29 August, 2024 11:08 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક તસવીર
આ પ્રશ્ન છે ખાસ એવા લોકો માટે જેઓ ત્રીસી વટાવ્યા પછી લગ્ન માટે જીવનસાથી શોધવા નીકળ્યા છે. ઉંમરના એક પડાવ પછી મૅચ્યોરિટી વચ્ચે પોતાની રીતે જીવવાની આદત પડી ચૂકી હોય ત્યારે સંબંધને ટકાવવા ઇચ્છતા હો તો પાર્ટનર વચ્ચે પરસ્પર વૈવિધ્ય નહીં પણ સરખાપણું હોવું જોઈએ એવું રિલેશનશિપ એક્સપર્ટ્સ માને છે. આજે જરૂરી એવી પાંચ સિમિલારિટીઝ વિશે ચર્ચા કરીએ
આજકાલ કોઈનેય નાની ઉંમરે લગ્ન નથી કરવાં ગમતાં. ‘પહેલાં સેટ થઈ જઈએ પછી લગ્નનું વિચારીશું’ એવા વિચારે લગ્ન માટેનો એક અરસો વીતી જાય છે. અંતે એવી ઉંમરે પહોંચી જવાય છે જ્યાં પરિપક્વતા પૂરબહારે ખીલી હોય અને લગ્નની વિભાવનાઓ બદલાઈ ચૂકી હોય. આવે વખતે જીવનસાથી શોધવામાં તકલીફ થવાનું કારણ ઉંમર નહીં પણ સામેવાળામાં જોવા મળતી બાલીશતા કે લગ્નને ફૅન્ટસીની જેમ જોવાની અણઆવડત હોય છે. આવું ન થાય એ માટે પાકટ વયે લગ્નેચ્છુકે પોતાની રીતે સ્પષ્ટ થવાની જરૂર હોય છે કે તેમને કેવો પાર્ટનર જોઈએ છે અને કેવો નહીં. મૂળે તો આ વયે ભિન્નતા નહીં પણ સમાનતા વધુ આકર્ષે છે. કેવી હોય છે આ સમાનતાઓ? આવો ચર્ચા કરીએ આવી પાંચ સમાનતાઓ વિશે.
જીવનના ત્રણ દાયકા એકલા વિતાવ્યા પછી જીવનસાથીની શોધખોળ વખતે લગ્ન વિશેના વિચારોમાં ધરખમ ફેર આવ્યો હોય છે. ૨૦થી ૨૨ વર્ષની ઉંમરે ‘લગ્ન’ શબ્દ જેમ પેટમાં ગલગલિયાં કરે એમ ત્રીસી વટાવેલા લોકો નથી અનુભવતા. કારણો અનેક છે. એક, તેમણે જીવનસંઘર્ષની એક મજલ કાપી લીધી હોય, બીજું, હૉર્મોન્સ પર પ્રભુત્વ આવ્યું હોય એટલે સામેની વ્યક્તિ વિશેની ધારણાઓ સ્થિર થઈ હોય છે, જીવનસાથીની વિભાવના રોમૅન્ટિક ફૅન્ટસીથી વધીને વાસ્તવિક બની હોય, આર્થિક જવાબદારીઓ મઝધારે હોય, ‘સ્વ’ વિશેના વિચાર વધુ સ્પષ્ટ હોય. આવી જ સ્પષ્ટતા તેમને પોતાના જીવનસાથીમાંય જોઈતી હોય છે. આ વિશે વિગતે વાત કરતાં ફૅમિલી અને મૅરેજ-કાઉન્સેલર સાઇકોલૉજિસ્ટ સુચિત્રા ભીડે શાહ કહે છે, ‘ત્રીસેક વર્ષ પછી જીવનસાથીની શોધ ચાલે ત્યારે તફાવતોને બદલે સમાનતા પર વધુ ભાર મુકાય છે. સમજણ સ્પષ્ટ હોય છે. આ તબક્કે જીવનસાથીની શોધ કરતી વખતે જીવનશૈલી, મૂલ્યો અને લક્ષ્યો તમારી સાથે સંરેખિત હોય એવું પાત્ર શોધવું. આ જીવનની મઝધાર છે, ત્યાં જો અટવાઈ ગયા તો ડૂબવાના ચાન્સ પણ વધારે છે. આ માટે સૌથી વધુ ઍડ્જસ્ટ કરવાનું અને સહનશક્તિ રાખવાનું જરૂરી છે. વ્યક્તિ ગમે એટલી સમાનતા ધરાવે, પણ થોડો તફાવત તો હોવાનો જ. એ તફાવતનો સ્વીકાર કરવાની તૈયારી પૂરેપૂરી હોય તો જ આગળ વધવું જોઈએ.’
