21 October, 2024 04:26 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક તસવીર
રિલેશનશિપને સદા તરોતાજા રાખવા માટે જાતજાતના ફન્ડા નિષ્ણાતો દ્વારા બહાર પાડવામાં આવે છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર રિલેશનશિપનો 2:2:2 રેશિયો ધરાવતો ફન્ડા ખૂબ ચર્ચામાં છે. બે વ્યક્તિને થોડીક પાસે અને થોડીક દૂર રાખતો મૅજિકલ આંકડો એકમેક સાથે સમય સ્પેન્ડ કરવાના વિવિધ ફન્ડા રજૂ કરે છે. ચાલો આજે જાણીએ તમારા માટે મૅજિકલ ફૉર્મ્યુલાનો કયો ફન્ડા કામનો છે એ
દરેક વ્યક્તિ જુદી હોય છે એટલે બે વ્યક્તિઓનું જોડાણ તો એથીયે યુનિક હોવાનું. એ જોડાણ પછીના સહજીવનના વિવિધ તબક્કામાં જેમ પૅશનેટ ઇન્ટિમસી મહત્ત્વની છે એટલી જ મહત્ત્વની છે બન્ને વચ્ચે થોડી સ્પેસ બને.
લગ્નજીવન હોય કે લગ્ન પહેલાંનો કોર્ટશિપ પિરિયડ ચાલુ હોય, એકબીજાને સમય આપવો એ સંબંધની પહેલી અને છેલ્લી શરત છે. યુગલો જે-તે કારણમાં અટવાઈને એકબીજાને સમય આપવાનું ચૂકે ત્યારે તેમની વચ્ચે ગેરસમજની ખાઈ સર્જાય છે. એની સામે અમુક પાર્ટનર એકબીજાનું પૂંછડું બનીને ફરતાં હોય ત્યારે શરૂઆતમાં તો ખબર ન પડે, પણ લાંબા ગાળે આ સંબંધમાં પર્સનલ સ્પેસના અભાવે ગૂંગળામણ અનુભવાય છે. આ બન્ને દાખલાઓમાં સમજીવિચારીને એક બૉટમલાઇન નક્કી કરવી જરૂરી છે. આવી બૉટમલાઇન શું હોઈ શકે? આવો જાણીએ રિલેશનશિપ ફૉર્મ્યુલા 2:2:2ના રેફરન્સથી.
જ્યારે એકબીજા માટે સમય નથી હોતો ત્યારે
ઇન્ટરનેટમાં લોકપ્રિય થઈ રહેલો આ ટ્રેન્ડ આમ તો ૨૦૧૫થી ચર્ચામાં છે, પણ આજકાલ ફરી એ ચર્ચામાં છે, કારણ છે ફાસ્ટ લાઇફમાં ફાસ્ટમફાસ્ટ દોડતાં-ભાગતાં અને થાકી જતાં યુગલો પાસે જોવા મળતી સમયની ખેંચ! આ ટ્રેન્ડ વર્કિંગ પ્રોફેશનલ, ડિસ્ટન્ટ રિલેશનશિપ કપલ્સ માટે તો રામબાણ ઇલાજ સાબિત થયો છે. એકબીજાનો સાથ ઝંખવા સ્ટ્રગલ કરતા કપલ માટે 2:2:2 રેશિયો આપે છે એક સીધોસાદો નિયમ, જેનાથી કપલ ક્વૉલિટી ટાઇમ વિતાવીને પોતાના સહજીવનને ધબકતું રાખી શકે છે. આ નિયમ આ રહ્યો...
