વિયોગે મૃત્યુ પામ્યા હતા અને રામ જે રાજ્યના ઉત્તરાધિકારી બનવાના ખરા અધિકારી હતા તે જંગલમાં કષ્ટો સહન કરી રહ્યા હતા. આ પરિસ્થિતિથી અત્યંત દુખી થયેલા ભરતે ત્રણે માતાઓ, ભાઈ શત્રુઘ્ન અને તેની પત્ની, પોતાની ધર્મપત્ની માંડવી અને લક્ષ્મણની ભાર્યા ઊર્મિલા તેમ જ ગુરુ વશિષ્ઠ, ઈવન સીતાજીના પિતા જનક તથા અયોધ્યાના અન્ય માનનીય પ્રજાજનો સાથે રામને વનમાંથી પાછા લઈ આવવાનું નક્કી કર્યું. સાથે રાજ્યાભિષેક માટે પિતા દશરથે તૈયાર કરેલાં સર્વે તીર્થો, નદીઓના પવિત્ર જળનો ઘડો લઈ આખાય રસાલા સાથે ચિત્રકૂટ જવા નીકળી ગયા. માતા કૈકેયી પ્રત્યે રોષ તો હતો જ સાથે ભાઈ-ભાભીને કેવી તકલીફો પડી રહી હશે એની કલ્પનાથી ભાંગી પડેલા ભરતે જ્યારે ચિત્રકૂટમાં જટાધારી વનવાસી રામને જોયા ત્યારે સાવ તૂટી ગયા અને લથડી પડ્યા. રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન ચારેય બંધુઓનું હૃદયદ્રાવક મિલન જોઈ સમગ્ર સૃષ્ટિ તો રડી પડી પણ ત્યાંના પથ્થર સુધ્ધાં પીગળી ગયા. ને ભરતનાં ઘૂંટણ સહિત ચારેય રાઘવ રાજકુમારોનાં પદચિહ્ન એ સ્થળની એક શિલામાં અંકિત થઈ ગયાં. ઍન્ડ ધિસ ઇઝ ભરત મિલાપ મંદિર ઑફ ચિત્રકૂટ.
કામદગિરિની પરિક્રમા કરતાં આવતું આ મંદિર પહેલી નજરે સામાન્ય અને ટિપિકલ દેખાય. પરંતુ જો એની સ્ટોરીની ભાવધારામાં ઇન્વૉલ્વ થાઓ તો અહીંનાં વાઇબ્રેશન અનુભવી શકાય. અહીં સીતાજી અને કૌશલ્યા માતાનાં ચરણ ચિહ્ન પણ છે.
ઍક્ચ્યુઅલી, ચિત્રકૂટ પવિત્ર નગરી છે. એનું કનેક્શન ઋષિ અત્રિ અને સતી અનસૂયા સાથે પણ છે. બ્રહ્માના પુત્ર અત્રિ ઋષિએ આ અવની પર ભારે તપસ્યા કરી છે. સાધનામાં મગ્ન ઋષિને એક વખત તરસ લાગી અને તેમણે પત્ની અનસૂયા પાસે જળ માગ્યું. ત્યારે સતી અનસૂયાએ પોતાના તપ અને પતિવ્રતાના પ્રતાપથી આ સ્થળે જ ગંગા નદીનું પ્રાગટ્ય કર્યું જે મંદાકિની નદી નામે ઓળખાય છે. નદીની ઉપર આવેલો રામઘાટ અનેક પ્રાચીન મંદિરોનું સરનામું છે. એમાંય અહીંથી નજીક આવેલું શ્રી મહારાજાધિરાજ મત્ત ગજેન્દ્રનાથ શિવ મંદિર ખુદ બ્રહ્માજીએ નિર્માણ કરેલું છે. કથા અનુસાર સૃષ્ટિનું સર્જન કરી બ્રહ્માજી અહીં આવ્યા અને આકરું તપ કર્યું. તેમના તપથી પ્રસન્ન થઈ ખુદ મહાદેવ અહીં વિશાળ હાથીના મસ્તકરૂપે પ્રગટ થયા. એ શિવલિંગ આજે પણ અહીં છે. તો એક જ ચોકઠામાં રામ, અત્રિ અને અગસ્ત્ય મુનિ નિર્મિત અન્ય ત્રણ શિવલિંગ પણ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપે પુજાતા આ શિવલિંગ અને મંદિરની વિઝિટ ચિત્રકૂટ પહોંચી પહેલી જ કરાય છે. અહીંથી કામદગિરિની પરિક્રમા શરૂ કર્યા બાદ લક્ષ્મણ પહાડી (એ પર્વત જેની ઉપર બેસી સુમિત્રાનંદન ભાઈ-ભાભીનાં રખોપાં કરતા)નાં દર્શન કર્યા બાદ આગળ જતાં આવે છે ભરત મિલાપ સ્થળ અને લાસ્ટ સ્ટૉપ હનુમાન ધારા.
