ક્યારેક બનતી ઘટના માટે જાતને દોષ આપવો એ પણ એક પ્રકારની ભૂલ જ છે

13 May, 2024 08:00 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

જાતને દોષ આપીને ગિલ્ટ ઊભું કરવાને બદલે કોઈ સારા સાયકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં થોડાં વર્ષોથી અને સ્પેસિફિક થઈને કહીએ તો લૉકડાઉનથી આપણે ત્યાં ઓવર-ધ-ટૉપ (OTT)નું ચલણ વધ્યું છે. સેન્સરશિપ નહીં હોવાને કારણે OTT પર આવતા શોમાં બીભત્સતાનું પ્રમાણ પણ એને કારણે વધ્યું અને કહી શકાય કે દર્શાવવામાં આવતી ન્યુડિટીને કારણે સોસાયટીમાં સેક્સ્યુઅલ વિઝ્‍યુઅલ્સની આદત પણ વધવાની શરૂ થઈ ગઈ. ત્રીસેક વર્ષની એક છોકરીનો મને હમણાં ફોન આવ્યો આ જ વિષય પર વાત કરવા માટે. તેના મનમાં એ સ્તરે સંકોચ હતો કે તેણે રૂબરૂ આવવાનું ટાળ્યું અને એવું પણ કહ્યું કે મારે જે વાત કરવી છે એ હું સંકોચને કારણે પર્સનલી નહીં કહી શકું. તમને ઑનલાઇન પેમેન્ટથી ઍડ્વાન્સ ફી આપવા માટે પણ હું રેડી છું. ફી કરતાં મને તેના સવાલમાં ઇન્ટરેસ્ટ પડ્યો એટલે મેં વાત ચાલુ રાખી. 

એ છોકરીએ કહ્યું કે છેલ્લા થોડા સમયથી તે સમયાંતરે OTT પ્લૅટફૉર્મ પર સેક્સ્યુઅલી અબ્યુઝ કરવામાં આવતી હોય એવી વેબ-સિરીઝ જુએ અને જો એ ન મળે તો પૉર્ન-વિડિયો જુએ છે. એ જોયા પછી તેને એવું ફીલ થાય છે કે પોતે બહુ મોટું પાપ કરી નાખ્યું. ધાર્મિક ફૅમિલી બૅકગ્રાઉન્ડ હોવાને કારણે ત્યાર પછી તે ઉપવાસ અને બીજાં વ્રત કરીને પોતે જે પાપ કર્યું છે એને માટે પ્રાયશ્ચિત્ત કરે છે, પણ થોડા જ દિવસમાં તેની પેલાં વિઝ્‍યુઅલ્સ ધરાવતાં હોય એવી વેબ-સિરીઝ જોવાની ફરી ઇચ્છા થાય છે. એ બહેન પહેલાં નહોતાં જેમણે મને આ પ્રકારની વાત કરી હોય. અગાઉ પણ આ જ પ્રકારની ફરિયાદ સાથે બે-ત્રણ છોકરીઓ વાત કરી ચૂકી હતી. હકીકત એ છે કે તેઓ જે કરે છે એ સહેજ પણ ખોટું નથી. ઊલટું પોતે નૉર્મલ છે એની આ નિશાની છે. આ પ્રકારનું કન્ટેન્ટ જોવું એ હિતાવહ ત્યારે નથી જ્યારે એની માત્રા વધી જાય અને તમને એ જોયા વિના ચાલે જ નહીં, પણ ધારો કે ક્યારેક એવું મન થાય અને તમે એવું કંઈક જોઈ કે વાંચી લો તો એને માનવસહજ સ્વભાવ ગણીને જાતને કોસવાની જરૂર નથી.

સેક્સ એક એવો વિષય છે જે જિજ્ઞાસાના આધારે જ ખેડાવો શરૂ થયો અને વાત્સ્યાયને પણ એ જ ક્યુરિયોસિટીને ધ્યાનમાં રાખીને દુનિયાને કામસૂત્ર આપ્યું. જિજ્ઞાસા કે પછી ઇચ્છાના જોરે જો ક્યારેક આવું બનતું હોય તો જાતને દોષ આપવાને બદલે એનો આનંદ લેવો જોઈએ અને જો એ નિયમિત બને તો પણ જાતને દોષ આપીને ગિલ્ટ ઊભું કરવાને બદલે કોઈ સારા સાયકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ.

sex and relationships life and style columnists