અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ટાળવા નસબંધી કરું?

12 February, 2024 10:19 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કાયમી નસબંધીના ઑપરેશનને કદાચ કાયદો માન્યતા આપશે, પણ જો ભવિષ્યમાં તમારું મન બદલાયું અને ઘર માંડીને બેસવાનો વિચાર આવ્યો તો જાતને કોસવા સિવાય બીજો વિકલ્પ નહીં રહે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૨ વર્ષ છે. મૅરેજ થયાં, પણ બે જ વર્ષમાં છૂટાછેડા થઈ ગયા. હવે  ભવિષ્યમાં ફરી એવી ભૂલ કરવી નથી. ફિઝિકલ સંતોષ માટે અત્યારે બે ગર્લફ્રેન્ડ છે. તેમની સાથે સારી સેક્સ-લાઇફ માણું છું. તે બન્નેને પણ મારી સાથે લગ્ન કરવામાં રસ નથી. અલબત્ત, મારા અત્યારે બે છોકરીઓ સાથે સંબંધો ચાલે છે એવું તેમને ખબર નથી. મને એ જણાવવાની જરૂર પણ નથી લાગતી. લગ્નસંબંધમાં આગળ ન વધવું હોવાથી બાળકની પળોજણ ઊભી ન થાય એ માટે સાવચેત રહીએ છીએ. છતાં ક્યારેક ભૂલને કારણે અનવૉન્ટેડ પ્રેગ્નન્સી રહી ગઈ છે. બે વાર ગર્ભપાત કરાવ્યા પછી હવે મારે પોતાના તરફથી શ્યૉર રહેવું છે જેથી આવી સ્થિતિ ફરીથી નિર્માણ ન થાય. બીજું, ભવિષ્યમાં ક્યારેય બેમાંથી કોઈ ગર્લફ્રેન્ડ પોતાના બાળકને મારું બાળક ગણાવીને મને ગૂંચમાં ન નાખે એવું પણ મારે જોઈએ છે. એવા સંજોગોમાં જો હું વીર્યમાંના શુક્રાણુવાળી મારી નળી જ કાયમી ધોરણે બંધ કરાવી લઉં એવું શક્ય છે? શું ભવિષ્યમાં બાળકને લઈને કોઈ સવાલ ખડો થાય તો મારું નસબંધીનું ઑપરેશન અથવા તો વીર્યમાં શુક્રાણુ નથી એની સાબિતી મારી ફેવરમાં કામ કરે? 
કાંદિવલી

ભાઈ, તમે ખરેખર જ ખૂબ રિસ્કી ઝોનમાં જીવી રહ્યા છો. લગ્ન નથી કરવાં છતાં સેક્સ-લાઇફ માટે બે ગર્લફ્રેન્ડ રાખવી અને પછી બાળકની ઝંઝટથી છુટકારો કેમ કરીને મેળવવો એની ચિંતા કરવી. એક વાર લગ્ન નિષ્ફળ ગયાં એનાં કારણો સમજ્યા વિના તમે લગ્નવ્યવસ્થાથી દૂર ભાગવાની કોશિશ કરતા હશો, પણ જવાબદારી અને સમસ્યાઓ કોઈ પણ સંબંધમાં આડે આવવાની જ છે. માત્ર સામાજિક દૃષ્ટિએ જ નહીં, તમારા પોતાના માટે પણ ઠીક નથી. આજે ૩૨ વર્ષની ઉંમરે ધારો કે તમે તમારી મનમાની કરીને નસબંધી કરાવી પણ લીધી તો એની શું ગૅરન્ટી કે આવનારાં પાંચ-પંદર વર્ષમાં તમારું મન નહીં બદલાય? યુવાનીના જોશમાં અત્યારે તમારે પત્ની અને બાળકોની જવાબદારીથી ભાગવું છે, પણ આગળ જતાં જ્યારે ખરેખર સેક્સ સિવાય પણ કોઈના સાથની જરૂર મહેસૂસ થશે એ વખતે શું? કોઈ પણ ​નિર્ણય તમે આજની ઇચ્છાઓ પર ન લો, બલ્કે ભવિષ્યનું વિચારીને જીવનને લાંબા ગાળાથી ચકાસીને પછી લો.

કાયમી નસબંધીના ઑપરેશનને કદાચ કાયદો માન્યતા આપશે, પણ જો ભવિષ્યમાં તમારું મન બદલાયું અને ઘર માંડીને બેસવાનો વિચાર આવ્યો તો જાતને કોસવા સિવાય બીજો વિકલ્પ નહીં રહે.

sex and relationships life and style columnists