2: દર બે અઠવાડિયે એક વાર ડેટ નાઇટ પર જવું
2: દર બે મહિને એક વખત એક વીક-એન્ડ બહાર જતાં રહેવું
2: દર બે વર્ષે એકાદ અઠવાડિયા જેટલો સમય સાથે વેકેશન માણવું
આ નિયમની લોકપ્રિયતા એની પાછળનું સીધુંસાદું લૉજિક છે એવું જણાવતાં અંધેરી-વેસ્ટમાં આવેલા ‘ઇનર લાઇટ’ સેન્ટરનાં રિલેશનશિપ ઍન્ડ ફૅમિલી કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ પૂજા આનંદ કહે છે, ‘આ રેશિયો દરેક યુગલને પસંદ આવવાનું મૂળ કારણ તો એ જ છે કે એનાથી એક કલૅરિટી રહે છે કે કાંઈ નહીં તો આપણે સાથે રહેવા આટલું તો કરીશું જ. આજના ફાસ્ટ સમય માટે આવા રૂલ્સ સંબંધની એક બૉટમલાઇન નક્કી કરવી સફળ રહે છે, ખાસ કરીને જે યત્નપૂર્વક સાથે રહેવા માગે છે. મારી પાસે એક IT જૉબ કરતું યુગલ આવેલું. બન્ને IT ફીલ્ડમાં સારુંએવું કમાતાં હતાં, પણ પતિની સવારની અને પત્નીની રાતની શિફ્ટ હોવાથી સાથે ક્વૉલિટી ટાઇમ તો છોડો, બન્ને મુશ્કેલીથી સાથે જમી શકતાં. ધીરે-ધીરે પતિને ઍન્ગર ઇશ્યુ થતાં પત્નીથી એક અંતર અનુભવાતું. બન્નેનાં લગ્નને પાંચ વર્ષ થવા છતાં બાળક નહોતું એટલે અંતર વધતું જતું હતું. ક્વૉલિટી ટાઇમ આ કપલની મૂળ સમસ્યા હતી એટલે તેમને આવો નિયમ કામ લાગી ગયો. જેમને બાળકો થયાં છે અને એકબીજા સાથે સમય નથી વિતાવી શકતાં એ લોકો પણ આના પર કામ કરી શકે, પણ આ નિયમ પાળતાં પહેલાં એ ચકાસવું જરૂરી છે કે બન્ને વચ્ચે કોઈ ગેરસમજ કે ઝઘડા કે બીજી કોઈ ગેરસમજ, મેન્ટલ ઍન્ડ ફિઝિકલ અબ્યુઝ નથી. જે ઘરે ઝઘડ્યા જ કરે છે તે બહાર જઈને એ જ કરશે. એવું કરવાથી ક્વૉલિટી ક્યાંથી મળશે?’
કપલ કેમિસ્ટ્રી મહત્ત્વની
સંબંધોમાં કપલ કેમિસ્ટ્રી કેવી છે એ બહુ મહત્ત્વનું છે. એકબીજા સાથે રહેવા માગતાં હોય તેમને માટે આ નિયમ બન્ને આપસી સમજૂતીથી પાળે તો જ બરાબર વર્ક કરે, નહીંતર એકને ગમે અને બીજાને બર્ડન લાગે તો એ કામ ન પણ કરે એવું જણાવતાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને છેલ્લાં પાંચથી વધુ વર્ષથી કેમ્પ્સ કૉર્નરમાં પ્રૅક્ટિસ કરતાં પ્રિયંકા કપૂર કહે છે, ‘લગ્નજીવન જેવી લૉન્ગ ટર્મ રિલેશનશિપમાં થોડા સમય પછી ઇન્ટિમસી ઓછી થઈ ગઈ હોય એવું અનુભવાય છે. એનાં કારણ તપાસીએ તો સમજાય કે કાં હનીમૂન પિરિયડ પૂરો થઈ ગયો હોય, જવાબદારીઓ વધી હોય, બાળકની જવાબદારીઓ માથે આવી હોય એવામાં એકબીજા માટે સમય ન મળવો સીધી વાત છે; પણ ઇન્ટિમસી ઓછી થયા પછી બોરડમની સાથોસાથ ક્યારેક એકબીજાથી અંતર અનુભવાય છે. ક્યારેક આ વાત એટલી વધી જાય છે કે એમાં ગેરસમજ થતી રહે છે.’
પર્સનલ સ્પેસની જરૂર હોય ત્યારે
ઘણાં કપલ એવાં હોય છે જેઓ એકબીજા સાથે એટલો બધો સમય વિતાવે છે કે તેઓ એકબીજાનો પડછાયો બનીને રહે છે. એટલો સમય સાથે ને સાથે જ રહે જાણે એકબીજાથી છૂટાં જ ન પડી શકે. હનીમૂન પિરિયડમાં આવું બનવું સ્વાભાવિક અને રોમાંચભર્યું છે, પણ ધીરે-ધીરે આમ એકબીજાનું સાથે રહેવું એકાદ જણ માટે મુશ્કેલીનું કારણ બની જાય છે અને તે સંબંધમાં ગૂંગળામણ અનુભવવા માંડે છે. એવા સમયે આ જ રેશિયો જો અલગ ઍન્ગલથી લેવામાં આવે તો બન્ને માટે સરળતા ઊભી થઈ શકે છે. એકબીજાને સ્પેસ આપવા માટે 2:2:2 રેશિયો આ રહ્યો...
2: બે અઠવાડિયે એક વાર થોડો સમય એકબીજાથી સાવ અલગ રહેવું
2: બે મહિને એક વાર એક વીક-એન્ડ પાર્ટનર સિવાય વિતાવવું
2: બે વર્ષે એક અઠવાડિયું પાર્ટનર સિવાયના અન્યો (મિત્ર કે પરિવાર) સાથે ક્વૉલિટી ટ્રિપ લેવી.
