02 January, 2025 09:43 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
જી હા, હવે ગ્રહો મેળવવા કરતાં પણ છોકરા કે છોકરીના કૅરૅક્ટરની તપાસમાં તેમણે કહેલી વાતો મળવી જરૂરી છે એ વાત ઘણા પરિવારોને સમજાઈ ગઈ છે અને એટલે જ મૅરેજની માર્કેટમાં ડિટેક્ટિવ્સની બોલબાલા વધી રહી છે. જેમ-જેમ લગ્નસંબંધમાં વિવિધ મૅટ્રિમોનિયલ સાઇટ અને ઑનલાઇન રિલેશનશિપનું ચલણ વધ્યું છે એમ તેમની સચ્ચાઈનાં પારખાંની જરૂરિયાત પણ ઊભી થઈ છે. અમે મુંબઈના ડિટેક્ટિવ્સ પાસેથી જાણ્યું કે તેમની પાસે પ્રીવેડિંગ જાસૂસીની સર્વિસ માટે આવતા લોકોની શું ડિમાન્ડ હોય છે અને આવા કેસોમાં તપાસ દરમ્યાન કેવી-કેવી વાતો જાણવા મળે છે
છેલ્લાં ચોવીસ વર્ષથી ડિટેક્ટિવ તરીકે સક્રિય મૂળ દિલ્હીની ભાવના પલ્લીવાલ પાસે અત્યારે શ્વાસ લેવાનો પણ સમય નથી હોતો. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી પ્રાઇવેટ ડિટેક્ટિવ તરીકે સક્રિય આ લેડી ડિટેક્ટિવ પાસે લગ્ન પહેલાં સામા પાત્રની તપાસ કરવાની ડિમાન્ડ સાથે આવતા કેસની ભરમાર છે. ઇન ફૅક્ટ, મુંબઈના જાસૂસોના પણ આ જ હાલ છે અને આવનારા સમયમાં આ પરિસ્થિતિ વધુ ડિમાન્ડિંગ બનશે, વધુ ને વધુ લોકો પ્રીવેડિંગ ઇન્વેસ્ટિગેશન કરાવશે એવું આ ક્ષેત્રના નિષ્ણાતો માને છે.
લગ્નની બજારમાં પ્રીવેડિંગ શૂટની બોલબાલા તો હતી જ પણ પ્રીવેડિંગ ઇન્વેસ્ટિગેશનનો ટ્રેન્ડ ક્યારથી અને કયા કારણથી શરૂ થયો? ખરેખર આ ઇન્વેસ્ટિગેશનમાં કંઈ મળતું હોય છે અને આ ઇન્વેસ્ટિગેશનનો ખર્ચ કેટલો આવતો હોય છે જેવા અનેક સવાલોના જવાબ સાથે આ આખા મુદ્દાને સમજીએ.
પ્રીવેડિંગ ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્ટિવ પાસે આવેલા ૧૦૦ કેસમાંથી લગભગ ૬૦ કેસમાં કંઈક ને કંઈક ગરબડ નીકળતી હોય છે. ડિટેક્ટિવ હાયર કરવામાં દસથી સાઠ હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે.
ટેક્નૉલૉજી સાથે બદલાયો ટ્રેન્ડ
‘પહેલાં આપસમાં ઓળખીતા-પાળખીતાઓના રેકમન્ડેશનથી લગ્ન થતાં. સમાજમાં જ લગ્ન થતાં અને સમાજનું બંધારણ એ રીતે જોડાયેલું હતું કે લગભગ બધાને જ બધી ખબર હતી,’ છેલ્લાં ત્રીસેક વર્ષથી ડિટેક્ટિવ તરીકે સક્રિય અને PDA ડિટેક્ટિવ એજન્સીના ફાઉન્ડર પ્રશાંત જાધવ કહે છે, ‘આજે લોકો ઑનલાઇન મળે છે અને લગ્નસંબંધમાં જોડાય છે. ખાસ કરીને મૅટ્રિમોનિયલ સાઇટ પર બાયોડેટા જોઈને પાત્રની પસંદગી થતી હોય ત્યારે તેની ફેસવૅલ્યુના આધારે જ તમે આગળ વધતા હો છો. બન્યું એવું કે આ ફેસવૅલ્યુ એ વ્યક્તિની રિયલ તસવીર ન હોય એવા કિસ્સાઓ વધવા માંડ્યા. લગ્નમાં છેતરપિંડીના વધતા બનાવોએ લોકોને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર તરફ જોતા કર્યા કારણ કે લગ્ન પહેલાં કોઈ પણ છેતરપિંડી થયા વિના તો પોલીસ એમાં ઇન્વૉલ્વ ન થઈ શકે. ઍડ્વાન્સ તપાસ માટે કાં તો વ્યક્તિ પોતે એવી શાર્પ હોવી જોઈએ કે જે તેની સામેના પાત્રની સાચી-જૂઠી બાબત ઓળખી શકે. જોકે તમે કોઈનો ફોટો જોઈને કે તેની વાતોમાંથી સીધો જ એનો અંદાજ નથી લગાવી શકતા એ પણ હકીકત છે.’
