12 June, 2024 10:12 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જ્યારે લાગણીશીલ હોવાની વાત આવે છે ત્યારે સ્ત્રીઓને એ એક વિશેષણ તરીકે મફતમાં જ મળી જાય છે. સ્ત્રી છે તો લાગણીશીલ હોવાની જ અને એ સાથે તે તર્કબદ્ધ નહીં જ વિચારે એવું પણ ધારી જ લેવામાં આવે છે. આવી ધારણાઓને લીધે મહિલાઓની લાગણી વ્યક્ત કરવાની આવડતને પુરુષપ્રધાન સમાજમાં પર્સનાલિટીના નકારાત્મક લક્ષણ તરીકે જોવામાં આવે છે, જેનો ભોગ સ્ત્રીઓ સતત બનતી રહે છે. તેમની વિશ્વસનીયતાને શંકાથી જોવાય છે અને તેમનાં રાજકીય, ધાર્મિક અને સામાજિક મૂલ્યોને આસાનીથી મૅનિપ્યુલેટ કરવામાં આવે છે. કેટલાય લોકો તો એવું માની જ નથી શકતા કે લાગણીશીલતા ખામી નથી પણ તાકાત છે અને એ તર્કબદ્ધતાને કોઈ જ નુકસાન નથી કરતી. આ વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે, ‘‘ઇમોશનલિટી’ એક બહોળો શબ્દ છે. એને કોઈ વ્યક્તિગત લક્ષણમાં ન ગણી શકાય. ખાસ કરીને એને મહિલાઓ સાથે જ જોડવામાં આવે છે. જેમ કે કોઈને માનસિક તનાવ થાય છે, ડિપ્રેશન થાય છે એવી રીતે લોકો ઇમોશનલિટીને જુએ છે અને એને ફક્ત સ્ત્રીઓ સાથે જોડી લેબલિંગ કરે છે એ ખોટી વાત છે. પુરુષો પણ લાગણીશીલ હોય છે. જોકે એની તેમને કોઈ ખાસ કિંમત નથી ચૂકવવી પડતી. મહિલાઓને લેબલિંગ કરીને મહિલાઓને ઓછી આંકવાની પ્રથા સદીઓ જૂની છે. એક લિંગને દબાવવાની વાત છે. આવું કહીશું તો મહિલાઓના સુઝાવને આસાનીથી ટાળી શકાશે એવી સાર્વત્રિક સમજ પુરુષપ્રધાન સમાજમાં પ્રવર્તે છે. હા, હૉર્મોનને લીધે સ્ત્રીઓ ક્યારેક વધુ ભાવુક થઈ જાય છે એ હકીકત છે. પ્રેગ્નન્સી પછી સ્ત્રીઓમાં ઑક્સિટોસિન નામના હૉર્મોનનો સ્રાવ વધી જાય છે એટલે તે દરેક વસ્તુને સહાનુભૂતિથી જુએ છે એ પણ સાચું છે. પણ એના લીધે તેને ‘ઇમોશનલ’નું લેબલ લગાડી તેની તર્કબદ્ધતા પર શંકા કરવી એ ખોટું છે. મેં એવી સ્ત્રીઓ પણ જોઈ છે જે શરૂઆતમાં બહુ જ લાગણીશીલ હોય અને દરેક વસ્તુમાં ઊંડી લાગણીથી ભાગ લેતી હોય અને પછી આગળ જતાં એકદમ પ્રૅક્ટિકલ થઈ જાય છે. એવા પુરુષોને પણ જોયા છે જે લાગણીથી નિર્ણયો લેતા હોય.’
પરિવાર માટેની લાગણી
કહેવાય છે કે તે લાગણીમાં આવીને જ નિર્ણયો લે છે. એ વાત સાથે સહમત થતા ડૉ. પવન સોનાર કહે છે, ‘કેટલીયે છોકરીઓ મારી પાસે આવે છે જે એવું કહે છે કે મમ્મી-પપ્પા માટે આગળ નથી ભણતી, દૂર નથી જતી એવા નિર્ણયો ભાવનામાં તણાઈને લીધેલા હોય છે. ઘણી મહિલાઓ કહે છે કે મારે મારા પરિવારને માટે બધું જ કરી છૂટવું છે અને એ માટે એ લોકો દિવસરાત એક કરીને જે સ્થાને એ પહોંચવા માગે છે ત્યાં પહોંચી જાય છે. બે વાતોમાં ઘણો ફેર છે. એક ભાવનામાં તણાઈને લેવાયેલો ખોટો નિર્ણય છે. જે લાગણી ક્ષણિક છે, પણ એનાં પરિણામો લાંબા સમય સુધી ભોગવવાં પડે છે. બીજો નિર્ણય પ્ણ લાગણીમાં જ લેવાયેલો છે, પણ ઘણો પ્રૅક્ટિકલ છે. આવી લાગણી તાકાત તરીકે બહાર આવે છે. એમાં સંઘર્ષ હોવા છતાં એનાં પરિણામો લાંબા ગાળે સુખદ હશે. મૂળ વાત એ જ છે કે લાગણી હોવી ખોટી નથી, પણ એમાં ટ્રૅપ થઈને ખોટા નિર્ણયો લેવાને સ્થાને પ્રૅક્ટિકલ નિર્ણયો લેવા જોઈએ. આ માટે મહિલાઓએ કન્ડિશનિંગમાંથી બહાર આવવું જોઈએ. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો લાગણીશીલ હોવામાં કંઈ જ ખોટું નથી.’
