એકલી રહેતી છોકરી અસામાજિક હોય તો?

01 March, 2024 07:11 AM IST  |  Mumbai | Sejal Patel

મને એવું લાગે છે કે કોઈ યુવતી પોતાના બળબૂતાં પર એકલી રહેતી હોય, પોતાની રીતે જીવતી હોય, તેના જીવનમાં જે કંઈ પણ થાય છે એ માટે તમે જવાબદાર ન હો તો તેણે કઈ રીતે જીવવું એ ડિક્ટેટ કરવાની કોઈ જરૂર નથી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં એકલી છોકરીઓ રહેતી હોય એ હવે બહુ આમ વાત થઈ ગઈ છે, પણ એને કારણે આપણા ઘરની વહુવારુઓ પર એની કેવી માઠી અસર પડશે એની ચિંતા તો સામાજિક પરિવારને ન થાય? અમારી બિલ્ડિંગમાં પાંત્રીસેક વર્ષની વયની એક યુવતી રહે છે. તેનાં પેરન્ટ્સ તો ક્યારનાય ગુજરી ગયેલાં. અત્યાર સુધી તેના પથારીવશ દાદા સાથે રહેતી હતી અને એ પણ એક વર્ષ પહેલાં ગયાં. આ છોકરી ઘરમાં ટૂંકાં ચડ્ડા પહેરીને ફરે છે અને તેના ઘરે દોસ્તોનો આવરોજાવરો રહ્યા કરે છે. એક-બે છોકરાઓ અવારનવાર આવે છે અને ક્યારેક તો રાતે પણ રોકાય છે. ક્યારેક રાતના સમયે પાર્ટીઓ કરવા જાય અને મોડી આવે છે. સોસાયટીમાં પણ તેને અમુક જ લોકો સાથે વાતચીતનો વહેવાર રાખ્યો છે. તેને નથી ભાઈ કે નથી બહેન એટલે કહેવાવાળું કોઈ નથી. ટૂંકાં કપડાં પહેરીને લટકમટક કરતી જાય છે એ જોઈને અમારા ઘરની દીકરીઓ પણ કહે છે કે તે જાય છે તો અમે કેમ નહીં? અસામાજિક હરકતો બાબતે અવાજ ઊઠાવીએ છીએ તો કહે છે કે સોસાયટીએ મારા જીવનમાં ચંચુપાત ન કરવો.  

 સમાજમાં ચાલતી અસામાજિક હરકતો બાબતે સાવધ રહેવું જોઈએ એની જરાય ના નહીં, પણ તમે જે વર્ણન કર્યું છે એમાં અસામાજિક હરકત કઈ વાતનો તમે ગણો છો? એકલી છોકરી રહે છે એની? તેને ઘણા દોસ્તો છે એની? તેને પાર્ટી કરવી ગમે છે એને? તેના ઘરે દોસ્તો આવે છે એને? 

એકલી રહેતી સ્ત્રીના ઘરે કોઈ આવે એટલે ‘લફરું’ જ હોય એવી માનસિકતા આપણે હજી આ મૉડર્ન યુગમાં પણ રાખીશું? બીજાંનાં ઘરમાં શું ચાલે છે એ જાણવાની ચટપટી ઘણા લોકોને હોય છે. મોટા ભાગે આવી પંચાત નવરા લોકોને વાતો કરવા માટેનો એક ટૉપિક હોય છે. 

મને એવું લાગે છે કે કોઈ યુવતી પોતાના બળબૂતાં પર એકલી રહેતી હોય, પોતાની રીતે જીવતી હોય, તેના જીવનમાં જે કંઈ પણ થાય છે એ માટે તમે જવાબદાર ન હો તો તેણે કઈ રીતે જીવવું એ ડિક્ટેટ કરવાની કોઈ જરૂર નથી. તેનો પરિવાર પણ વર્ષોથી તમારે ત્યાં રહે છે એટલે કોઈ અસંદિગ્ધ પ્રવૃત્તિ ચાલતી હોય એવી સંભાવના ઓછી છે અને એમ છતાં જો ચિંતા રહેતી હોય તો બિલ્ડિંગમાં આવતી-જતી દરેક વ્યક્તિનું નામ-નંબર નોંધાય એવી સિસ્ટમ રાખી દો.

columnists sex and relationships life and style sejal patel