05 May, 2023 05:09 PM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હવે તો હું આધેડ વયનો થઈ ગયો, પણ મને નાનપણથી નખ ખોતરવાની આદત હતી. સારી વાત એ છે કે છેલ્લાં થોડાં વરસોમાં એ છૂટી ગઈ છે. જોકે બકરી કાઢતાં ઊંટ પેઠું છે. હવે મને નખની આજુબાજુની ત્વચા ખાવાની આદત પડી ગઈ છે. પાંચ-પંદર માણસની વચ્ચે બેઠો હોઉં તો પણ અજાણતાં જ આંગળી મોંમાં જાય અને ત્વચા ખોતરવાનું શરૂ થઈ જાય. લોકો મારા માટે શું વિચારતા હશે? કહેવાય છે કે આવું વર્તન આત્મવિશ્વાસની કમી દર્શાવે છે. આ આદત છોડવાનો કોઈ રસ્તો હોય તો બતાવો.
કેટલીક બાબતો અજાણપણે તમારાથી થઈ જાય છે અને વારંવાર તમે એ જ કર્યા કરો એનું કારણ હોય છે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડરને કારણે. ઍન્ગ્ઝાયટીને કારણે વ્યક્તિ અંદરથી બહુ બેચેની અનુભવતી હોય ત્યારે તે નેઇલ બાઇટિંગ જેવી પ્રવૃત્તિઓ તરફ અનાયાસે વળી જતી હોય છે. જોકે આ એક આદત છે જેને તમે ધારો તો આરામથી કન્ટ્રોલમાં લઈ શકો છો. નેઇલ બાઇટિંગની આદત પર કાબૂ મેળવવો હોય તો સૌથી પહેલાં તમારા પોતાના શ્વાસની ગતિ પર કાબૂ કરવો જરૂરી છે. જ્યારે પણ તમને લાગે કે મનમાં વિચારોની ગતિ વધી ગઈ છે ત્યારે ઊંડાં અને લાંબા શ્વાસ લેવા અને કાઢવા.
કોઈ તમારી આ ઍક્ટને કારણે શું વિચારતા હશે એની ચિંતા કરવાની જરૂર નથી. એ ચિંતા તમને વધુ લો કૉન્ફિડન્સ આપશે અને વધુ વ્યગ્રતાને કારણે નેઇલ બાઇટિંગ કન્ટ્રોલ કરવું અઘરું થઈ જશે.
નખ ખોતરવાનું વ્યક્તિ અભાનપણે કરતી હોય છે. તેને પોતાને ખબર નથી હોતી કે ક્યારે તેનો હાથ મોંમાં જતો રહ્યો. આ બાબતે સભાનતા આવે એ માટે કડવા રસવાળી ટ્રાન્સપરન્ટ નેઇલ પૉલિશ જેવું નખ પર લગાવી શકાય. કડવો રસ મોંમાં જતાં જ તમે અભાન અવસ્થામાંથી જાગશો અને એક વાર અવેરનેસ આવ્યા પછી નખ ચાવવાનું તમે કન્ટ્રોલ કરી શકશો.
બીજો એક અક્સીર ઉપાય છે હાથને બીજે વ્યસ્ત કરી દેવાનો. જોકે આ બીજી વ્યસ્તતા ઊલમાંથી ચૂલમાં પડવા જેવી ન હોવી જોઈએ. નખ છોડીને ત્વચા ચાવવા લાગો એવું ન થવું જોઈએ. હાથમાં તમે સ્માઇલી બૉલ અથવા તો ડિજિટલ કાઉન્ટર જેવું કંઈક રાખી શકો. આંગળીઓ આવી ચીજોને રમાડવામાં કે કાઉન્ટ કરવામાં વ્યસ્ત રહેશે તો નખ-ત્વચા ચાવવાનું આપમેળે ઘટી જશે.