ઍક્સેપ્ટન્સમાં સરખાં
પાકટ વયે પોતાના જીવનની લગામ લગભગ પોતાના હાથમાં આવી ચૂકી હોય એવા સમયે જો કોઈ બીજી વ્યક્તિ પોતાના જીવનમાં આવીને ફેરફારો કરવા માંડે એ થોડું તકલીફ તો આપે જ. સુચિત્રા ભીડે શાહ કહે છે, ‘આ સમયે આપણી પાસે ઍડ્જસ્ટ કરવાની માનસિક તૈયારી હોવી જોઈએ. કોઈ બે જણ સંપૂર્ણપણે સમાન નથી. મૂળ જરૂર પડ્યે સમાધાન કરવા તૈયાર રહેવું. ઘણી વાર સંબંધમાં આદતો અને પસંદગીઓ આડે આવે છે. એકને વહેલા સૂવા જોઈએ તો બીજાને મોડે સુધી જાગવા જોઈએ. ચોક્કસ માન્યતા અને કલ્ચર ફૉલો થતાં હોય ત્યારે સમજણ વહારે આવે. જેમની આદતો ઘડાઈ ચૂકી છે તેમની સાથે સ્વીકારથી જ કામ લેવું પડે. સહન પણ કરવું પડે. એકને ઍડ્વેન્ચર ગમે અને બીજાને ઘરમાં ભરાઈ રહેવું ગમે ત્યારે બન્ને જો સમજદારી દાખવી જેને જે કરવું છે એ કરવા દે તો ગાડી સરસ ચાલે. ન ગમતી વાતોનો સ્વીકાર ત્યારે જ થાય જ્યારે સહનશક્તિ અને સમજદારી હોય.’
સાંસ્કૃતિક મૂલ્યોમાં સરખાં
આપણી ધાર્મિક, સમાજિક અને રાજકીય જેવી અંગત માન્યતાઓનું મહત્ત્વ ઘણું છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાનો એક ચોક્કસ મત રાખે છે ત્યારે ઘર દલીલોનો અખાડો ન બને એનું ધ્યાન રાખવું જોઈએ. આ વિશે સુચિત્રાબહેન ભારપૂર્વક કહે છે, ‘કુટુંબ, કારકિર્દી અથવા આધ્યાત્મિકતાથી સંબંધિત આપણાં મૂલ્યો કોઈ પણ સંબંધનો પાયો છે. યુગલોને જીવનના પડકારોને એકસાથે નેવિગેટ કરવામાં મદદ કરે છે. એકના ઘરે કડક ધાર્મિક વાતાવરણ હોય, બીજાને ત્યાં સાવ ફ્રી માહોલ હોય ત્યારે એ બીજી વ્યક્તિ કાયમ સ્ટ્રગલ કરશે અને ધાર્મિક વ્યક્તિને અધાર્મિક વ્યક્તિનોય બોજ લાગશે. એટલે ધર્મ જેવી બાબતે સેમ પેજ પર રહેવું. આજકાલ સૌકોઈ રાજકીય મત રાખે છે ત્યારે એમાંય જોવા મળતો વિરોધાભાસ બેડરૂમનો કજિયો ન બને એ માટે એમાં સમાનતા હોવી જોઈએ.’
