17 December, 2024 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગ્રે ડિવૉર્સ શબ્દપ્રયોગ હમણાં-હમણાં બહુ સાંભળવામાં આવી રહ્યો છે. જિંદગીના ઘણા દાયકાઓ સાથે રહ્યા પછી વાળ ધોળા થઈ જાય અને ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં પતિ-પત્ની જ્યારે છૂટાછેડા લે એને ગ્રે ડિવૉર્સ કહે છે. પડ્યું પાનું નિભાવી લેવાનો જમાનો નથી રહ્યો. તાજેતરમાં મહાન સંગીતકાર અલ્લાહરખા રહમાન (એ. આર. રહમાન - મૂળ નામ દિલીપકુમાર) અને તેમની પત્ની સાયરાબાનુ (મૂળ કચ્છનાં છે, ગુજરાતી બોલી શકે છે)ના ડિવૉર્સના સમાચાર પછી આ શબ્દ વધુ ચર્ચામાં આવ્યો છે. એમ તો આના પહેલાં આમિર ખાન- કિરણ રાવે લગ્નજીવનનાં ૧૫ વર્ષ પછી, અરબાઝ ખાન-મલાઇકા અરોરાએ ૧૬ વર્ષ પછી અને અર્જુન રામપાલ-મેહેર જેસિયાએ ૨૧ વર્ષ પછી છૂટાછેડા લીધા હતા પણ એ. આર. રહમાન-સાયરાબાનુએ ૨૯ વર્ષના લગ્નજીવન પછી સોશ્યલ મીડિયામાં પોતાનો નિર્ણય જાહેર કર્યો એ પ્રથમ દૃષ્ટિએ તો ઘણાને આશ્ચર્યજનક લાગ્યું છે (તેમને ત્રણ સંતાનો પણ છે). સાયરાબાનુનાં વકીલ વંદના શાહે પોતાની પૉડકાસ્ટ ચૅનલ ‘ધ ચિલ અવર’ પર લગ્નજીવનમાં બોરડમ, એકલતા અને પત્નીને પૂરતું મહત્ત્વ ન મળવું જેવાં કારણો જણાવ્યાં છે. અડધીથી વધુ જિંદગી સાથે જીવ્યા પછી છૂટાં પડવાનું અઘરું તો છે જ, પણ સાથે રહેવાનું કદાચ વધુ અઘરું પડતું હશે. હૂંફની આપ-લે વગર જીવન સંવેદનશૂન્ય થઈ જાય છે. એક પાત્રની અતિ વ્યસ્તતા ક્યારેક અજાણપણે બીજા પાત્રની અવગણના અને તેથી ઊભી થતી એકલતાનું કારણ બની શકે. એકલતા જીરવવી અઘરી તો ખરી જ. સંતાનો પાંખો આવતાં ઊડી જાય, પતિ કે પત્ની ન રહે ત્યારે ખાલી માળો ખાવા ધાય. અમેરિકામાં તો ‘એમ્પ્ટી નેસ્ટ’ નામની સિરિયલ સાત સીઝન સુધી ચાલેલી. એક પાત્રની અતિ પ્રસિદ્ધિ બીજા પાત્રના દુ:ખનું કારણ પણ બની શકે. અન્ય કારણોમાં ત્રીજી વ્યક્તિનો જીવનમાં પ્રવેશ અથવા ઘરની જ કોઈ ત્રીજી વ્યક્તિ (ભાઈ, બહેન કે મા)ને વધુપડતું મહત્ત્વ પણ કડવાશનું કારણ બની શકે. એક વાત તો છે જ કે ઇન્ફડેલિટી/ બેવફાઈ સહન તો નથી જ થતી. એના કરતાં એકબીજાની સંમતિથી સેપરેટ થઈ જવું વધુ સારું. ઇલા આરબ મહેતાની વાર્તા ‘વિસ્તાર’માં મકરંદ ‘બીજી’ સાથે જતો રહે છે ત્યારે મમતાને શરૂમાં અપાર વેદના તો થાય છે પણ પોતાને અસહાય કે દુખી ન સમજતાં એને મુક્તિ અને સ્વયંના વિસ્તારની ક્ષણ ગણી લે છે.
મિત્રો, સ્વ સાથેના સંવાદ માટે સ્વતંત્રતાની જરૂર હોય છે. લગ્ન જ્યારે ખરેખર ન ગમતા બંધન જેવું લાગવા માંડે ત્યારે છૂટાછેડા લઈ લેવા ઉત્તમ. બેટર ટુ સેપરેટ વિથ નો ઇલ ફીલિંગ્સ.
- યોગેશ શાહ