સેક્સ-એજ્યુકેશન આવે ત્યારની વાત ત્યારે, અત્યારે પેરન્ટ્સે શું કરવું જોઈએ?

03 June, 2024 10:03 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

દરેક પેરન્ટ્સને કહેવાનું મન થાય કે દેશમાં સેક્સ-એજ્યુકેશન સત્તાવાર બને અને ઑથેન્ટિક રીતે કામ કરે એ પહેલાં સારા અને પ્રોફેશનલ ઑથર દ્વારા લખાતી આ પ્રકારની કૉલમ વાંચવા માટે તેમણે સામે ચાલીને તેમનાં ટીનેજ સંતાનોને શિખામણ આપવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

હમણાં એક પાર્ટીમાં મને એક કપલ મળી ગયું. થોડી આડીઅવળી વાત પછી વાઇફે મને સહજ રીતે સવાલ કર્યો કે ન્યુઝપેપરમાં આવતી તમારી સેક્સની કૉલમ વાંચવાની મારી દીકરીને આદત પડી ગઈ છે. અમારું ધ્યાન જાય તો તે તરત પેજ ફેરવી નાખે છે, પણ ચોરીછૂપીથી તે વાંચે છે એ અમે નોટિસ કર્યું છે. આવું બધું તે વાંચે એ અમને યોગ્ય નથી લાગતું તો અમારે શું કરવું જોઈએ?
આવો જ પ્રશ્ન અગાઉ પણ મને બે-ત્રણ વાચકોએ પૂછ્યો હતો તો એક સ્કૂલમાં લેક્ચર માટે ગયો ત્યારે એ સ્કૂલના પ્રિન્સિપાલે પણ આ જ વાત કરી હતી કે અમારી સ્કૂલની વિદ્યાર્થિનીઓ આ પ્રકારની કૉલમ ચોરીછૂપીથી વાંચે છે. એ લેક્ચરનો વિષય જુદો હતો એટલે જવાબ આપવાનો રહી ગયો, પણ આજે એ જ વાતની ચર્ચા અહીં કરવી છે. તમે સારી રીતે સમજી શકો કે માણસને જિજ્ઞાસા કઈ વિષયની હોય? એ જ વિષયની જેના માટે તે કોઈને પૂછી શકતો નથી અને એ જિજ્ઞાસા અન્ય કોઈ રીતે પણ ફળીભૂત થતી નથી હોતી. એવા સમયે માણસ શું કરે? તેને જે જ્ઞાન-સ્રોત દેખાય એનો ઉપયોગ કરવાનો શરૂ કરી દે. આપણે ત્યાં હજી સિસ્ટમ ડેવલપ નથી થઈ, પણ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો ટીનેજની મનની મૂંઝવણની કૉલમ મોટા ભાગનાં ન્યુઝપેપરો અને મૅગેઝિનોમાં આવે છે અને એ બહુ પૉપ્યુલર પણ છે. આપણા દેશની કઠણાઈ જુઓ. આપણે ત્યાં તો યંગ કપલ જ નહીં, આધેડ વયના લોકો પણ હજી સેક્સની બાબતમાં બહુ અવઢવમાં જીવતા હોય છે એટલે આપણે ત્યાં કૉલમ પણ તેમને જ ધ્યાનમાં રાખીને લખાય છે તો સવાલ-જવાબની કૉલમમાં પણ તેમના જ સવાલો સૌથી વધારે આવે છે, કારણ કે ટીનેજર્સને એ વિશે પૂછવાની કે બોલવાની મનાઈ છે.

સંતાન જ્યારે પોતાના પ્રાઇવેટ પાર્ટને ટચ કરતું હોય ત્યારે ‘છી ગંદું કહેવાય’ એવું ઑલમોસ્ટ બધી જ મમ્મીઓ બોલે છે. નાનપણથી જ આપેલી આ શીખ વચ્ચે જ્યારે બૉડીમાં હૉર્મોનલ ચેન્જિસ આવે અને સેક્સ વિશે જાણવાનું તેમને મન થાય ત્યારે તેમની પાસે લિમિટેડ સોર્સ હોય છે. ઇન્ટરનેટ પર મળતા જ્ઞાનમાં વિકૃતિ વધારે હોય છે એટલે બાળક એ દિશામાંથી કંઈ ગેઇન કરે એવી અપેક્ષા રાખવી ન જોઈએ. દરેક પેરન્ટ્સને કહેવાનું મન થાય કે દેશમાં સેક્સ-એજ્યુકેશન સત્તાવાર બને અને ઑથેન્ટિક રીતે કામ કરે એ પહેલાં સારા અને પ્રોફેશનલ ઑથર દ્વારા લખાતી આ પ્રકારની કૉલમ વાંચવા માટે તેમણે સામે ચાલીને તેમનાં ટીનેજ સંતાનોને શિખામણ આપવી જોઈએ અને એ બ્રૉડનેસ પણ દેખાડવી જોઈએ કે એ સવાલ વાંચ્યા પછી તેમના મનમાં કોઈ સવાલ જન્મે તો પોતે એનો વાજબી જવાબ પણ આપે.

sex and relationships life and style columnists