09 September, 2024 04:40 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થોડા સમયથી હું એક વાત ઑબ્ઝર્વ કરું છું. નૉર્મલ ડિલિવરીના અને નૉર્મલ પ્રેગ્નન્સીના કિસ્સાઓ દિવસે-દિવસે ઓછા થતા જાય છે. મોટા ભાગનાં કપલો IVFનો સહારો લેતાં થઈ ગયાં છે. એક સમય હતો કે ભૂલથી પણ પ્રોટેક્શન વાપરવામાં ન આવ્યું હોય તો વીસ-પચીસ દિવસ પછી વાઇફ ગુડ ન્યુઝ આપતી અને આજે, અનેક પ્રયાસ પછી પણ નૉર્મલ રીતે ગુડ ન્યુઝ મળતા નથી. એવું તે શું થયું કે ફર્ટિલિટીનું પ્રમાણ આ સ્તર પર ઘટી ગયું છે?
થોડા સમય પહેલાં આ જ વિષય પર મારે એક લેક્ચર આપવાનું થયું. એ કાર્યક્રમમાં ગાયનેકોલૉજિસ્ટ પણ હતા અને IVF એક્સપર્ટ્સ પણ હતા. સ્વાભાવિક રીતે આપણા મનમાં વિચાર આવે કે બે એક્સપર્ટ એવા હાજર છે જે ટેક્નિકલી આ વિષય પર બોલવાના છે તો બહેતર છે કે આપણે આ વિષય પર સાઇકોલૉજિકલી અને સેક્સોલૉજીના દૃષ્ટિકોણથી જ વાત કરવી અને મેં સર્વે શરૂ કર્યો તો સામે જે આંકડા આવ્યા એ ખરેખર ચિંતાજનક હતા.
નૉર્મલ પ્રેગ્નન્સી નહીં રહેવા પાછળનાં કારણોનો જો તમે સ્ટડી કરશો તો તમને પણ સમજાશે કે હવેના સમયમાં કપલને ફ્રીડમ જોઈએ છે અને ફ્રીડમની બન્નેને અપેક્ષા છે એટલે તેઓ ફર્ટિલિટીની જે બેસ્ટ એજ કહેવાય એ ઉંમરે માબાપ બનવા માટે રાજી નથી અને સમય ખેંચે છે. માતૃત્વ હાંસલ કરવાની બાયોલૉજિકલ આદર્શ ઉંમર ૨૩થી ૨પ વર્ષની છે. એ પછી માતૃત્વ સાંપડી શકે, પણ તકલીફની શક્યતા પણ વધી જાય. તમે જુઓ, આજે કેટલી છોકરીઓ એવી છે જે સાયન્સે દેખાડેલી આદર્શ ઉંમર પર મા બનવા માટે રાજી હોય? અરે, હવે તો એજ્યુકેશન પણ એ સ્તર પર પથરાઈ ચૂક્યું છે કે ૨૩-૨૪ વર્ષ સુધી તો એજ્યુકેશન અને કરીઅર જ ચાલતી હોય છે અને એ પછી અરેન્જ્ડ મૅરેજની તૈયારીઓ શરૂ થાય અને લવ-મૅરેજમાં સિરિયસ થઈને વાત આગળ વધારવામાં આવે.
આ પ્રશ્ન જેટલો મહત્ત્વનો મુદ્દો છે હવેની લાઇફસ્ટાઇલ અને એની સાથે પ્રવેશેલી ફૂડ-પૅટર્ન. વધતા જતા જન્ક-ફૂડની સીધી અસર ફર્ટિલિટી પર પડે છે. સાથે કૉમ્પિટિશનના કારણે વધતું જતું સ્ટ્રેસ. એને લીધે સક્સેસફુલ નૉર્મલ પ્રેગ્નન્સીનું પ્રમાણ દિવસે-દિવસે ઘટતું જાય છે. સ્ટ્રેસને કારણે છોકરાઓના સ્પર્મ-કાઉન્ટ પર પણ માઠી અસર જોવા મળે છે. થોડા સમય પહેલાં માત્ર ૨૯ વર્ષના એક છોકરાના સ્પર્મનો રિપોર્ટ મેં જોયો, જે સિત્તેર વર્ષના વૃદ્ધના સ્પર્મ-કાઉન્ટથી સહેજ પણ ઊતરતો નહોતો. એમાં કોઈ જાતની વારસાગત ખામીઓ નહોતી, પણ એ સ્તર પર તે સ્ટ્રેસમાં રહેતો હતો જેની સીધી આડઅસર તેના સ્પર્મ-કાઉન્ટ પર દેખાય. કહેવાનો ભાવાર્થ એ કે જો આ બધી વાતમાં સુધારો કરવામાં નહીં આવે તો નક્કી છે કે નૉર્મલ પ્રેગ્નન્સી ઇતિહાસ બની જશે.