08 February, 2024 08:19 AM IST | Mumbai | Alpa Nirmal
કરમાલાનું કમલા મંદિર
૧૦ ફેબ્રુઆરીથી માઘ નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. વેદિક પરંપરા અનુસાર દર વર્ષે કુલ ચાર નવરાત્રિ આવે છે, જેમાંથી શારદીય (આસો મહિનાની) અને ચૈત્ર નવરાત્રિ વધુ પ્રખ્યાત છે. જ્યારે મહા મહિના અને અષાઢ મહિનાની સુદ એકમથી નવમી સુધી ચાલતો શક્તિપૂજાનો મહોત્સવ ગુપ્ત નવરાત્રિ તરીકે જાણીતો છે. ગુપ્ત નવરાત્રિ સામાન્ય લોકો માટે બહુ મહત્ત્વની નથી પરંતુ સાધના તેમ જ તાંત્રિક ક્ષેત્રે સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે આ પિરિયડ ગોલ્ડન છે. ઉચ્ચ કોટિના સાધકો, ઉપાસકો, તંત્ર-મંત્ર કરતા ભાવિકો આ દિવસોમાં દેવી દુર્ગાનાં દસ મહા વિદ્યા દેવી સ્વરૂપની આરાધના કરે છે.
ભાગવત અનુસાર ૧૦ મહાવિદ્યાઓ મહાકાલી દેવીનાં આક્રમક અને સૂક્ષ્મ રૂપોમાંથી જ પ્રગટ થયાં છે અને શક્તિસ્વરૂપ દુર્ગામાતાનાં જ સ્વરૂપ છે. પરંતુ સ્પેશ્યલ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા સારુ મહાવિદ્યાઓની ઉપાસના, સાધકો તથા તાંત્રિકો માટે ઉપયોગી અને વધુ મહત્ત્વપૂર્ણ છે. આ ૧૦ મહાવિદ્યાઓમાંથી કેટલાંક દેવી સ્વરૂપનાં નામો આપણે સાંભળ્યાં છે અને તેમનાં એ જ સ્વરૂપોનાં મંદિરોની યાત્રા પણ કરી છે પરંતુ એમાંથી દસમી મહાવિદ્યા કમલાદેવીનું નામ જેટલું અજાણ્યું છે એટલાં જ રૅર તેમને સમર્પિત મંદિરો છે.
સો, તીર્થાટન પ્રેમીઓ આપકી કુર્સી કી પેટી બાંધ લો... આજે આપણે જઈએ કરમાલાના કમલા મંદિરે જે મહારાષ્ટ્રના તુળજાપુર બાદ તુળજા ભવાનીની બીજી સિદ્ધ પીઠ પણ ગણાય છે. મરાઠી ભાષામાં કરમાળા ઉચ્ચારાતું સોલાપુર જિલ્લાનું મથક ટાઉન મુંબઈથી ૩૨૦ કિલોમીટર છે. અને પુણેથી ૨૦૦ કિલોમીટર. જ્યારે ચાદર માટે ફેમસ ટાઉન સોલાપુરથી ૧૩૫ કિલોમીટર અને અહમદનગરથી ઓન્લી નાઇન્ટી કિલોમીટર. પરંતુ તમારે રોડ જર્ની ન કરવી હોય તો છત્રપતિ શિવાજી ટર્મિનસથી જેઉર જવા માટે રોજ સિદ્ધેશ્વર સુપરફાસ્ટ એક્સપ્રેસ ઊપડે છે. વળી હૈદરાબાદ અને ચેન્નઈ એગ્મોર જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ જેઉર સ્ટેશને સ્ટૉપ કરે છે. આમ જેઉર સુધી સહેલાઈથી પહોંચી જવાય છે અને જેઉરથી કરમાલા તો રોકાડા અઢાર કિલોમીટર જ છે. મીન્સ ફક્ત અડધો કલાકનો રસ્તો.
વેલ, આપણે કેવી રીતે જવાય એની વાતો તો કરી લીધી પણ શા માટે જવું જોઈએ એનાં કારણો આપીએ તો સૌથી સબળ રીઝન છે અહીંનું ઝિંગાટ મંદિર. ૩૦૦ વર્ષ પહેલાં ૧૭૨૭માં રાવ રાજે નિંબાલકરે નિર્માણ કરાવેલું આ અદ્ભુત મંદિર પોતાની સુંદરતા માટે સાવ ઝિંગાટ (બેફિકર) છે. પણ જેમ ફૂલદાનીમાં રાખેલું વેલ ટ્રિમ્ડ હાઈ બ્રીડ ફ્લાવર કરતાં કયારેક વગડાઉ પુષ્પ સૌંદર્ય સ્પર્ધામાં બાજી મારી જાય એ રીતે આ મંદિર બ્યુટી કૉન્ટેસ્ટની ક્વીન છે.
