પેરન્ટ્સે બાળકને ક્યારે હા પાડવી અને ક્યારે ના

19 June, 2024 08:57 AM IST  |  Mumbai | Sarita Harpale

આજના સમયમાં પેરન્ટિંગ વધુ ને વધુ નાજુક થતું જાય છે ત્યારે પેરન્ટ્સ માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે સંતાનની કઈ જીદ સામે સરેન્ડર થવું અને કઈ જીદને સહેજ પણ મચક ન આપવી.

પ્રતીકાત્મક તસવીર

માતા-પિતાએ દીકરાને ફોન આપવાની ના પાડતાં ૧૪ વર્ષનો છોકરો ઘર છોડી ગયો, દસમા ધોરણમાં ઓછા માર્ક્સ આવવાના ડરથી ૧૬ વર્ષની છોકરીની આત્મહત્યા, પોતાના શોખ પૂરા કરવા દીકરાએ પોતાના જ ઘરમાં કરી ચોરી... જેવા સમાચારો અવારનવાર તમે અખબારોમાં વાંચતા હશો. આ સમયે મોટા ભાગે એવી જ ચર્ચા થતી હોય છે કે આ આજકાલનાં બાળકો જ આવાં છે; પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે બાળકોની આ વર્તણૂક પાછળ તેમનો ઉછેર, તેમની મળતી છૂટ, લાડકોડ પણ જવાબદાર હોઈ શકે? આજકાલ તો પેરન્ટિંગ પણ ગૂગલમાંથી શીખવામાં આવે છે. બાળક સાથે કૂણું વર્તન રાખવું કે સ્ટ્રિક્ટ બનવું એ પેરન્ટ્સને સમજાઈ જ નથી રહ્યું. તાજેતરમાં જ પુણેમાં પૉર્શે કારની જે ઘટના ઘટી એણે પેરન્ટિંગ પર ઘણા પ્રશ્નો ખડા કર્યા છે. સગીર વયનો યુવાન દારૂ ઢીંચીને પૉર્શે જેવી લક્ઝરી ગાડી ચલાવે અને બે યુવાનોને અકસ્માતમાં મોતને ઘાટ ઉતારી દે એમાં શું તેનો ઉછેર જવાબદાર નહીં હોય? તમે જ કહો કે આમાં પેરન્ટ્સની 
ભૂલ ક્યાં હતી, તેને દારૂ પીવાની છૂટ આપી એમાં કે તેને સગીર વયે ગાડી ચલાવવા આપી એમાં કે મોડી રાતે પાર્ટી કરવાની છૂટ આપી એમાં કે પછી ગુનામાં સંડોવાઈ ગયા પછી 
પેરન્ટ્સે તેને બચાવવા ડ્રાઇવરને ફસાવવાની કોશિશ કરી એમાં? જવાબ મેળવવો અઘરો છે. મુદ્દો એક જ છે. સ્માર્ટ બની રહેલાં આજનાં બાળકોને ટૅકલ કેમ કરવાં? તેમને ક્યારે હા પાડવી અને ક્યારે ના? આ મુદ્દે નિષ્ણાતો સાથે વાત કરીએ.

વ્યસ્તતાની વિકટતા
પેરન્ટિંગ વિશે વાત કરતાં જાણીતા સાઇકોલૉજિસ્ટ, સ્પેશ્યલ એજ્યુકેટર અને આર્ટ-બેઝ્ડ થેરપી પ્રૅક્ટિશનર મોનિકા સરાફ શર્મા કહે છે, ‘આજકાલ પેરન્ટિંગ ચૅલેન્જિંગ છે એમાં કોઈ બેમત નથી, કારણ કે મા-બાપ બન્ને કમાવામાં વ્યસ્ત હોય છે. અને આ જ કારણ છે કે તેઓ બાળકો માટે યોગ્ય સમય ફાળવી શકતાં નથી, જેને કારણે બાળકો સોશ્યલ મીડિયાનાં વ્યસની બને છે. ઘણી વાર તેમને સાચાખોટાની જાણ ન હોવાથી તેઓ ગેરમાર્ગે દોરાય છે એટલું જ નહીં, આજકાલનાં બાળકો ખૂબ હોશિયાર છે. તેમને વાલીઓ પાસેથી લૉજિકલ જવાબોની અપેક્ષા હોય છે. ઘણી વાર વાલીઓ બાળકો સાથે ખૂબ જ અબ્યુઝિવ લૅન્ગ્વેજમાં વાત કરે છે, જેને કારણે બાળકો ડિપ્રેશનમાં જતાં હોય છે.’

