અખાત્રીજ ક્યાં કેવા પ્રકારે ઊજવાય છે?

24 April, 2012 07:30 AM IST  | 

અખાત્રીજ ક્યાં કેવા પ્રકારે ઊજવાય છે?

આખા ભારતમાં અખાત્રીજના દિવસની આતુરતાથી રાહ જોવાય છે. શાસ્ત્રોમાં આ દિવસનાં અનેક મહત્વ વર્ણવવામાં આવ્યાં છે, પણ આ દિવસ શુભ કાર્ય માટે ખૂબ સારો ગણાય છે. ભારતમાં જેટલા પ્રાંતો છે એટલી જ જુદી-જુદી જાતિઓ છે અને બધા લોકો પોતાની આગવી શૈલીથી તહેવારોની ઉજવણી કરે છે. દેશના જુદા-જુદા પ્રાંતોમાં અખાત્રીજની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે એ જોઈએ.

પશ્ચિમબંગ

પશ્ચિમબંગના બધા જ બિઝનસમેનો માટે આજનો દિવસ ખૂબ મહત્વનો હોય છે. આજના દિવસે હાલખાતા એટલે કે નવા ચોપડા લખવાની શરૂઆત થાય છે. સાથે-સાથે લક્ષ્મી અને ગણપતિની ખાસ પૂજા કરવામાં આવે છે જેથી બિઝનેસમાં સારામાં સારો પ્રૉફિટ મળે. કેટલાક લોકો મંદિરમાં જાય છે તો કેટલાક પોતાના ઘરમાં જ સત્યનારાયણની કથા કરાવે છે. બંગાળીઓમાં આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્વ છે.

રાજસ્થાન

અક્ષયતૃતીયાને રાજસ્થાનમાં અખાત્રીજ તરીકે જ ઓળખવામાં આવે છે. આ દિવસને લગ્ન માટે ખાસ માનવામાં આવે છે. રાજસ્થાનમાં આજના દિવસે સૌથી વધુ લગ્નો થાય છે. જોકે સમાજનું દૂષણ એવાં બાળલગ્ન પણ રાજસ્થાનમાં સૌથી વધુ આજના દિવસે જ થાય છે.

ઓડિસા

ઓડિસામાં અખાત્રીજ ખેડૂતો માટે ખાસ દિવસ છે. લક્ષ્મીજીને પૂજ્યા બાદ ખેડૂતો નવાં કપડાં પહેરીને ખેતરે જાય છે અને આજના દિવસે ખેતરમાં નવાં બી રોપે છે જેથી આવનારાં વષોર્માં પાક સારો મળે. ઓડિસાના પશ્ચિમ ભાગમાં અખાત્રીજને ‘મુથી ચુહાના’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે લોકો લીલાં પાનવાળી ભાજી અને માંસાહારી ખોરાક લેવાનું ટાળે છે. જગપ્રખ્યાત એવી જગન્નાથની યાત્રાનો પ્રારંભ પણ આજના દિવસથી જ થાય છે.

જાટ પ્રજાતિના લોકો માટે પણ આજનો દિવસ મહત્વનો છે. રિવાજ પ્રમાણે ઘરનો પુરુષ સૂયોર્દય થાય એ સાથે કુહાડી લઈને ખેતરમાં જાય છે. કહેવાય છે કે રસ્તામાં જે પણ પ્રાણી કે પક્ષી સામે મળે એના પરથી એ વર્ષે કેવો વરસાદ થશે એનાં એંધાણ મળે છે. જાટ પ્રજાતિમાં આજનો દિવસ અનબુજા મુરત તરીકે ઓળખાય છે અને સમૂહલગ્નો યોજાય છે.

ઉત્તર ભારત

ઉત્તર પ્રદેશમાં આજના દિવસે વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામની જયંતી ઊજવવામાં આવે છે. આજના દિવસે ઉત્તર પ્રદેશના લોકો દાન કરે છે. એમાં જાલાદાન, વસ્ત્રદાન, શયાનાદાન, ચંદનદાન, પદરક્ષાદાન, છત્રદાન જેવાં દાનનો સમાવેશ છે. લોકો ગંગાના પવિત્ર પાણીમાં સ્નાન કરે છે અને અનેક પ્રકારની યાત્રાઓનો આજથી આરંભ થાય છે. કેદારનાથ, બદરીનાથ, ચાર ધામની યાત્રાઓ પણ આજના દિવસથી જ શરૂ કરવામાં આવે છે. ઉત્તરમાં આજના દિવસે અગ્નિમાં જવ પધરાવી યજ્ઞ કરવાનો ખાસ રિવાજ છે.

દક્ષિણ ભારત

આજના દિવસે દક્ષિણ ભારતમાં ભગવાન વિષ્ણુ, લક્ષ્મી માતા અને કુબેરની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. આજના દિવસે વિષ્ણુપૂજા તેમ જ લક્ષ્મી-કુબેર હોમ કરવામાં આવે છે. લોકો ગરીબોને કપડાં અને અનાજનું દાન આપે છે. આજના દિવસે સાઉથનાં તિરુપતિ મંદિર, મીનાક્ષી મંદિર અને હજાર સ્થંભવાળા વારંગલ મંદિરમાં દર્શન કરવાનું ખાસ મહત્વ છે.