વધુ બાળકો ન જોઈતાં હોય તો સ્પર્મ ડોનેશનની બાબતમાં કેમ ન વિચારી શકાય?

24 June, 2024 01:02 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

રક્તદાન કોઈનું જીવન બચાવે છે તો સુશિક્ષિત પુરુષો દ્વારા થયેલું સ્પર્મ ડોનેશન સમાજ બચાવવાનું કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

હમણાં એક પાર્ટીમાં વાત-વાતમાંથી  મુદ્દો નીકળ્યો કાયદો અને વ્યવસ્થાનો અને વાત નીકળી ન્યુ ઝીલૅન્ડની કે ત્યાં દશકાઓથી રેપ અને મર્ડર જેવી ઘટનાઓ નથી બની જેના માટે ત્યાંની ન્યાયવ્યવસ્થાને જશ આપવો જોઈએ. જોકે ન્યુ ઝીલૅન્ડમાં કાયદો અને વ્યવસ્થા અત્યંત ​સ્ટ્રિક્ટ છે એવું નથી; પણ હકીકતમાં ત્યાંના લોકોની એ સંસ્કારિતા છે કે રેપ, છેડતી કે મર્ડર જેવી ઘટનાઓ બનતી નથી. આ સંસ્કારિતા રંગસૂત્રો સાથે જોડાયેલી છે અને એની ઝીણવટભેર સાચવણી કે પછી એનો મૅક્સિમમ વ્યાપ કેવી રીતે થાય એ બૌદ્ધિકતાનો વિષય છે.

આજે આપણે ત્યાં એવી પરિસ્થિતિ છે કે આર્કિટેક્ટ, ડૉક્ટર જેવા વેલ-એજ્યુકેટેડ કપલને ત્યાં હવે એક કે પછી મૅક્સિમમ બે બાળકો હોય છે. ઓછાં બાળકો કરવાની માનસિકતા સારા લોકોમાં ઘર કરી જાય તો નૅચરલી એ પ્રકારના સંસ્કારો આગળ વધવા જોઈએ એની ગતિ ઘટી જશે અને સ્વાભાવિક રીતે સમાજમાં સંસ્કારી લોકોની સંખ્યા પણ ઘટશે. મારું દૃઢપણે માનવું છે કે જો તમને તમારા દેશનાં કાયદો-વ્યવસ્થા ન ગમતાં હોય, તમને એવું લાગતું હોય કે દેશમાં ગુનાખોરી વધી છે તો એની પાછળ ક્યાંક ને ક્યાંક તમે પણ જવાબદાર છો. મજૂર, શાકવાળા, કૂલી, ફેરિયા જેવાં નાનાં કામો કરતાં કપલોને ત્યાં ત્રણ અને ચાર બાળકો હોય; પણ જો વેલ-એજ્યુકેટેડને ત્યાં એક કે બે બાળક હોય તો તમે જ વિચારો કે આવનારાં વર્ષોમાં દેશમાં કયા પ્રકારના DNAનું વર્ચસ હશે.

આ અગાઉ સવાલ-જવાબની કૉલમ સમયે પણ કહ્યું હતું કે સારા અને સુશિક્ષિત પરિવારો નાના થશે તો દેશ પર જોખમ વધશે. તમે પોતે જોશો તો તમને દેખાશે કે સારા અને સુશિક્ષિત પરિવારના પુરુષો ભાગ્યે જ છેડતી કરતા કે રેપ કરતા જોવા મળ્યા છે. એનું કારણ એ છે કે તેમને જન્મજાત ખબર છે કે આવું કૃત્ય ન કરવું જોઈએ કે પછી જાતીય આવેગ આવે એ સમયે કેવી રીતે એ આવેગોને કન્ટ્રોલમાં રાખવા.

કહેવાનું તાત્પર્ય ક્યાંય એવું નથી કે તમારી ઇચ્છા ન હોય તો પણ તમે વધારે બાળકો કરો; પણ હા, કહેવાનો આશય એવો ચોક્કસ છે કે સુશિક્ષિત વ્યક્તિ જો આર્થિક અને સામાજિક રીતે સક્ષમ હોય તો તેણે વધુ બાળકો કરવાં જ જોઈએ. એ પરિવારમાં જન્મેલાં બાળકો હકીકતમાં તો રાષ્ટ્રનું હિત છે, પણ ધારો કે એવું ન કરી શકો તો સ્પર્મ ડોનેશનની દિશામાં તેમણે ગંભીરતા સાથે વિચારવું જોઈએ અને નિયમિત રીતે સ્પર્મ ડોનેશન કરવું જોઈએ. રક્તદાન કોઈનું જીવન બચાવે છે તો સુશિક્ષિત પુરુષો દ્વારા થયેલું સ્પર્મ ડોનેશન સમાજ બચાવવાનું કામ કરે છે.

sex and relationships life and style columnists