‘ડોન્ટ સે નો ટુ યૉર ચાઇલ્ડ’વાળો ફન્ડા કેટલાક મૉડર્ન પેરન્ટ્સમાં પૉપ્યુલર બન્યો છે ત્યારે એ વિચાર પણ નકારી કેમ શકાય કે દરેક વાતમાં હા બાળકને બગાડે, પણ ના પાડો તો બાળક સામું થાય. કરીશું શું? મોનિકા કહે છે, ‘ના કહેવી જોઈએ, પણ એની એક કળા છે. તમારે બાળકને એવું ન કહેવું જોઈએ કે ના, તારે ફોન નથી જોવાનો. તમારે કહેવું જોઈએ કે તું માત્ર અડધો કલાક ફોન જોઈ શકે છે. ફાસ્ટ ન દોડીશ એના કરતાં ધીરે દોડ એમ કહેવું જોઈએ. જન્ક ફૂડ તો નહીં મળે એમ કહેવાને બદલે આપણે અઠવાડિયામાં એક દિવસ જન્ક ફૂડ ખાઈશું એમ કહેવું જોઈએ. સરવાળે બાળકને ડાયરેક્ટ ના પાડવાની જગ્યાએ તેની સામે થોડા લૂઝ, થોડા ટાઇટનો ઍટિટ્યુડ રાખવો જેથી બાળક એને નેગેટિવલી નહીં લે.’

ફૅશન-પેરન્ટિંગ વિશે જાણો છો?
હાલમાં વૉટ્સઍપ અને ગૂગલ યુનિવર્સિટીઓ ધૂમ ચાલી રહી છે. આ એવી યુનિવર્સિટી છે જ્યાં તમને બધું જ વન ક્લિકમાં મળી રહે છે અને આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે પેરન્ટ્સ પણ બની ગયા છે. તમે એક શબ્દ સાંભળ્યો હશે, ફૅશન-પેરન્ટિંગ. આખરે એ શું છે એ વિશે વાત કરતાં મોનિકા કહે છે, ‘ફૅશન-પેરન્ટિંગ એ ખુલ્લી વિચારધારાવાળું અને દેખાદેખી કરતું પેરન્ટિંગ છે. હું ઘણા એવા પેરન્ટ્સને જાણું છું જે પોતાની પાંચ-છ વર્ષની દીકરીને મોંઘા સૅલોંમાં લઈ જઈને હેર-સ્ટ્રેટનિંગ કરાવે છે, મેકઅપ કરે છે, રસ્તા વચ્ચે તેની સાથે સેલ્ફી લે છે, જન્ક ફૂડ ખાય અને ખવડાવે છે. ખરેખર તો પેરન્ટ્સે બાળકો સાથે તેમની ઉંમર મુજબનો વ્યવહાર કરવો જોઈએ. કોઈ પણ વાત એની ઉંમર પ્રમાણે થવી યોગ્ય છે. રોલ-મૉડલ પેરન્ટ બનવા માટે અને સોસાયટીના પિઅર પ્રેશરમાં વાલીઓ બાળકોને ખોટી છૂટ આપી દે છે, જેની મોટી અસર બાળકના ભવિષ્ય પર થતી હોય છે.’

આની છાંટ પુણેમાં પૉર્શે દ્વારા ઍક્સિડન્ટ કરનારા યુવકના વ્યવહારમાં આપણને જોવા મળી હતી. આવો જ એક પેરન્ટિંગનો પ્રકાર છે હેલિકૉપ્ટર-પેરન્ટિંગ અને આ વિશે મોનિકા કહે છે,  ‘અહીં વાલીઓ બાળકો વતી તમામ નિર્ણયો પોતે જ લે છે. ઘણી વાર ઓવર-પ્રોટેક્ટિવ બની જાય છે, જેને કારણે બાળકનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. તે પરાવલંબી બને છે, પોતાના નિર્ણયો પોતે લઈ શકતું નથી. એવાં ઘણાં નકારાત્મક પરિણામો આવતાં હોય છે.’ 