એ વિશે વાત કરતાં પૂજા આનંદ કહે છે, ‘મારી પાસે એક ડેટિંગ યુગલ આવેલું. બન્ને એક જ ઑફિસમાં કામ કરતાં, પણ છોકરાને એવું લાગતું કે તેની ગર્લફ્રેન્ડને તે પૂરતો લાગતો નથી. તેનું માનવું હતું કે મારા જીવનમાં તેનાથી વધુ કોઈ અગત્યનું નથી તો તેના જીવનમાં પણ એવું જ હોવું જોઈએ. છોકરી આઉટગોઇંગ સ્વભાવની હોવાથી તેને મિત્રો, પાર્ટી બધું જ ગમતું. તેને ફક્ત એ છોકરા સાથે જ સમય વિતાવવાનું ન ગમે. આવા કપલ માટે 2:2:2 રેશિયો અલગ રીતે સેટ થવો જોઈએ. તેમણે જો સાથે રહેવું જ હોય તો એક જ પેજ પર આવવા માટે નક્કી કરી લેવું પડે કે ચોક્કસ સમયે એ લોકો એકબીજાના જીવનમાં કોઈ પ્રકારની દખલગીરી નહીં કરે. અલગ રહેતાં શીખવું અને થોડો સમય અલગ રહીને પાર્ટનરનું અગત્ય સમજવું પણ જરૂરી છે. એ પછી બન્ને સાથે મળે ત્યારે એક નવી જ તાજગીથી મળે છે. ક્વૉલિટી ટાઇમ એ કપલ વચ્ચેની લવ-લૅન્ગ્વેજ પૈકી એક છે અને અતિમહત્ત્વની પણ છે. આ ક્વૉલિટી ક્યારેક સાથે સમય વિતાવીને અને ક્યારેક એકબીજાથી થોડો સમય દૂર રહીને આપી શકાય. આ સંબંધને તરોતાજા રાખવાની એક શરત એ છે કે બોરડમ ટાળતા રહીએ.’
પત્નીનું પિયર જવું પણ મહત્ત્વનું હતું
લગ્નજીવનમાં પર્સનલ સ્પેસ પર ભાર મૂકતાં પ્રિયંકા કપૂર કહે છે, ‘આવું મોટા ભાગે લગ્નનાં આઠદસ વર્ષ વીત્યા પછી કૉમન બને છે. પહેલાં તો પત્ની પિયરે જાય એવી વ્યવસ્થાને લીધે આ સરળ હતું. હવે ન્યુક્લિયર ફૅમિલી સિસ્ટમ, વર્ક-કલ્ચર અને અન્ય કારણસર પતિ-પત્ની એકલાં જ રહે છે અને એટલાં આદિ હોય છે કે તેઓ એકબીજા વગર રહી નથી શકતાં. આ જો બન્નેને ફાવે તો તકલીફ નથી, પણ એકને આવું ન ફાવતું હોય તો સમસ્યાની જડ બની શકે છે. એક જણને માટે સંબંધ બોજારૂપ બની જાય છે. આવા સમયે સ્પેસ રાખવા માટે પણ નિયમ મદદ કરે છે. એમાં આ રેશિયો અલગ રીતે જ લાગુ પડે છે. બન્નેએ એ માટે પોતાની જાતને ઘડવી પડે છે. ઉપર જણાવ્યા મુજબ થોડા-થોડા સમય માટે એકબીજા સાથે સમય વિતાવવાનું નક્કી થયેલું એ જ રીતે એકબીજાથી અમુક ચોક્કસ સમય માટે દૂર રહેવું પણ કામ કરે છે. અલગ રહેવાથી એકબીજાનું મહત્ત્વ તો સમજાશે જ, પણ એકલા રહીને મેળવેલી સ્પેસને લીધે સંબંધમાં ફરીથી તાજગી પણ આવશે.’
રિલેશનશિપમાં આ ત્રણ I બહુ જ મહત્ત્વ ધરાવે છે
આપણે લગ્નજીવનમાં સતત પ્રગતિ કરવી હોય તો આ ત્રણેય વસ્તુઓ કામે લગાડવી જોઈએ. સંબંધોમાં તો ખાસ. આ ત્રણ I શું છે એ વિશે પૂજા આનંદ કહે છે, ‘ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ, ઇન્ટ્યુશન એટલે કે અંતરનો અવાજ અને ઇન્ટેશન એટલે કે ઇરાદો. પોતાની બુદ્ધિથી પોતાની સમસ્યાને ઓળખતાં શીખવું. કોઈ પણ કાઉન્સેલર એ વાતને જ પ્રોસેસ કરી શકે છે જે તમે કહો છો અને તેમને જે દેખાય છે. બાકીનું મોટા ભાગનું ફક્ત તમે જ જાણો છો. આ વાતોને પોતાની અંતરસૂઝથી ઉકેલવાની કોશિશ કરવી. છેલ્લે તમારો ઇરાદો સ્પષ્ટ રાખવો કે તમને તમારી પાર્ટનરશિપ કઈ રીતે જોઈએ છે એને પ્રાયોરિટી આપવી.’