ભાવના અને લાગણીમાં ફરક છે
માણસ જો માનવીય લાગણી સાથે જોડાયેલો હોય તો એ ખોટું નથી. આ એક સકારાત્મક ગુણ છે. માણસ લાગણીના પ્રભાવમાં નિર્ણયો લેતો હશે તો જ સામેવાળા સાથે સહાનુભૂતિ દાખવી શકશે. અહીં બે વસ્તુ છે. એક છે ‘ઇમોશનલ’ હોવું એટલે કે લાગણીશીલ હોવું અને બીજું, સેન્ટિમેન્ટલ હોવું એટલે કે ‘ભાવનાત્મક’ હોવું. લાગણીશીલ હોવું સારું છે, પણ ભાવનામાં તણાઈને નિણર્ય લેવા સારા નહીં. આવું જણાવતાં SNDTનાં ભૂતપૂર્વ પ્રોફેસર અને હાલ સમાજસેવિકા એવાં વિભૂતિ પટેલ કહે છે, ‘તમે ક્ષણિક આવેગમાં આવીને ખોટા નિર્ણયો લઈ લો એ ખોટું. જોકે આવું પુરુષો પણ કરતા જ હોય છે, પણ એવા નિર્ણયોની આખી લગામ તેમના જ હાથમાં હોય એટલે તેમને હજી સુધી ટૅગ લાગ્યો નથી. જ્યારે મહિલાઓને છેલ્લાં પાંચ હજાર વર્ષોથી એક યા બીજી રીતે દબાવવામાં આવી છે. ‘આ લાગણીશીલ છે, ખોટો નિર્ણય લેશે’ એવું કહી બેસાડી દેવાય છે. એને કારણે મહિલાઓ ક્યારેક પોતે જ આત્મવિશ્વાસ ખોઈ બેસે છે. પણ આવું ખરેખર નથી હોતું. પિતૃસત્તાક વિચારધારાવાળા લોકો આનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. તમે જુઓ, ગ્રામપંચાયત જેવી ચૂંટણીઓમાં મહિલાઓ જોવા નહીં મળે, પુરુષના દબદબાવાળાં ફીલ્ડ આજે પણ જોવા મળે છે. વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત મળ્યું હોવા છતાંય એમાં સ્ત્રીઓ ઓછી જોવા મળે. ચૂંટણીમાં જ્યાં હારવાની સંભાવના વધુ હોય ત્યાંથી લડવા મોકલાય છે. આવું બધું ચાલી રહ્યું હોય ત્યાં એકાદ ટૅગ વધુ લગાડીને સ્ત્રીઓ પાસે ધાર્યું કરાવવાની પિતૃસત્તાક માનસિકતાથી આપણો સમાજ હજી પણ સડે જ છે. લાગણીથી નિર્ણય લેનાર પુરુષ ઠાવકો, પણ લાગણીથી નિર્ણય લેનાર મહિલા ‘બહુ ઇમોશનલ’ છે એવો ટૅગ હજી પણ કામ કરે છે. તમે જુઓ, જે બૅન્કો આજે પણ કૌભાંડોથી મુક્ત છે એમાં મહિલાઓ જ વધારે છે, કારણ કે તે લાગણીથી નિર્ણયો લે છે. સહાનુભૂતિ રાખે છે. એટલે જ સ્પષ્ટ નિર્ણયો લે છે. તમે જોશો તો ‘રૉકી ઔર રાની’ જેવી ફિલ્મો જેમાં જયા બચ્ચનનું પાત્ર એકદમ પિતૃસત્તાક હતું અને સામે ધર્મેન્દ્રનું પાત્ર ડેમોક્રેટિક હતું. લાગણીશીલ હતું. આવા સમાજમાં અનેક દાખલાઓ જોવા મળે છે. ઇમોશનાલિટી બાયોલૉજી સાથે નથી સંકળાઈ. તમારા માહોલ અને પરવરિશ પર આધાર રાખે છે. મારા કેટલાય વિદ્યાર્થી એવા જોયા છે જેમનું મગજ એન્જિનિયર જેવું હોય, પ્ણ ફૅમિલી બહુ જ ઓછું આંકતી હોય, પરણીને બીજે ઘરે જવાનું છે, છોકરો ક્યાંનો ગોતીશું એવી વાતોના હવાલા દઈ છોકરીઓ પાસે BA કે Bcom જ કરાવડાવે અને ત્યાં ભાવનામાં ટ્રૅપ થઈ છોકરી હા પણ કહે. જોકે કેટલાક એવા લોકો પણ જોયા છે જે ૫૦ વર્ષે ભણવાનો પ્રૅક્ટિકલ નિર્ણય લે છે.’