રાવણની લંકાનું દહન કર્યા બાદ પણ હનુમાનજીના હૃદયની જ્વાલા શાંત થતી નહોતી ત્યારે રામજી તેમને આ સ્થળે લઈ આવ્યા હતા અને એક ગુફાના પથ્થરમાં તીર મારી જળધારા પ્રગટ કરી. સરસ્વતી ગંગા નામે જાણીતી જળની આ ટબૂકડી ધારા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ આજ દિન સુધી કોઈને જાણ નથી. રામ પ્રભુએ અહીં જ ભક્ત હનુમંતને આશીર્વાદ આપ્યા હતા કે તે કળિયુગમાં કરોડો ભક્તો દ્વારા પુજાશે. અન્ન, ધન, દૂધ, પુત, શક્તિ, ભક્તિ, બળ, બુદ્ધિ અને સિદ્ધિ એ નવનિધિના દાતા આ દેવનાં દર્શને, દર વર્ષે હજારો યાત્રાળુ આવે છે અને નાના કુંડમાંથી જળનું આચમન કરે છે. હનુમાનધારાથી ઉપર થોડાં પગથિયાં ચડો એટલે સીતા માતા રસોઈ છે. અહીં એક જગ્યાએ ચૂલો પણ છે. કહે છે કે જાનકી માએ આ સ્થળે પાંચ ઋષિઓ અત્રિ, અગસ્ત, સરભંગ, વાલ્મીકિ, સુતીછણને કંદમૂળ પકાવી જમાડ્યા હતા. અહીં મંદિર પણ છે જેમાં સીતામાતા રામ અને લક્ષ્મણની વચ્ચે બિરાજે છે. આ જ પરિસરમાં ચકલા બેલન ચિહ્ન પણ છે. એ વિશે કહેવાય છે કે ગોસ્વામી તુલસીદાસે અહીં રામ આરાધના કરી તો સ્વયંભૂ રીતે આ ચિહ્નો પ્રગટ થાય છે. સ્થાનિકોમાં માનતા છે કે જે યુગલોને સંતાન ન થતાં હોય એ અહીં પાટલો-વેલણ ચડાવે તેમને ત્યાં બાળક જન્મે છે. નવાઈની વાત એ છે કે અહીંના મંદિરના પૂજારી ભક્તોને વેલણ વડે આશીર્વાદ આપે છે.
રામઘાટની આરતી નહીં દેખી તો ક્યાં દેખા? બનારસ, હરિદ્વારની જેમ જ અહીં પણ મંદાકિનીની આરતી ઉતારાય છે. સંધ્યા ઢળી જતાં પંડિતો ધૂપ, દીપ, વાજિંત્રો, ફૂલ, અક્ષત, કુમકુમ વગેરે દ્રવ્યોથી મા મંદાકિની સુરમય આરતી કરે છે જેની ધારામાં શ્રદ્ધાળુઓ બોટમાં બેસીને અથવા ઘાટ પર બેસીને વહે છે. ભલે, આ આરતી બહુ ભપકાશાળી નથી પરંતુ ડિવાઇન ફીલિંગ કરાવનારી તો છે જ. રંગબેરંગી રોશની, ડેકોરેટિવ ફૂમતાં, ઝાલરથી શણગારેલી વિશિષ્ટ ડિઝાઇનની હાથેથી ચાલતી હોડીઓ રામઘાટની સુંદરતાનું હૃદય છે.
આમ તો અહીં ચિત્રકૂટ ધામ કર્વી નામે રેલવે-સ્ટેશન છે પરંતુ મુંબઈથી ડાયરેક્ટ રેલગાડીમાં આવવું હોય તો માણિકપુર સ્ટેશનને ઊતરવું પડે. ત્યાંથી ૩૯ કિલોમીટરના અંતરે છે ચિત્રકૂટ. બાકી આ રામધામ સતનાથી ૪૪ કિલોમીટર, અલાહાબાદથી ૯૪ કિલોમીટર, લખનઉથી ૧૮૩ કિલોમીટર, વારાણસીથી ૨૦૯ કિલોમીટર અને અયોધ્યાથી ૨૨૫ કિલોમીટર છે. એટલે આ કોઈ પણ સિટી પહોંચીને ત્યાંથી પણ ચિત્રકૂટ આવી શકાય. આ શહેરમાં રહેવા માટે પણ દરેક સ્તરની હોટેલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ ઈવન આશ્રમો છે. ફૂડનો તો અહીં કોઈ પ્રૉબ્લેમ જ નથી. ખાસ નોંધનીય વાત એ છે કે આટલું પૉપ્યુલર તીર્થધામ હોવા છતાં વર્ષે અને ખાસ દિવસોમાં હજારો યાત્રાળુઓ અહીં આવવા છતાં ચિત્રકૂટની ચોખ્ખાઈ ઊડીને આંખે વળગે છે. તેમ જ સ્થાનિકોની સરળતા અને મદદરૂપ થવાનો સ્વભાવ પણ બેમિસાલ છે.
