નિવૃત્તિ પછી કામવાસનાના વિચારો આવે તો જાત પ્રત્યે ઘૃણા કરવી ગેરવાજબી છે

29 July, 2024 07:35 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

એક સર્વે મુજબ ૬૦ વર્ષની ઉંમર વટાવી દેશના ૧૦માંથી ૪ વડીલો એવા છે જેમના મનમાં આ પ્રકારના વિચાર સતત ચાલતા હોય છે, જેને કારણે તેમને પોતાના પ્રત્યે જ ઘૃણા જનમતી હોય છે

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં બહુ જાણીતા એવા હિન્દી સાહિત્યકારને મળવાનો અવસર મળ્યો. હિન્દી સાહિત્યમાં ખાસ્સું મોટું નામ, અનેક અવૉર્ડથી સન્માનિત. અમે મળ્યા, થોડી વાતો કરી અને એ પછી તેમણે જ ત્યાં બેઠા હતા એ લોકોને એવું કહીને બીજી રૂમમાં મોકલ્યા કે દાક્તર સાહબ સે થોડી બાત કરની હૈ.

એકાંતમાં જે વાત થઈ એ વાત માટે તેમને બહુ શરમ આવતી હતી. જોકે એ એવી કોઈ વાત નહોતી. તેમનું કહેવું હતું કે તેઓ જ્યારે પણ કોઈ દેખાવડી મહિલાને મળે ત્યારે તેમના મનમાં ખોટા વિચાર આવવાનું શરૂ થઈ જાય છે. એ જે ખોટા વિચારોની વાત એટલે કે સેક્સના વિચારોની વાત કરતા હતા. પહેલાં તો મેં તેમને સમજાવ્યા કે આ જે ગિલ્ટ છે એ ગિલ્ટ દૂર કરો અને એવું માનવાનું પણ છોડી દો કે એ ખોટા વિચારો છે. તેમની દલીલ હતી કે આજે જ્યારે તેમની દીકરીઓને ત્યાં સંતાનોનો જન્મ થઈ ગયો છે ત્યારે એ વિચાર ખોટા અને ખરાબ કહેવાય. સદ્ભાવનાની દૃષ્ટિએ એ વાત ખોટી નથી, પણ શરીરવિજ્ઞાનની દૃષ્ટિએ એ વાતમાં કશું ખોટું નથી. રજનીશ કહેતા કે જેમ પેટને ભૂખ લાગે છે એ જ રીતે શરીરના પ્રાઇવેટ પાર્ટ્સની પણ જરૂરિયાત હોય. સેક્સ જેવા વિષયને લોકભોગ્ય બનાવવાનું કામ જેમણે કર્યું છે એ ડૉ. પ્રકાશ કોઠારી પણ કહી ચૂક્યા છે કે સેક્સની કોઈ ઉંમર નથી હોતી. ૭૦ વર્ષે પણ ઇચ્છા થઈ શકે અને એ  સ્વાભાવિક છે. હા, ઔચિત્ય ન છૂટવું જોઈએ.

આપણે જે સાહિત્યકારની વાત કરીએ છીએ તેઓ બિચારા પોતાના મનમાં ચાલતા વિચારોને લઈને પોતાના માટે જ બહુ હીનતા અનુભવતા હતા. આવું કંઈ એકલદોકલ કેસમાં બનતું હોય એવું નથી. એક સર્વે મુજબ ૬૦ વર્ષની ઉંમર વટાવી દેશના ૧૦માંથી ૪ વડીલો એવા છે જેમના મનમાં આ પ્રકારના વિચાર સતત ચાલતા હોય છે, જેને કારણે તેમને પોતાના પ્રત્યે જ ઘૃણા જનમતી હોય છે.

આ પ્રકારના વિચારોનું ભારણ મન પર વધવાનું કારણ સમજવાની જરૂર છે. પોતાના યુવાની કાળ દરમ્યાન સાંસારિક જવાબદારી અને ભાગદોડને કારણે તેમણે પર્સનલ લાઇફને મહત્ત્વ આપ્યું નથી, જેને લીધે બને છે એવું કે આજે જ્યારે જીવનમાં નિરાંત કે રિટાયરમેન્ટની શાંત લાઇફ આવી છે ત્યારે સુષુપ્ત મનમાં પડેલા વિચારો સપાટી પર આવે છે. આ વિચારો દૂર કરવાનું સૌથી મહત્ત્વનું માધ્યમ છે આ વડીલોને નવેસરથી તેમની યંગ એજમાં મોકલો. તેમને જાત્રા પર રવાના કરવાને બદલે ફરવા મોકલો. ફરીથી તેમનું હનીમૂન પ્લાન કરો. ધારો કે તેઓ એકલા હોય તો તેમને ફ્રેન્ડ્સ સાથે ફરવા મોકલો. આઝાદી તેમને સંયમમાં લાવવાનું કામ સરળતાથી કરશે.

life and style sex and relationships columnists