થોડા ઊંચા પ્રદેશમાં મોટા ચોગાનમાં કિલ્લા જેવા સ્ટ્રક્ચરમાં બનેલું મંદિર હેમાડપંથી શૈલીનું છે. પરંતુ અન્ય હેમાડપંથી આર્કિટેક્ચરના દેવાલયથી ઘણા પ્રકારે ભિન્ન છે. શંકુ આકારનું ઊંચું શિખર, ૯૬ સ્તંભ અને ગોળ ગુંબજ ધરાવતા મંદિરનાં ત્રણ પ્રવેશદ્વાર છે અને આ ત્રણેય એન્ટ્રસમાં મસ્ત ગોપુરમ (સાઉથ ઇન્ડિયન મંદિરનો એન્ટ્રી ગેટ) છે. કાળા, મજબૂત પથ્થરોથી બનેલાં આ ગોપુરમ જેટલાં ઇમ્પ્રેસિવ છે એટલી જ સૉલિડ આખા પરિસરને ફરતી કાળમીંઢ મજબૂત દીવાલો છે. વેસ્ટ ગેટથી એન્ટ્રી કરો એટલે પીળા ચૂનાથી રંગેલું એક લંબચોરસ સ્ટ્રક્ચર તમારી નજરે ચડે અને એમાં બેઠેલાં ગરુડ, સિંહ અને નંદી તમારું ભાવભીનું સ્વાગત કરે. આવી અજાયબી જોઈને હજી કાંઈ વિચાર આવે એ પહેલાં મંદિરના પ્રાંગણની ફરતે આવેલી ક્રમબદ્ધ કમાનયુક્ત, ઊંચા ઓટલા સાથેની વિશાળ પરસાળ દેખાય, જે કદાચ ભાવિકોના રેસ્ટ માટે બનાવાઈ હશે. પરંતુ આટલી બધી કેમ એવો પ્રશ્ન થાય એ પહેલાં સામે આવે ચોકીદારની જેમ ઊભેલા ત્રણ જાયન્ટ મિનારા. આ મિનારા ઍક્ચ્યુઅલી તો દીપમાળા છે, પરંતુ એના બાંધકામમાં ઇસ્લામિક આર્કિટેક્ચરની છાંટ વરતાય છે. મંદિરની અને માતાજીની સુરક્ષા માટે વૉચ ટાવરની જેમ બાંધવામાં આવેલા એક ટાવરમાં તો ઉપર જવાય પણ છે અને એની હવાબારીમાંથી દૂર-દૂરના વિસ્તારો સુધીનું ૩૬૦ ડિગ્રી અવલોકન કરી શકાય છે.
મંદિરના પ્રાંગણ, ગોપુરમ, મિનારા, પરસાળ વિશેનું કુતૂહલ વધતું જ જાય ત્યાં તો ભક્તોને યાદ આવે કે અરે, આપણે તો માતાનાં દર્શને આવ્યા છીએ, પહેલાં ત્યાં જ જઈએ. અને જેવા મંદિરમાં પ્રવેશો એટલે રંગમંડપના ૯૬ સ્તંભો અને ચિત્રો જોઈ ફરી એમાં ખોવાઈ જાઓ. જોકે એ તારામૈત્રક બહુ થોડી ક્ષણો માટે જ રચાય, કારણ કે ગર્ભગૃહમાં ચમકદાર શ્યામ પથ્થરમાંથી બનેલી કમલામાતાની પ્રતિમાનું તેજ ભાવિકોનાં હૃદય, મન, મસ્તકને ઝળાહળાં કરી દે છે.
કમલાદેવી લક્ષ્મીજી તરીકે પણ ઓળખાય છે. પુરાણોમાં કમલાદેવીના દેખાવનું વિસ્તૃત વર્ણન છે. ગ્રંથો પ્રમાણે લાલ પોશાકમાં સજ્જ આ માતાનો વર્ણ સોનેરી છે. વળી સુવર્ણ આભૂષણોથી સજ્જ છે. કમલના આસન પર પદ્માસનમાં બિરાજતી આ દેવીના ચાર હાથ છે, જેમાં બે ડાબા હાથમાં કમળનાં પુષ્પ છે જ્યારે બે જમણા હાથ વરદ અને અભય મુદ્રા રૂપમાં છે. આ ભુજાઓની મુદ્રાને કારણે તે વરદાન આપતી અને વ્યક્તિને નિર્ભય બનાવતી કહેવાય છે. ધન, ભૌતિક સુખ અને સમદ્ધિ પામવા માટે આ દેવીની સાધના કરાય છે. સમુદ્રની વચ્ચે રહેતાં આ દેવીની ચારે સાઇડ ૪ હાથી છે જે કનક કળશથી માતાનો અભિષેક કરતા રહે છે. કમલાદેવી અષ્ટ લક્ષ્મીનું સંયુક્ત રૂપ ગણાય છે.
