વાઇફને સેક્સની ઇચ્છા થાય એવો કોઈ રસ્તો ખરો?

28 February, 2024 08:00 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

તમે બન્ને જો એકબીજા પ્રત્યે આત્મીયતા કેળવવાનું શરૂ કરશો તો ચોક્કસ વધારે ફરક પડશે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૫૧ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૪૯ની. એક વરસથી સંભોગ બંધ છે, કેમ કે વાઇફને બહુ પીડા થતી હતી અને તેની કામેચ્છા પણ ઘટી ગઈ હતી. મેનોપૉઝને કારણે તેની તબિયત પણ ઠીક રહેતી નથી. મૂડ ખરાબ રહે છે. સ્કિન-ઍલર્જી થઈ ગઈ હોય એમ રૅશિઝ થઈ ગયા છે. સમાગમ પછીના ઘર્ષણને કારણે એ પછી બળતરા અને ખંજવાળ પણ તેને બહુ થાય છે. માસિક પણ અનિયમિત છે. વચ્ચે મારી તબિયત પણ ઠીક નહોતી. લિવરની તકલીફ હોવાથી વજન ઘટતું જતું હતું અને એ માટે સર્જરી પણ કરાવવી પડી. એમાંથી રિકવરી થાય ત્યાં સુધીનો લગભગ એક વરસનો ગાળો સાવ જ સમાગમ વિનાનો ગયો છે. હવે બધું જ બરાબર છે છતાં અમે બન્નેએ સમાગમ નથી કર્યો. હસ્તમૈથુન કરી શકું છું, પણ ખબર નહીં સમાગમ કરવાના પ્રયત્નમાં નિષ્ફળ જવાય છે. મહિનામાં એક-બે વાર મને સ્વપ્નદોષ થઈ જાય છે. પત્નીને ઇચ્છા થાય એ માટે શું કરવું? 
ભાઈંદર

તમે હસ્તમૈથુન કરી શકો છો એ બતાવે છે કે તમને હવે મૈથુન દરમ્યાન માત્ર ઍન્ગ્ઝાયટી જ નડે છે. તમારી વાઇફને મેનોપૉઝનાં લક્ષણો છે. એને કારણે લુબ્રિકેશન ઘટી જાય છે અને ત્વચા પાતળી પડી જતી હોવાથી ઘર્ષણને કારણે બળતરા અને પીડા થતી હોઈ શકે છે. હવેથી સમાગમ દરમ્યાન કોપરેલ તેલનું લુબ્રિકેશન વાપરવું.  એક વાત ખાસ યાદ રાખવી કે કામેચ્છા મગજમાં પેદા થાય છે, શરીરમાં નહીં.  પીડાદાયક સમાગમને કારણે પત્નીને ઇચ્છા ન થતી હોય એવું બની શકે છે. મને લાગે છે કે તમે બે-ત્રણ દિવસ શહેરથી દૂર ક્યાંક નિરાંતના સ્થળે જતા રહો અને એકાંત માણો, પરંતુ નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાયટી નહીં રહે ને તમે મુક્તપણે મસ્તી કરી શકશો. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે. તેલ લગાવવાથી સંભવ છે કે દુખાવો બિલકુલ નહીં થાય અને યોનિપ્રવેશ સરળ બનશે, પણ એનો અમલ કરતાં પહેલાં પણ તમે બન્ને જો એકબીજા પ્રત્યે આત્મીયતા કેળવવાનું શરૂ કરશો તો ચોક્કસ વધારે ફરક પડશે. બહાર ફરવા ગયા હો ત્યારે ફોરપ્લેથી પણ તમે પૂરતો આનંદ મેળવી શકો છો.

sex and relationships columnists life and style