29 March, 2024 08:15 AM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર
પુરુષો પહેલાં જેવા મૅનલી નથી રહ્યા. સ્ત્રીઓ સાથે ડીલ કરવામાં જ નહીં, ઓવરઑલ પણ તેઓ બહુ જ સૌમ્ય થઈ ગયા છે. એને જ કારણે કદાચ સૌમ્ય પુરુષોની હાલત ઘરમાં બહુ કફોડી થઈ રહી છે. મારો એક દોસ્ત તેની પત્નીથી ખૂબ જ દબાયેલાે છે. પત્નીના હાથનો માર પણ ચૂપચાપ ખાઈ લે, ઘરનું કામ પણ ખભેખભા મિલાવીને કરે અને છતાં તેમની પત્ની કચકચ કરે. મારી વાઇફનું કહેવું છે કે એમાં પણ મારા દોસ્તનો જ વાંક છે. જો કોઈ દાંતિયાં કાઢે તો બહુ સૌમ્ય અને સાલસ ન રહેવાનું હોય. મારી વાઇફ બહુ જ સમજુ છે, પ્રોફેશનલી પણ ઘણી સારી પોઝિશન પર છે. તે મારા દોસ્તને કડક થવાનું અને પત્નીને કાબૂમાં લેવા માટે બળજબરી કરવાનું કહે છે. મેં કહ્યું કે પત્નીને દમદાટી આપવી ઠીક ન કહેવાય તો તે કહે છે કે દોસ્તની ઢીલાશને કારણે જ તે નમાલો થઈ ગયો છે. ક્યારેક મને એ વાત સાચી પણ લાગે છે, પરંતુ શું પત્નીને વળતો જવાબ આપવો એ જ એક રસ્તો છે?
જેટલું તમે લખ્યું છે એના પરથી સમગ્ર પરિસ્થિતિનો તાગ કાઢવો બહુ જ મુશ્કેલ છે. કોઈ સ્ત્રી જ્યારે હાથ ઉપાડવા સુધી પહોંચી જાય ત્યારે એનાં બે કારણો હોઈ શકે છે : કાં તો તે ખૂબ જ ત્રસ્ત થઈ ચૂકી હોય છે કાં પછી તે ખૂબ જ ડૉમિનન્ટ નેચરવાળી હોય છે. જે રીતે સ્ત્રીના સશક્તીરણની વાતોનો દુરુપયોગ થતો આવ્યો છે એ જોતાં હવે સ્ત્રીઓમાં ડૉમિનન્સ વધી રહ્યું છે. તમારી પત્નીની વાત સાવ જ ખોટી નથી લાગતી.
જ્યારે તમને કોઈ ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવા લાગે ત્યારે તમે પણ સશક્ત છો એવું બતાવવું જરૂરી છે. સ્વબચાવ માટે માર્શલ આર્ટ્સ શીખતી દરેક સ્ત્રી કંઈ મારપીટ નથી કરતી, પણ તેની પાસે આત્મવિશ્વાસ એવો હોય છે કે કોઈ ચૂં-ચાં નથી કરી શકતું. એ જ રીતે તમારું વ્યક્તિત્વ એવું છતું કરો કે કોઈ તમને હલકામાં ન લે. ધારો કે કોઈ હળવાશમાં લે તો સામે ફૂંફાડો મારતાં જરૂર આવડવો જ જોઈએ. સાપ ભલે કરડે નહીં, પણ ફૂંફાડો મારવાનું ભૂલી જાય ત્યારે જ એને ટપલાં પડે છે.
બીજું, સંબંધોમાં ક્યાં સમસ્યા છે એ સમજવા માટે સાથે બેસીને વાતચીત કરવાની જરૂર છે. હિંસાનો જવાબ હિંસાથી આપવાથી કંઈ નથી થવાનું. દોસ્ત અને તેની પત્નીને કોઈ કાઉન્સેલર પાસે મોકલો જે બન્નેની વાત સાંભળીને સાચું માર્ગદર્શન આપે.