Rose Day 2024 : વૅલેન્ટાઇન્સ વીકના પહેલા દિવસે જ શા માટે ઉજવાય છે રોઝ ડે? ઇતિહાસ જાણીને ચોંકી જશો

07 February, 2024 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Rose Day 2024 : રોઝ ડેનો ઈતિહાસ જોડાયેલો છે મુગલ બેગમ નૂરજહાં સાથે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : પિક્સાબે)

પ્રેમમાં પડેલા દરેક વ્યક્તિ માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ હોય છે. આ મહિનામાં આશિકોની અને તેમના પ્રેમની જાણે પરીક્ષા હોય છે. સાત દિવસની પ્રેમની પરીક્ષામાં પહેલું પેપર ‘રોઝ ડે’ (Rose Day 2024) અને છેલ્લું પેપર ‘વૅલેન્ટાઇન ડે’ (Valentine’s Day 2024)નું છે. પ્રેમની પરીક્ષાનું આ સપ્તાહ ૭ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી હોય છે. વૅલેન્ટાઇન્સ વીકનો દરેક દિવસ પ્રેમને પ્રોત્સાહન આપવા અને તેની ઉજવણી કરવા માટે હોય છે. જેમાં કપલ્સ પોતાના પાર્ટનરને ગુલાબ, ટેડી અને ચોકલેટ આપીને એકબીજા સાથે પોતાની લાગણીઓ શૅર કરે છે. વૅલેન્ટાઇન્સ વીકની શરૂઆત ‘રોઝ ડે’ (Rose Day 2024)થી થાય છે. આ દિવસે, પ્રેમી પંખીડાઓ તેમના હૃદયમાં છુપાયેલા પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે ગુલાબનો સહારો લે છે. ઘણા લોકો જેઓ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે ગુલાબનો સહારો લેતા હોય છે તેઓ નથી જાણતા કે ‘રોઝ ડે’ શા માટે ઉજવવામાં આવે છે. ‘રોઝ ડે’ ઉજવવાનો ઈતિહાસ અને મહત્વ શું છે? ચાલો જાણીએ…

વૅલેન્ટાઇન્સ વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. રોઝ ડે દર વર્ષે ૭ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે, પ્રેમીઓ તેમના જીવનસાથીને ગુલાબનું ફૂલ આપીને તેમની લાગણીઓ શૅર કરે છે. ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. લોકો તેમના પ્રેમ અને લાગણીના પ્રતીક તરીકે એકબીજાને ગુલાબ આપે છે. રોઝ ડે પર, તમને ગમતી વ્યક્તિને ગુલાબ અથવા ગુલાબનો ગુલદસ્તો આપવામાં આવે છે.

‘રોઝ ડે’ના ઈતિહાસની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે, મુગલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ ખૂબ જ પસંદ હતા. નૂરજહાંને ખુશ કરવા જહાંગીર દરરોજ એક ટન તાજા લાલ ગુલાબ તેમના મહેલમાં મોકલાવતા હતા. તેમની આ લવ સ્ટોરી લોકોમાં ઘણી ફેમસ થઈ ગઈ હતી. આ પરંપરા ચાલુ રાખવા માટે વૅલેન્ટાઇન્સ વીકનો એક દિવસ ‘રોઝ ડે’ તરીકે ઉજવવામાં આવે છે.

જ્યારે ‘રોઝ ડે’ સંબંધિત બીજી વાર્તા રાણી વિક્ટોરિયાના યુગની છે. કહેવાય છે કે, ત્યારે લોકો પોતાની લાગણીઓ શૅર કરવા માટે એકબીજાને ગુલાબ આપતા હતા.

પ્રેમી પંખીડાઓ માટે તો લાલ ગુલાબનું ફૂલ હોય જ છે. પરંતુ ગુલાબના બીજા રંગના ફૂલોનું પર ‘રોઝ ડે’ પર મહત્વ હોય છે. પ્રેમી યુગલો સિવાય, કેટલાક લોકો આ દિવસે તેમના મિત્રોને પણ ગુલાબ ભેટ આપે છે. વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે ગુલાબનો દરેક રંગ કોઈને કોઈ લાગણીનું પ્રતીક છે.

ગુલાબના રંગોનો અર્થ

લાલ ગુલાબ – પ્રેમ વ્યક્ત કરવા માટે આપી શકાય છે

ગુલાબી ગુલાબ – તમે તમારા શ્રેષ્ઠ મિત્રને આપીને તમારી મિત્રતાને વધુ ગાઢ બનાવી શકો છો

પીળું ગુલાબ – જો તમે કોઈની સાથે મિત્રતા કરવા માંગો છો તો તેને પીળું ગુલાબ આપો

કેસરી રંગનું ગુલાબ – કોઈ વ્યક્તિને કેસરી રંગનું ગુલાબ આપીને તમારી રુચિ વ્યક્ત કરો

સફેદ ગુલાબ – તમે જેની માફી માંગવા માંગો છો તેને સફેદ ગુલાબ આપી શકો છો

valentines day love tips sex and relationships relationships life and style