જાણો પેરન્ટિંગના કેટલા પ્રકારો પૉપ્યુલર છે અત્યારે

આજકાલના સ્પર્ધાત્મક યુગમાં પેરન્ટિંગ એક મોટો પડકાર બની ગયું છે. બાળકને મોટા કરવા માટે હવે પેરન્ટ્સને ગૂગલ અને પેરન્ટિંગ બુક્સનો સહારો લેવો પડે છે, કારણ કે હવે એવો સમય આવી ગયો છે કે પેરન્ટ્સ પોતે જ કન્ફ્યુઝ્ડ છે કે બાળકને ધાકધમકીથી સમજાવવો કે પછી લાડપ્રેમથી. પણ આ બન્ને જો વધારે પડતું હોય તો તમારા બાળકનું ભવિષ્ય બગડી શકે છે. ત્યારે આવા જ કેટલાક અલગ-અલગ પ્રકારના પેરન્ટ્સ હોય છે તો આમાંથી તમે કયા પ્રકારના પેરન્ટ્સ છો?

સ્નો પ્લાઓ પેરન્ટ્સ : આ પ્રકારના પેરન્ટ્સનું સંપૂર્ણ ફોકસ બાળકને એક સુરક્ષિત લાઇફ આપવા પર હોય છે. આવા પ્રકારના પેરન્ટ્સ ઇચ્છે છે કે તેઓ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી બાળકનું આખું જીવન સેટલ કરી આપે. ઉપરાંત સ્નો પ્લાઓ પેરન્ટ્સ બીજાં બાળકો સાથે પોતાના બાળકની સતત સરખામણી કરતા હોય છે. ક્યાંક તેમનું બાળક બીજાં બાળકોથી પાછળ તો નથીને. આવા પેરન્ટ્સ પોતાનાં બાળકોની જિંદગીથી આસક્ત હોય છે.

ઇન્ટેન્સિવ પેરન્ટ્સ : આવા પેરન્ટ્સ બાળકો સાથે ખૂબ જ ફ્રૅન્ક બિહેવ કરવાનો પ્રયાસ કરે છે. તેમને બાળકોની સ્કૂલ-લાઇફની સાથે-સાથે એ જાણવામાં પણ રસ હોય છે કે તેમની પર્સનલ લાઇફમાં શું ચાલી રહ્યું છે, તેઓ શું વિચારી રહ્યા છે. આવા પ્રકારના પેરન્ટ્સને બાળકો સાથે ગેમ્સ રમવાનું અને હૅન્ગઆઉટ કરવાનું પણ ખૂબ ગમે છે.  

હેલિકૉપ્ટર પેરન્ટ્સ :  આવા પ્રકારના પેરન્ટ્સ બાળકોની આખી લાઇફનો હોલ્ડ પોતાના હાથમાં રાખવા માગે છે. આવા પેરન્ટ્સ બાળકોને પ્રેમ તો કરે છે પણ ઊંડે-ઊંડે ક્યાંક ઇન્સિક્યૉર પણ હોય છે. જો તેમનું બાળક થોડી વાર માટે પણ તેમની આંખોથી દૂર જતું રહે અથવા ફોન ન ઉપાડે તો એ સીધા બાળક જ્યાં છે ત્યાં પહોંચી જતા હોય છે. ઉપરાંત આવા પેરન્ટ્સ બાળકની હાર અને જીતની જવાબદારી પોતાના પર લઈ લેતા હોય છે. તેના દરેક કામમાં તેની સાથે રહે છે એટલું જ નહીં પણ તેની સ્કૂલનું કામ કરવું, ટીચર સાથે વાત કરવી બધું પોતે જ કરતા હોય છે.

ટાઇગર પેરન્ટ્સ : આવા પેરન્ટ્સ બાળકો સાથે ખૂબ કડક વર્તન કરે છે. આવા પેરન્ટ્સ ડિમાન્ડિંગ પણ હોય છે. તેમનામાં બાળકને કોઈ પણ કિંમતે જિતાડવાનો જ વિચાર ચાલતો હોય છે. તેઓ ઇચ્છે છે તેમનું બાળક કોઈ પણ ફીલ્ડમાં પાછળ ન રહેવું જોઈએ. આવા પેરન્ટ્સ ‘ટફ લવ’માં વિશ્વાસ રાખે છે.

life and style sex and relationships columnists gujarati mid-day