પ્રૅક્ટિકલિટી અને લાગણી
મહિલાઓ પર ‘લાગણીશીલ’ હોવાનો ટૅગ લાગી ગયો છે. એના લીધે મહિલાઓ સાચા નિર્ણયો નહીં જ લે એવું ધારવું બધા માટે સરળ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે વ્યવસાયિક વાત હોય. આ વાતનો ફોડ પાડતાં વાયાકૉમ 18માં સિનિયર મૅનેજર ૩૩ વર્ષનાં શ્રેણી પટેલ કહે છે, ‘લોકોની આવી મારી ૧૪ વર્ષની કરીઅરમાં મેં એવી મહિલાઓ જોઈ છે જે પરિવાર અને કરીઅર બન્નેને સાથે લઈને ચાલી શકતી હોય. એ તેમની પસંદગી છે અને બીજી રીતે જોઈએ તો તેમની તાકાત પણ છે, કારણ કે બન્ને સાથે લઈને ચાલવું સરળ નથી. કોઈ પણ કરીઅર વુમન જો બાળક માટે થોડો લાંબો બ્રેક લે તો ‘ઇમોશનલ’નો ટૅગ લાગી જાય. તમે વિચારો, જો પતિ-પત્ની આપસી સમજૂતીથી એક નિણર્ય લેતાં હોય અને જે સમયે બાળકને માની જરૂર વધુ છે એવા સમયે તે જો તેની સાથે રહેવાનું પસંદ કરે તો એવા નિર્ણયો પ્રૅક્ટિકલ જ છે. હા, સાથે માની લાગણી તો રહેવાની જ! મારી ટીમમાં મેં એવા લોકો પણ જોયા છે જેમાં પતિ-પત્ની બન્ને જૉબ કરતાં હોવાને લીધે એક જણે ઘરે રહેવાનું નક્કી કર્યું હોય અને પત્નીને ‘વર્ક ફ્રૉમ હોમ’ ન મળતું હોવાને લીધે પતિ ઘરે રહેવાનું પસંદ કરે. આ પ્રૅક્ટિકલ નિર્ણય છે. આજની મહિલાઓ આવા નિર્ણયો બહુ જ આસાનીથી લઈ શકે છે એ સારી વાત છે. અને એમાં તેને જીવનસાથી અને પરિવારનો સપોર્ટ પણ મળે છે. આજથી દસ-વીસ વર્ષ પાછળ જઈને જુઓ તો આવી વાતોમાં હજી પણ પૂર્ણ સહમતી ન મળત. મહિલાઓ ઘર છોડી નોકરી કરે અને ઘરને પણ પરિવારજનોને ગમે એમ જ ચલાવે એમાં ક્યારેક થાકીને તે ઘર ચલાવવાનું વધારે પસંદ કરતી. અંતે એ જ ‘ઇમોશનલ ડિસિઝન’નો ટૅગ લાગે. પણ એ માટે શું ફક્ત તેને જ જવાબદાર ઠેરવી શકાય? આજે મહિલાઓ જે પ્રૅક્ટિકલ નિર્ણયો લે છે એમાં પરિવાર પણ સહભાગી થાય છે, એના લીધે લાગણીશીલ વસ્તુ ફક્ત મહિલાઓના હિસ્સે જ નથી રહેતી. લાગણીશીલ હોવું ખોટું નથી, બહુ જ આધાર રાખે છે કે તમે કેવા સમયે કેવા નિર્ણયો લો છે. જે લોકો લેબલ લગાડવામાં માને છે એ જ લોકો એક્સ્પ્લૉઇટ વધુ કરે છે. પહેલાં છોકરીઓને ઊંચી પદવી પણ આ જ કારણે ન મળતી કે લગ્ન પછી કે બાળક થશે પછી તે છોડી દેશે. પણ હવે પરિધારણા બદલાઈ છે એટલે લોકો વધુ ઓપન થયા છે. એટલે જ અમુક ઑફિસમાં તો સાઠ ટકાથી ઉપર છોકરીઓ જ જોવા મળે છે.’