પૉઇન્ટ ટુ બી નોટેડ
ચિત્રકૂટમાં રામ દર્શન, દેવાંગના, ગણેશ બાગ, માનસ દર્શન, સતી અનસૂયા આશ્રમ, સ્ફટિક શિલા, વાલ્મીકિ આશ્રમ, જાનકી કુંડ જેવાં સ્થળો પણ દર્શનીય છે. પરંતુ મસ્ટ વિઝિટ પ્લેસ છે. અહીંથી ઓન્લી ૧૯ કિલોમીટર દૂર આવેલી ગુપ્ત ગોદાવરી. ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન તો નાશિક-ત્રંબકેશ્વર કહેવાય તો ત્યાંથી ગોદાવરી આટલે દૂર કઈ રીતે પ્રગટ થઈ? એની સ્ટોરી એ છે કે ગૌતમ ઋષિની પુત્રી ગોદાવરી નદીને જ્યારે ખબર પડી કે શ્રી રામ ૧૧ વર્ષથી ચિત્રકૂટમાં વાસ કરી હ્યા છે ત્યારે તેને પ્રભુનાં દર્શને આવવાનું મન થયું. તેણે પિતાને કહ્યું. પિતાએ આટલે દૂર એકલા જવાની ના કહી પણ નદી તો રામ દર્શનની પ્યાસી બની હતી. એ તો પિતાની આજ્ઞાનો ભંગ કરીને આવી ગઈ એક ગુફામાં જ્યાં રામ ચોમાસા દરમિયાન વસવાટ કરી રહ્યા હતા. અને મર્યાદા પુરુષોત્તમનાં દર્શન કરી ભીની-ભીની થઈ ગઈ. રામે પ્રસન્ન થઈ તેને કાંઈ માગવાનું કહ્યું ત્યારે નદીએ કહ્યું, મારે કાંઈ જોઈતું નથી. આપના દીદારથી જ મારું જીવન સફળ થઈ ગયું છે, પરંતુ જો તમારે આપવું જ હોય તો મને ગુપ્ત જ રાખજો જેથી મેં પિતાના આદેશની અવજ્ઞા કરી એ બધાને ખબર ન પડે અને મારા તાતની મર્યાદા જળવાઈ રહે. જાનકીનાથે આ વરદાન માન્ય રાખ્યું. એ ન્યાયે આ નદી એક ગુફામાંથી પ્રગટ તો થાય છે પણ થોડે દૂર નીચે કુંડ સુધી આવી અચાનક ગાયબ થઈ જાય છે.
ગુપ્ત ગોદાવરીમાં સો મીટરની બે ગુફા છે. પહેલી ગુફા વરસાદની સીઝન સિવાય કોરી રહે છે. પાતળી પથ્થરની કરાડોમાંથી પસાર થઈ એક હૉલ જેવા વિસ્તારમાં પ્રવેશાય છે જે રામ દરબાર તરીકે ઓળખાય છે. ગજબનું સ્ટોન સ્ટ્રક્ચર ધરાવતી આ ગુફાની છતની વચ્ચે એક વિશાળ શિલા ફસાયેલી હોય એમ લટકે છે. કહે છે કે આ વિસ્તારમાં મયંક નામે એક રાક્ષસ હતો જે ઋષિ મુનિઓને મારી તેમનાં હાડકાં ભેગાં કરતો. ઋષિઓએ તેની કમ્પ્લેઇન્ટ રામને કરતાં હનુમાનજીએ તેને શબ્દબાણથી વીંધી નાખ્યો અને તેને પથ્થર બની ઊંધા લટકવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે પ્રભુને આજીજી કરી કે મારા ભોજનનું શું? ત્યારે પ્રભુએ તેને આશીર્વાદ આપતાં કહ્યું કે કળિયુગમાં અહીં દર્શનાર્થે આવતા ભાવિકોના માનસમાં રહેલાં પાપ કર્મ તારો ખોરાક. કહે છે કે આ લટકતો મનુષ્યના મનમાં ચાલતાં પાપોનો લોપ કરે છે. ૨૫-૩૦ વર્ષે પૂર્વે સુધી આ પથ્થર વાંસના લાંબી લાકડી વડે હલાવતો અને એમાંથી ખડખડ અવાજ આવતો જેને સ્થાનિકો ખડખડિયો ચોર કહેતા. આ ગુફામાં એક પંચમુખી શંકરજી પણ છે. બીજી ગુફામાં ગુપ્ત ગોદાવરી કુંડ છે. એ જળનું આચમન ભક્તોની આસ્થાને વધુ મજબૂત કરે છે.
હનુમાન ધારા જવા રોપવેની સગવડ છે. સાથે પગથિયાં અને કાચો રોડ માર્ગ પણ છે. હેવી વાહનો દ્વારા પહોંચી શકાય છે.ચિત્રકૂટને જાણવા, સમજવા, અનુભવવા કમ સે કમ ત્રણ દિવસનો સમય જરૂરી છે. એકાદ દિવસની ટ્રિપમાં ડેલે હાથ દઈ આવ્યા જેવું થશે.