આ જ વાતને આગળ વધારતાં છેલ્લાં દસ વર્ષથી હાર્ડ એવિડન્સ ડિટેક્ટિવ નામની કંપની ચલાવતા સલીમ ચારણિયા કહે છે, ‘૨૦૧૮થી આ પ્રકારની ઇન્ક્વાયરી વધી છે અને ખરેખર કહું તો ઘણા કિસ્સાઓમાં અમે લોકોને ફસાતાં અટકાવ્યા પણ છે. સોશ્યલ મીડિયા અને AIના જમાનામાં પોતાની ફેક આઇડેન્ટિટી ઊભી કરીને ખોટા દેખાડા કરવાનું બહુ જ ઈઝી બની ગયું છે. લોકો મુંબઈમાં રહીને અમેરિકાથી વાત કરું છું એવા ફેક ફોન-નંબર સુધ્ધાં ક્રીએટ કરી દેતા હોય છે. બીજું, મૅટ્રિમોનિયલ સાઇટ પર ફેક પ્રોફાઇલ્સ વધતા જાય છે. એક આખી નવી મોડસ ઑપરેન્ડી છે જેમાં લગ્ન કરીને અથવા લગ્ન પહેલાં જ છોકરો અને છોકરી બન્ને પૈસા પડાવવાના ધ્યેયથી જ આવતાં હોય છે. કાં તો બિઝનેસના નામે ઉધાર પૈસા માગે અથવા ઍલિમનીની મોટી રકમ પડાવવા માટે લગ્નનો સ્વાંગ રચે.’
તપાસમાં શું કરાય?
અત્યારે એક જાણીતા ડિટેક્ટિવ પાસે મહિનાના લગભગ ૧૦૦થી વધુ ઇન્ક્વાયરી-કૉલ આવતા હોય છે. કેટલાક કેસમાં ફોન પર જ ગાઇડન્સ આપીને ક્લાયન્ટને જાતે જ પ્રાથમિક તપાસ દ્વારા સત્ય જાણવા માટે પણ ડિટેક્ટિવ ઍડ્વાઇસ આપતા હોય છે. પ્રશાંત જાધવ કહે છે, ‘વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ ચકાસવું જરૂરી છે; પણ કયું બૅકગ્રાઉન્ડ, જે તે દેખાડવા માગે છે એ કે જે ખરેખર છે એ? સામાન્ય રીતે જો તમે તેના ખાસ મિત્રો સાથે વાત કરો, તેમનાં મ્યુચ્યુઅલ કનેક્શન જુઓ તો પણ ઘણી વાર સત્ય બહાર આવી જતું હોય છે. જોકે એના માટે તમારી શાર્પનેસ મહત્ત્વની હોય છે. વ્યક્તિ પોતે જ્યારે પોતાના માટે આ તપાસ કરવા જાય ત્યારે બાયસ થવાની સંભાવના વધારે હોય છે. અમારી પાસે કેસ આવે ત્યારે આખી ટીમ એકસાથે અલગ-અલગ ઍન્ગલ પર તપાસ માટે મંડી પડતી હોય છે. સામે ભલે પેલી વ્યક્તિ ગમે તેવું સ્વીટ બિહેવ કરતી હોય પણ બહાર નીકળે ત્યારે અન્ય લોકો સાથે તેનો વ્યવહાર કેવો હોય છે, કોઈ તેની કોઈ વસ્તુને નુકસાન પહોંચાડે ત્યારે તે કેવી રીતે રીઍક્ટ કરે છે; જેમ કે તેની ગાડીને કોઈ અન્ય ગાડીએ ટક્કર મારી તો તેનું રીઍક્શન શું હોય. તેના ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ સાથેનો તેનો વ્યવહાર, તેના અન્ય કોઈ અફેર્સ તો નથીને, તેનું મેડિકલ બૅકગ્રાઉન્ડ, તેનું ફાઇનૅન્શિયલ અને ફૅમિલી બૅકગ્રાઉન્ડ, તેનું ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ જેવું બધું જ જોવામાં આવતું હોય છે. ઘણા કિસ્સાઓ એવા મળ્યા છે જેમાં તે લગ્ને-લગ્ને