01 January, 2025 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ દરેક રીતે સફળતાનાં સોપાન સર કરનારું બને એવી ઇચ્છા તો સૌની હશે. જોકે એ ઇચ્છા પૂરી થાય એ માટે જીવનનાં પાંચ મુખ્ય ક્ષેત્રોનાં કયાં પાંચ-પાંચ મૂલ્યો આ વર્ષે આચરણમાં કેળવવાની જરૂર છે એનો રોડ-મૅપ આપે છે જે-તે ક્ષેત્રના નિષ્ણાતો. અંગત સમૃદ્ધિ માટે સ્વાસ્થ્ય, સંબંધો, કરીઅર અને ફાઇનૅન્સના ક્ષેત્રે કેવી આદતો જીવનમાં વણવી અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે નાગરિક તરીકે કયો ધર્મ અપનાવવો એનાં બેઝિક મૂલ્યો જીવનમાં ઉતારી લઈશું તો ચોક્કસ ૨૦૨૫માં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકીશું
સંબંધો થકી જ સમાજ છે અને સમાજ છે તો માણસનું અસ્તિત્વ ટકી રહ્યું છે. સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી પાસેથી જાણીએ કે એવી કઈ બાબતો થકી આ વર્ષે આપણે આપણા સંબંધોમાં વધુ સફળ સાબિત થઈ શકીએ.
૧. સંબંધો જો સ્ટ્રૉન્ગ બનાવવા માગતા હો તો સૌથી પહેલો જાત સાથે સંબંધ સ્ટ્રૉન્ગ કરો. ખુદ સાથે કમ્યુનિકેટ કરવું જરૂરી છે. જાત સાથે સંવાદ કરવાની આદત હશે તો આપમેળે સંવેદનશીલતા આવશે. ખુદને ઓળખવું જરૂરી છે. તમે કોણ છો, કેવા છો અને તમારી પોતાની સબળાઈ અને નબળાઈને સમજો. બીજું એ કે જે માણસ ખુદને માન આપે છે દુનિયા તેને માન આપે છે. તમે ખુદ બિચારા બની ગયા તો દુનિયા તમને એ જ નજરથી જોશે.
૨. માણસની સૌથી મોટી ભૂલ છે કે તે સંબંધોમાં ખુશી શોધે છે. કોઈ તમને ખુશ નહીં કરી શકે એટલું યાદ રાખજો. તમારી ખુશીની ચાવી બીજાના હાથમાં કદી ન હોવી જોઈએ. ખરી રીતે તેણે સંબંધોમાં શાંતિ શોધવી જોઈએ. શાંતિ હશે તો ખુશી આપોઆપ મળશે, કારણ કે તે તેનો બાય પ્રોડક્ટ બની જશે. તમે ખુશી પાછળ ભાગો છો એટલે સંબંધો બગાડી મૂકો છો. એકબીજા પર બોજ બની જાઓ છો. આમ આ વર્ષે સંબંધોમાં શાંતિ અને સૌહાર્દ શોધવાની કોશિશ કરો.
૩. દયાળુ હોવું જરા વધુપડતું છે આજના સમયમાં. બીજાને મદદ કરવી ખૂબ સારી વાત છે, પણ કેટલી મદદ કરવા માગો છો અને કેમ એ બાબતે સ્પષ્ટ હોવું જરૂરી છે. જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિને મદદ કરવા માગો છો એ મદદની પાળ બાંધવી જરૂરી છે. આજના સમયમાં સંબંધ ટકાવી રાખવા માટે એ ખાસ ધ્યાન રાખવું કે લોકો સમક્ષ દયાના દરિયા ન વહેવડાવવા. સમજી-વિચારીને એ કરવું. એ રીતે તમે ખુદને જ નહીં, સામેવાળી વ્યક્તિને પણ બચાવો છો.
૪. ભલે તમે ગમેએટલું કહો કે સંબંધોમાં પૈસા વચ્ચે ન આવવા જોઈએ, પણ એ વચ્ચે આવી જાય છે. દરેક સંબંધમાં પૈસો તિરાડ પડાવવાની ક્ષમતા ધરાવે છે. તમારા સંબધોની વચ્ચે પૈસો ન આવવા દ્યો પરંતુ પૈસાનો સ્વભાવ સમજો. પૈસો એક પ્રકારની જરૂરિયાત જ નથી, એ એક ઇમોશન પણ છે. એટલે જ ઘરમાં જે વડીલ પાસે પૈસો છે તેનું માનપાન અલગ હોય છે. દરેક વડીલે એ પોતાની પાસે રાખવો જ. સામે પક્ષે નાનપણથી તમારાં બાળકોમાં એ જવાબદારી પહેલેથી નાખો કે અમે વૃદ્ધ થઈશું ત્યારે તમારે અમારું ધ્યાન રાખવાનું જ છે. એને તમે સ્વાર્થ કહો કે સંસ્કાર, પરંતુ એ અનિવાર્ય છે.
૫. આજકાલનાં બાળકો બહુ ભ્રામક દુનિયામાં જીવી રહ્યાં છે. ટેક્નૉલૉજી, સોશ્યલ મીડિયા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની દુનિયામાં બાળકોનું પોતાનું આગવું અનોખું વિશ્વ છે. બાળકોને એ દુનિયામાંથી કાઢીને રિયલ લાઇફ અને રિયલ સમાજ સાથેનું જોડાણ કરાવવું બહુ જરૂરી છે. બાળકોમાં વસુધૈવ કુટુંબકમની ભાવના જગાવવાનો પ્રયાસ કરો. આપણે ૧૪૦ કરોડ ભારત નથી, ૧૪૦ કરોડ ભારતીયો છીએ. બધા અલગ-અલગ નથી, એક છીએ. બાળકોને સોશ્યલ મીડિયાની દુનિયામાંથી બહાર કાઢીને રિયલ દુનિયા અને સમાજ સાથે જોડીએ. આ રીતે તેઓ સાચા સંબંધો બનાવતાં શીખશે. બાળકો તેમની સાથેનાં હમઉમ્ર બાળકો સાથે રમે, ઑનલાઇન દુનિયાને બદલે રિયલ દુનિયામાં સામાજિક પ્રવૃત્તિઓમાં પળોટાય એવું કરો.
-ડૉ. હરીશ શેટ્ટી