આપણે સામાજિક રીતે મૉડર્ન થયા, પણ સેક્સના વિષયમાં હજીયે પછાત છીએ

20 May, 2024 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેક્સોલૉજીમાં મૅસ્ટરબેશનને નિર્દોષ આનંદ દર્શાવવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

હમણાં સાવ અનાયાસ જ એક વિડિયો હાથમાં આવ્યો. જ્યોતિષશાસ્ત્રની વાત કરતા એ વિડિયોમાં એક યંગ જ્યોતિષી હતા જે આજકાલ સોશ્યલ મીડિયા પર પુષ્કળ છવાયેલા છે. ફિલ્મ અને બિઝનેસ-ઇન્ડસ્ટ્રીની જાણીતી સેલિબ્રિટીઓ તેમની રેગ્યુલર ક્લાયન્ટ્સ છે અને તેમની સલાહ લેતી હોય છે. આ જ્યોતિષીનો જે ​વિડિયો મારા હાથમાં આવ્યો એ જોઈને મને ખરેખર બહુ અફસોસ થયો. માંડ પાંત્રીસેક વર્ષના એ જ્યોતિષી પોતાના ​વિ​ડિયોમાં નિઃસંતાન દંપતીઓને સલાહ આપતા હતા કે ૪૫ દિવસ બ્રહ્મચર્ય પાળ્યા પછી તમે ફિઝિકલ રિલેશન બાંધશો તો તમને અચૂક બાળક થશે, કારણ કે ૪૫ દિવસમાં તમારા સ્પર્મ-કાઉન્ટ વધી જશે! આ જ મહાશય પોતાના એ ​વિ​ડિયોમાં એવું પણ કહેતા હતા કે યુવાનીકાળમાં જેણે નિયમિત મૅસ્ટરબેશન કર્યું હોય એ પુરુષના સ્પર્મ-કાઉન્ટ ઘટી જતા હોવાથી એવા દંપતીને બાળકો નથી થતાં. આવા આ વાહિયાત જ્ઞાનને જોયા પછી હું ક્યુરિયૉસિટી સાથે એ ​વિ​ડિયોનું રૂટ શોધતો આગળ વધ્યો તો ખબર પડી કે એ ​વિ​ડિયો યુટ્યુબ પરથી લેવામાં આવ્યો છે. આ ​વિ​ડિયોની લાઇક લાખોમાં હતી અને કમેન્ટ હજારોમાં.

મનમાં પ્રશ્ન થાય કે આ પ્રકારની અવૈજ્ઞાનિક વાતોના પ્રચાર બદલ આ જ્યોતિષીની અરેસ્ટ કરાવવી કે પછી અબુધોને તેમની આ પ્રકારની માન​સિકતા માટે ઠપકારવા? મૅસ્ટરબેશન નુકસાનકર્તા છે, એને કારણે સ્પર્મ-કાઉન્ટ ઘટે છે, મૅસ્ટરબેશનને લીધે નબળાઈ આવી જાય છે, મૅસ્ટરબેશનને કારણે પેનિસના શેપ અને સાઇઝમાં પ્રૉબ્લેમ આવે છે એ પ્રકારના સવાલોનો જવાબ જ્યારથી સેક્સોલૉજિસ્ટ બન્યો ત્યારથી આપતો આવ્યો છું. આ એકદમ ખોટી અને વાહિયાત વાત છે. એવું કશું થતું નથી. મૅસ્ટરબેશનથી ક્યારેય કોઈ નુક્સાન થતું નથી, પણ આપણે ત્યાં આ પ્રકારની ભ્રમણા કાં તો ઊંટવૈદ્યો કે ઘોડાના ડૉક્ટરો અકબંધ રાખે છે અને કાં તો માણસ પોતે. થોડા સમય પહેલાં મને એક છોકરીએ પૂછ્યું હતું કે મૅસ્ટરબેશનથી પુરુષોને નુકસાન 

થાય એટલું જ નુકસાન મહિલાઓને પણ થાય? 
એવું કોઈ નુકસાન પુરુષોને નથી થતું કે મહિલાઓેને પણ નથી થતું. આ સવાલ જ્યાં સુધી પુછાતો રહેશે ત્યાં સુધી એવું કહેવાનું મન થયા કરશે કે આપણે ભલે સામાજિક રીતે મૉડર્ન થયા, પણ સેક્સ જેવા વિષયની બાબતમાં તો હજી પણ એટલા જ પછાત છીએ. સેક્સોલૉજીમાં મૅસ્ટરબેશનને નિર્દોષ આનંદ દર્શાવવામાં આવ્યો છે. અરે, મનમાં સતત ચાલતા વિકૃત વિચારોને લગામ આપવાનું અને ઇચ્છાઓને સંયમિત બનાવવાનું કામ પણ એના દ્વારા થઈ શકે છે તો પછી શું કામ કોઈ પ્રવૃત્તિને આટલી હીનતા સાથે જોવી કે દર્શાવવી?

sex and relationships life and style columnists