22 July, 2024 07:35 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક ભાઈ મને મળવા આવ્યા. જાણીતા ઉદ્યોગપતિ એવા તે ભાઈ ડબલ અવઢવમાં હતા. તેમને વાત કરવામાં પણ સંકોચ થતો હતો. તેઓ બિલકુલ સમજી નહોતા શકતા કે તેમણે ભૂલ કરી છે કે નહીં. કૉફી પીધા પછી તેમને જરા રાહત થઈ અને તેમણે વાત કરવાની શરૂ કરી.
એક દિવસ તે ભાઈએ પોતાની ટીનેજ દીકરીનો મોબાઇલ ચેક કર્યો. એ પપ્પાના કહેવા મુજબ આમ તો એ મોબાઇલ લૉક હોય છે, પણ એ દિવસે નસીબજોગે (અને દીકરીના કમનસીબે) એ મોબાઇલનું સ્ક્રીન-લૉક ખુલ્લું હતું અને ઇન્સ્ટાગ્રામની ચૅટ ખુલ્લી હતી. પોતાની ૧૪ વર્ષની ટેન્થનું એજ્યુકેશન શરૂ કરનારી દીકરી જેની સાથે ચૅટ કરતી હતી તેને તે સરનું સંબોધન કરતી હતી અને સરના સંબોધન સાથે થતી એ વાતમાં બાયોલૉજિકલ ચર્ચાઓ જરા બીભત્સ રીતે ચાલતી હતી. ચૅટ પરથી ક્યાંય એવું લાગતું નહોતું કે છોકરી બ્લૅકમેઇલ થતી હોય. તે પોતાની મરજીથી જ આ ચૅટ કરતી હતી. આ થઈ પહેલી ઘટના. હવે વાત કરીએ બીજી ઘટનાની.
પપ્પાએ દીકરીની આ ચૅટ વિશે તેની મમ્મી સાથે વાત કરી અને મમ્મીએ દીકરી સાથે વાત કરી એટલે દીકરી ઘરમાં રીતસર તાડૂકી અને તેણે દેકારો મચાવી દીધો કે તમારાથી મારો ફોન ટચ જ કેમ થાય? તમે મારી ચૅટ વાંચી જ કેવી રીતે શકો? છોકરીએ દેકારો બોલાવતાં પહેલાં જ પેલી ચૅટ ડિલીટ કરી નાખી હતી અને પપ્પાને એવો ડાઉટ છે કે છોકરી રોજ ચૅટ પૂરી કર્યા પછી એ ડિલીટ કરે છે. અહીં મુદ્દો તે છોકરીને કેવી રીતે આ ચૅટ બંધ કરાવવી એ વિશેનો નહીં પણ તેના પપ્પાના મનમાં જન્મેલી શંકાનો છે કે તેણે ચૅટ વાંચીને ખોટું કર્યું કહેવાય કે નહીં?
મમ્મી પણ પપ્પા પર ગુસ્સો કરે છે કે ટીનેજ દીકરીનો ફોન આ રીતે તેણે હાથમાં લેવો ન જોઈએ, પણ હું અહીં કહીશ કે જો મમ્મીઓ આવું ધ્યાન રાખતી હોય તો વાત જુદી છે. બાકી દરેક પેરન્ટ્સે સમયાંતરે પોતાનાં ટીનેજ બાળકોના મોબાઇલ કે ગૅજેટ્સ ચેક કરવાં જ જોઈએ. આ પ્રકારનું ચેકિંગ તે ટીનેજ બાળકના હિતમાં છે. આવા ચેકિંગને ભલે બાળકો એવું ધારી લે કે માબાપ જાસૂસી કરે છે; પણ ના, એવું નથી. આ ચેકિંગમાં તેમના પ્રત્યેની કૅર છે અને આવી કૅર રહેવી જ જોઈએ. એક ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી બાળકો પોતાને ઇન્ટરેસ્ટ પડે એવી વાતો કરે એમાં ખોટું નથી, પણ એ વાતો કોની સાથે થાય છે એ જો જાણવામાં નહીં આવે તો ટીનેજ બાળકોએ હેરાન થવું પડે એવું ચોક્કસ બની શકે છે. એટલે માબાપ શેહ-શરમ રાખ્યા વિના, આ કામને જાસૂસી માન્યા વિના બાળકોના મોબાઇલ નિયમિત ચેક કરતાં રહે એવી સલાહ હું તો સો ટકા આપીશ.