દેવી માતા આ સ્વરૂપે હોય તો તેમને કમલાદેવી કહેવાય છે અન્યથા તે માતા લક્ષ્મીજી તરીકે ઓળખાય છે. જોકે કરમાલામાં રહેલી માતાની મૂર્તિ શ્યામ છે અને ગજરાજો મિસિંગ છે પરંતુ અન્ય ફીચર્સ સેમ છે. મૂર્તિનો ચહેરો એવો પ્રફુલ્લિત છે કે તેમનાં દર્શન કરતાં ભક્તોનું મન પ્રસન્ન થઈ જાય છે. ગર્ભગૃહની બહારની બાજુ ગજાનન ભગવાન છે જે પણ માતાની જેમ શ્યામરંગી છે અને જમણી સૂંઢાળા આ દુંદાળા દેવ પણ સૂર્ય જેવા તેજસ્વી છે. તો બીજી બાજુ લક્ષ્મી-વિષ્ણુજીની પ્રતિમાઓ છે. નારાયણ પ્રભુ હોય એટલે તેમના ગુરુદેવ ભોળેનાથ પણ હોય જ. એ જ રીતે પવિત્ર પીપળાનું વૃક્ષ પણ છે અને એની નીચે બજરંગબલી પણ બિરાજમાન છે.
સવારના ૬થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહેતું આ મંદિર નવરાત્રિ તેમ જ વેકેશન અને વીક-એન્ડમાં ધમધમી ઊઠે છે તથા કાર્તિકી પૂર્ણિમાથી કારતક વદ ચોથ સુધી યોજાતી યાત્રા (ઉત્સવ) દરમિયાન હજારો ભક્તોની ભીડ ઊમટે છે. જોકે મહારાષ્ટ્રનાં મોસ્ટ બ્યુટિફુલ મંદિરની યાદીમાં સમાવી શકાય એવું દેવળ હોવા છતાં મંદિરનો ઇતિહાસ કે પૂર્વકાળની કે નિર્માણકથાની કોઈ નોંધ નથી. હા, નિર્માતા રાવ નિંબાલકરની સમાધિ અહીં છે પણ જો બૅક સ્ટોરી નોટેડ હોય તો મંદિર અને આ ક્ષેત્ર માટે ટૂરિસ્ટ કે દર્શનાર્થીઓને વધુ ફૅસિનેશન થાય.
કરમાલામાં રહેવા, ખાવા, પીવાની ડીસન્ટ સગવડો ધરાવતી હોટેલ-રેસ્ટોરાં છે. અન્યથા અહમદનગર કે સોલાપુર ઇઝ ગુડ ઑપ્શન.
પૉઇન્ટ ટુ બી નોટેડ
એક સમયે અહમદનગરના નિઝામશાહના કિંગડમનો એક હિસ્સો રહેલા કરમાલાનું નામ ઇસ્લામ ધર્મનો પ્રસાર કરતા મૌલવી કર્મે મૌલા પરથી પડ્યું છે. આ શહેરનું મંદિર પંઢરપુર જેવું જ હિસ્ટોરિક સિગ્નિફિકન્સ ધરાવે છે. આથી અનેક સંતોની સાધના ભૂમિ રહ્યું છે. તેમ જ મહારાષ્ટ્રિયન, તેલુગુ ભક્તોનું પણ શ્રદ્ધેય તીર્થ છે પરંતુ શહેરના પ્રવાસનને વેગ મળ્યો છે અહીં શૂટ થયેલી ફેમસ મરાઠી મૂવી ‘સૈરાટ’ના શૂટિંગ બાદ. આખા દેશમાં ધમ્માલ મચાવનારી ફિલ્મ ‘સૈરાટ’નો પેલો ફેમસ બંગલો, વાવડી, સૂકું વૃક્ષ અને દીવાદાંડી જેવી મંદિરની દીપમાળા આજે વિઝિટરો માટે સેલ્ફી પૉઇન્ટ બની ગયાં છે.
મંદિરના નિર્માણકર્તા શ્રીમંત નિંબાલકરજીને ૯૬ નંબર સાથે ખાસ લગાવ હશે એવું લાગે છે; કારણ કે મંદિરમાં ૯૬ સ્તંભ છે, ૯૬ ચિત્રો છે, મંદિરની ફરતે ૯૬ સેક્શન ધરાવતી પરસાળ છે. એ સાથે જ મંદિરની પછીતે ૯૬ પગથિયાં ધરાવતી પાણીની વાવડી પણ છે.
(ઘણાં ખાંખાખોળા કર્યા છતાં આ લવ ૯૬નું કનેક્શન અમને સાંપડ્યું નહીં. સુજ્ઞ વાચકોને એ વિશે ખ્યાલ હોય તો પ્રકાશ પાડે પ્લીઝ.) મંદિર જેવા જ પથ્થરો અને બાંધણી ધરાવતા સ્ટેપવેલમાં પાણી રહે છે પણ ઍઝ યુઝ્અલ વિઝિટરોએ એને ગંદું કરી મૂક્યું છે. સિક્યૉરિટીના કારણે છેક જળ લગી નથી જવાતું પણ એની ઘણી નજીક સુધી તો જઈ જ શકાય છે. ઍન્ડ ડોન્ટ મિસ ઇટ. ઇટ ઇઝ મૅગ્નિફિશન્ટ.