કુંવારો હોય અથવા તો એક બાજુ સગાઈ કરવાનો હોય અને ઑલરેડી તેની ગર્લફ્રેન્ડ હોય. છોકરો અને છોકરી બન્નેમાં એવા કિસ્સા અમને મળ્યા છે જેમાં તેઓ દરરોજ જુદા-જુદા પાર્ટનર સાથે હોય. એક કેસ આવ્યો હતો જેમાં છોકરી સાથે લગ્નનું વચન આપીને તેની પાસેથી પંદર લાખ રૂપિયા પડાવ્યા પછી છોકરો ગાયબ થઈ ગયો. છોકરીએ તપાસ માટે અમારો સંપર્ક કર્યો. અમને પ્રાઇમરી માહિતીમાં માત્ર તેનો નંબર મળેલો જે નંબર બંધ થઈ ગયો હતો. તેઓ હંમેશાં યુવતીના ઘરે જ મળતા. જોકે એક ક્લુ મળી જેમાં છોકરીની બિલ્ડિંગના CCTV કૅમેરામાંથી પેલો જે ગાડીમાં આવતો હતો એ ગાડીનો નંબર મળ્યો. ગાડીના નંબરમાંથી અમને ઍડ્રેસ અને એક ફોન-નંબર મળ્યો. ઍડ્રેસ તો ખોટું હતું, પણ ફોન-નંબર સાચો હતો. એ ફોન-નંબરના ડેટામાંથી ખબર પડી કે આ નંબર પરથી સ્વિગી અને ઝોમાટો પર ઑર્ડર થાય છે. એ પછી કંપનીમાંથી આ ઑર્ડર ક્યાં જાય છે ઍડ્રેસની તપાસ કરાવી તો એક અન્ય યુવતીના ઘરનું ઍડ્રેસ મળ્યું. અમે ફોટો દેખાડ્યો તો તે છોકરાને ઓળખી ગઈ. પેલાએ આ છોકરી સાથે પણ સગાઈ કરીને લગ્નનું વચન આપેલું. એ દરમ્યાન આવી અન્ય ત્રણ છોકરીઓના સંપર્ક મળ્યા જેનો રેફરન્સ પણ ફૂડ ડિલિવરી કંપની પાસેથી મળેલો. આખરે એ પકડાયો. લગભગ આઠ છોકરીઓ સાથે તેણે આ રીતે છેતરપિંડી કરી હતી. આવા તો ઘણા કિસ્સાઓ હોય છે. ગામમાં લગ્ન કરી દીધાં હોય અને અહીં કુંવારો બનીને ફરી લગ્ન કરે. એક જ શહેરમાં બે કે ત્રણ જણ સાથે લગ્ન કરીને બેઠો હોય. ક્રિમિનલ રેકૉર્ડ હોય, કોઈ બીમારી છુપાવી રહ્યા હોય, જૉબ જે કહી હોય એના કરતાં જુદી હોય જેવા અઢળક કિસ્સા મળતા હોય છે. તમને કહું કે ૧૦૦ કેસમાંથી ૬૦ ટકામાં ફ્રૉડ નીકળે. એનું એક કારણ એ છે કે જ્યારે પાર્ટીને પોતાને ડાઉટ ગયો હોય એ પછી જ વાત અમારા સુધી પહોંચતી હોય છે.’
આવા જ એક બીજા કિસ્સાનું વર્ણન કરતાં સલીમ ચારણિયા કહે છે, ‘એક લેડીની તપાસ કરવાનો કેસ આવ્યો. કુંવારી છે અને પહેલી વાર લગ્ન કરી રહી છે એવો તેણે દાવો કરેલો પણ તપાસ કરી તો ખબર પડી કે મૅડમનાં ઑલરેડી બે વાર લગ્ન થઈ ચૂક્યાં હતાં અને જુદી-જુદી જુરિસ્ડિક્શનની કોર્ટમાં તેણે પોતાના બન્ને એક્ઝિસ્ટિંગ પાર્ટનર વિરુદ્ધ દહેજ અને ડોમેસ્ટિક વાયલન્સનો કેસ નાખેલો. આ સ્કૅન્ડલમાં તેની મમ્મી પણ તેની સાથે જોડાયેલી હતી. ડિવૉર્સ લીધા વિના તે ત્રીજાં લગ્ન કરવા જઈ રહી હતી અને ઍલિમનીના નામે પૈસા પડાવવાની લગ્ન તેના માટે માત્ર એક તરકીબ હતાં.’