આ જીવનની મઝધાર છે, ત્યાં જો અટવાઈ ગયા તો ડૂબવાના ચાન્સ પણ વધારે છે. આ માટે સૌથી વધુ ઍડ્જસ્ટ કરવાનું અને સહનશક્તિ રાખવાનું જરૂરી છે. વ્યક્તિ ગમે એટલી સમાનતા ધરાવે, પણ થોડો તફાવત તો હોવાનો જ. - સુચિત્રા ભીડે શાહ , મૅરેજ-કાઉન્સેલર સાઇકોલૉજિસ્ટ
ઇમોશનલ કમ્પૅટિબિલિટીમાં સરખાં
ભાવનાત્મક સુસંગતતા એટલે કે ઇમોશનલ કમ્પૅટિબિલિટી લગ્નજીવનનું ઈંધણ છે એવું જણાવતાં સુચિત્રાબહેન કહે છે, ‘પરિપક્વ ઉંમરે ભાવનાત્મક સ્થિરતા ચાવીરૂપ હોય છે. યુગલો ખુલ્લેઆમ વાતચીત કરવા, એકબીજાને ભાવનાત્મક ટેકો આપવા સક્ષમ હોવાં જોઈએ. જરૂર પડ્યે એકબીજાને આરામ અને આશ્વાસન આપવાની તૈયારી જોઈએ. બન્ને નોકરી કરીને આવે, થાકેલા હોય તો વહેલો આવનાર પતિ કે પત્ની ચા બનાવી દે, તેના વિશે પૂછપરછ કરે એવું કનેક્શન ત્યારે જ સધાય જ્યારે લાગણી હોય. કોઈ હેલ્થ ઇશ્યુઝ હોય કે શરૂ થયા હોય તો એને સમજવા માટેય ભાવનાત્મક જોડાણ જોઈએ. આમાં રોમૅન્સ વિશેની લાગણીય આવે. પ્રેમ અને તકરાર વ્યક્ત કરવાની મોકળાશ આવે એટલું ભાવનાત્મક જોડાણ તો જોઈએ જ.’
લાઇફસ્ટાઇલમાં સરખાં
આ ઉંમરે લોકો આર્થિક રીતે થોડા સધ્ધર હોય. જવાબદારી સ્થિર હોય, જેમ કે ઘરની લોન ભરવી કે ઘર લેવું, પરિવારનો ખર્ચ, ઇન્વેસ્ટમેન્ટ કે જાત પર ખર્ચો, વગેરે. એક તરફ ઘરના વડીલોથી થોડા અળગા ચાલીને પોતાના આર્થિક નિર્ણયો જાતે જ લેતા હોય ત્યારે બીજું કોઈ લગામ હાથમાં લે એ ન ગમે. એક ઉડાઉ અને બીજું પાઈ-પાઈનો હિસાબ કરે એવું ન ચાલે. પુખ્ત વયે પહોંચતા સુધીમાં જીવનશૈલી તરીકે અમુક આદતો અને દિનચર્યાઓ નક્કી હોય છે. જીવનશૈલી બાબતે એકમત ન હોય તો ઘર્ષણ શક્ય છે. એક જણને ઘરે શાંત સાંજ ગમે અને બીજાને સામાજિક મેળાવડાને પસંદ હોય તો તનાવ થઈ શકે છે. સરખી નહીં તોય ઓછામાં ઓછી તેની પ્રશંસા કરી શકે એવી વ્યક્તિ જીવનસાથી તરીકે પસંદ કરવી.’
રિસ્પેક્ટ અને ટ્રસ્ટમાં સરખાં
લગ્નજીવનમાં આદર એટલું મહત્ત્વનું પાસું છે જે નાની કે મોટી ઉંમરના દરેક લગ્નજીવનનું નિર્ણાયક પાસું છે. આવું જણાવતાં સુચિત્રાબહેન કહે છે, ‘પારસ્પરિક આદર સફળ સંબંધનો પાયો છે. જીવનના આ તબક્કે બન્ને વ્યક્તિઓ વિવિધ અનુભવોમાંથી પસાર થઈ ચૂકી હોય છે, એ અનુભવોનું સન્માન અને સ્વીકાર કરવાનો છે. તમારા જીવનસાથીના ભૂતકાળ, અનુભવો અને તેઓ આજે જે વ્યક્તિ છે બન્યા એની પ્રશંસા કરવી જોઈએ. પરસ્પર આદર વિશ્વાસને ઉત્તેજન આપે છે અને જીવનની ભાગીદારીને મજબૂત બનાવે છે. આજે બધાને ‘મી ટાઇમ’ જોઈએ છે, એ માટે પણ એકબીજાને આદરપૂર્વક સ્પેસ આપવી જોઈએ. અંતે તકરારને ઉકેલવાનું અને સાથે મળીને આગળ વધવાનું સરળ બને છે.’