21 April, 2023 05:05 PM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અત્યારે હું ટ્રેઇની તરીકે કામ કરું છું. ફાઇનલ યરની એક્ઝામ પછી તરત જ મારું બ્રેક-અપ થઈ ગયું હતું. કૉલેજ બંધ થઈ ગઈ હોવાથી બીજા દોસ્તો સાથે પણ મળવાનું ઓછું થઈ ગયું છે. ચાર મહિનાથી હું સિંગલ છું અને એ જ દરમ્યાન નવી ઑફિસમાં કામ કરતી છોકરી પસંદ આવી છે. તે મને ખાસ ભાવ નથી આપતી એટલે બહુ ફ્રસ્ટ્રેટ ફીલ કરું છું. નવી જગ્યા હોવાથી ઑફિસમાં બહુ ઓછા લોકો સાથે વાત કરવાની કમ્ફર્ટ છે. કૉલેજની એક છોકરી સોશ્યલ મીડિયા થકી ટચમાં આવી છે. તેને મારામાં ઇન્ટરેસ્ટ હોય એવું લાગે છે. તેની સાથે કૉફી પીવા ગયેલો ત્યારે બહુ સારું લાગેલું. મને સમજાતું નથી કે જેને મારામાં રસ છે તેને પસંદ કરી લઉં કે ઑફિસવાળી જે મને ગમે છે તેની રાહ જોઉં?
તમે ચાર મહિનાથી સિંગલ છો, પરંતુ મિંગલ થવા માટે બહુ જ ડેસ્પરેટ હો એવું નથી લાગતું? જસ્ટ એક સંબંધમાંથી બહાર આવ્યા છો ત્યારે એ ફીલિંગમાંથી બહાર નીકળવા માટે પણ થોડોક સમય તો જાતને આપવો જોઈએને? એવું નથી કે બ્રેક-અપનું દુખ લઈને ફરવું જોઈએ, પણ સંબંધ તૂટ્યા પછી એ કેમ તૂટ્યો એનાં કારણો ઑબ્જેક્ટિવલી સમજી શકાય એટલું આત્મમંથનનો સમય તો જાત સાથે ગાળવો જ જોઈએ.
એવું કહેવાય છે કે જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે ગ્રોસરી શૉપિંગ માટે ન જવું. એવી જ રીતે જ્યારે તમે લોન્લી ફીલ કરતા હો ત્યારે કોઈ રોમૅન્ટિક સંબંધમાં કૂદી ન પડવું. ભૂખ્યા હો ત્યારે તમે જરૂરી ન હોય એવી અને એટલીબધી ચીજો તમારી શૉપિંગ કાર્ટમાં ભરી દો એવું બનવાની સંભાવના વધારે હોય છે. એવી જ રીતે કોઈક કમ્પેનિયન તો જોઈએ જ એવું ડેસ્પરેશન જ્યારે વ્યક્તિમાં હોય ત્યારે ખોટી પસંદગી થઈ જાય એવી સંભાવનાઓ વધારે રહે છે.
અત્યારે બેમાંથી એકેયની પસંદગી કરવાની ઉતાવળની જરાય જરૂર નથી. જસ્ટ તમારી જાતને સમજવા માટે સમય આપો. તમે જે કરો છો એ કામને એન્જૉય કરો. રોમૅન્ટિક રિલેશનશિપ ન હોય તો જીવન સૂનું-સૂનું લાગે છે એવું માનવાનું બંધ કરો. નક્કી કરો કે હમણાં ત્રણ-ચાર મહિના તમે માત્ર કરીઅરને ફોકસ કરશો. કોઈનેય ઇમ્પ્રેસ કરવાની કે ઉતાવળે રિલેશનશિપમાં કમિટ ન કરો. જ્યારે તમે ડેસ્પરેશનમાંથી બહાર આવશો એ પછી જે દોસ્તીનું સ્ટેટસ હોય એમાંથી પસંદગી કરવાનું સરળ થઈ જશે.