ખર્ચ કેટલો થાય?
સામાન્ય રીતે ડિટેક્ટિવ હાયર કરવામાં દસથી સાઠ હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પ્રશાંત જાધવ કહે છે, ‘તમારે કેટલા સ્તરની તપાસ કરાવવાની છે એના પર ચાર્જ નક્કી થાય છે. જ્યારે તમે ઊંડાણમાં તપાસ કરાવવા માગતા હો અને તેના જીવનના દરેક પાસાની છાનબીન તમારું લક્ષ્ય હોય ત્યારે અમારે લાંબો સમય રેકી કરવાની સાથે તેના નજીકના સર્કલમાં ઘૂસીને માહિતી કઢાવવી પડતી હોય છે, જેના માટે અમારો પણ ખાસ્સો એક્સપેન્સ થતો હોય છે જે ક્લાયન્ટ પાસેથી જ આવે. ફોટો, વિડિયોઝ, ચૅટ અને અન્ય ડૉક્યુમેન્ટ વગેરેમાંથી અમારી પાસે જે ઍક્સેસિબલ હોય એ એવિડન્સ તરીકે અમે ક્લાયન્ટને આપીએ છીએ. જોકે લગ્ન આખા જીવનનો સવાલ છે અને સામાન્ય રીતે પણ પાંચ-સાત લાખ રૂપિયા લગ્નમાં થતો ખર્ચ જુઓ તો આ પચાસ હજાર રૂપિયા કંઈ જ ન કહેવાય. ખાસ કરીને જ્યારે તમે સાવ અજાણી વ્યક્તિ પર ભરોસો મૂકતા હો ત્યારે તો એ અનિવાર્ય થઈ પડે છે.’
લગ્નસંબંધમાં જોડાતા પહેલાં તપાસ માટે યાદ રાખજો આ ટિપ્સ
લગ્નમાં થતા ફ્રૉડથી બચવા માટે આપણે આપણા પક્ષેથી શું કરી શકીએ એ વિશે ત્રણ દાયકાના અનુભવી ડિટેક્ટિવ પ્રશાંત જાધવ કહે છે, ‘ચોખ્ખી વાત કરો. આજે લોકો શરમને કારણે સ્ટ્રેટફૉર્વર્ડ થતાં અચકાય છે, જેની જરૂર નથી. જેમ કે મેડિકલ ચેકઅપ તમે પોતે જ તમારા ડૉક્ટર પાસે કરાવી શકો જેનાથી તેને કોઈ બીમારી છે કે નહીં એની સમજ પડી જાય. તેણે જ્યાં નોકરી કરવાનો દાવો કર્યો છે કે તેની સૅલેરીની જે વાતો કરી છે કે પોતે જ્યાં રહે છે એ જગ્યાની જે વાતો કરી છે એ બધાના જ ડૉક્યુમેન્ટ્સ માગો તેની પાસે. તેની સ્કૂલનાં સર્ટિફિકેટ પણ તમને ઘણા આઇડિયા આપશે. તેના ફ્રેન્ડ્સ સાથે વાતો કરીને તેની પાસેથી પણ માહિતી કઢાવી શકો. તમારા ફ્રેન્ડ્સને તેના ફ્રેન્ડ્સ સાથે દોસ્તી વધારવાનું કહીને તેમના થકી પણ તમે માહિતી મેળવી શકો. તેણે તમારી સાથે શૅર કરેલી વાતોને ચાર-પાંચ વાર ક્રૉસ-વેરિફાય કરો તેના ફ્રેન્ડ્સ અથવા ફૅમિલી સાથે. કોઈને ખબર ન પડે એ રીતે. જો માણસ જુઠ્ઠો હશે તો મોટા ભાગે આ બધા પ્રયાસોમાં ક્યાંક તો પકડાઈ જ જશે. લગ્નમાં ઉતાવળ નહીં કરો. કોઈ ઉતાવળ કરે તો એનાં કારણ જાણવાની કોશિશ કરો. કેમ તે અમુક સમયે વાત નથી કરતી કે કેમ અમુક સમયે ફોન સ્વિચ્ડ ઑફ કરી દે છે જેવા પ્રશ્નો થવા જોઈએ અને જવાબ શોધવા જોઈએ. સ્પેસ આપવી જોઈએ, પણ એક વાર પારખું થઈ જાય પછી.’