રહેવા દો, તમને નહીં આવડે

03 April, 2024 08:29 AM IST  |  Mumbai | Rashmin Shah

વડીલો બાળક બને છે એ વાત સાચી છે પણ તમામ બાબતમાં નહીં.

પ્રતીકાત્મક તસવીર

બાળકને કહેવામાં આવતા આ શબ્દો જ્યારે બાળક બનતા જતા વડીલોને કહેવામાં આવે છે ત્યારે એ શબ્દો વડીલોને ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ આપે છે અને પરિણામે વડીલોનો આત્મવિશ્વાસ ઘવાય છે. મનોચિકિત્સક કહે છે કે જો તમે ઇચ્છતા હો કે માબાપનો આત્મવિશ્વાસ અકબંધ રહે તો ક્યારેય તેમને બાળકની જેમ ટ્રીટ કરવાં ન જોઈએ

કિસ્સો પહેલો: બોરીવલીમાં રહેતાં મુક્તા દોશી તેમના દીકરાનું ઘર છોડી દીકરીના ઘરે રહેવા માટે જતાં રહ્યાં. મુક્તાબહેનની ફરિયાદ હતી કે દીકરો અને વહુ તેમને પોતાના પૌત્રને રાખતાં હોય એ રીતે જ ટ્રીટ કરે છે. નાની-નાની વાતમાં શિખામણ, નાની-નાની વાતમાં સમજાવવાનું કામ કર્યા કરે છે અને એવી રીતે વર્તે છે જાણે કે તેમને કંઈ ખબર નથી પડતી. મુક્તાબહેનની ફરિયાદ સાંભળ્યા પછી મોટા ભાગનાઓને મુક્તાબહેન ખોટાં લાગે છે, કારણ કે દીકરો અને વહુ મુક્તાબહેન સાથે કોઈ બાબતમાં ગેરવર્તન નથી કરતાં ઊલટાનું વધારે ધ્યાન રાખે છે. પણ મુક્તાબહેનને એવું લાગે છે કે એ લોકો યોગ્ય નથી કરતા. મુક્તાબહેન ખોટાં છે એવું હવે તેની દીકરીને પણ લાગવા માંડ્યું છે, પણ સાઇકિયાટ્રિસ્ટની નજરમાં મુક્તાબહેન સહેજ પણ ખોટાં નથી.

કિસ્સો બીજો : બોરીવલીમાં રહેતાં સુરેશ સત્રાને નાના દીકરા સાથે પ્રૉબ્લેમ છે, એવો જ પ્રૉબ્લેમ જેવો પ્રૉબ્લેમ મુક્તાબહેનને છે. મુક્તાબહેનની જેમ જ હવે સુરેશભાઈને પણ તેમના નાના દીકરા સાથે રહેવું નથી. મોટા દીકરા સાથે રહેવામાં તેમને કોઈ પ્રૉબ્લેમ નથી. સામા પક્ષે નાનો દીકરો પપ્પાના આવા વર્તનથી હિજરાય છે. કુટુંબના અન્ય સભ્યોએ સાથે મળીને આ વિષય પર વાત કરી અને નાના દીકરા અને તેની વાઇફની વાત સાંભળ્યા પછી બધાને લાગ્યું કે સુરેશભાઈ રજનું ગજ બનાવે છે. મોટી ઉંમરે પહોંચેલા બાપને સગા દીકરાની જેમ જ ટ્રીટ કરતો નાનો દીકરો સારો જ છે અને તે પપ્પાની સારસંભાળ યોગ્ય રીતે રાખે જ છે પણ સુરેશભાઈને નાના દીકરાની સાથે રહેવું નથી. સુરેશભાઈ પોતાના મનની વાત સમજાવી નથી શકતા એટલે તે એટલું જ કહે છે કે હું નાનું બાળક નથી કે મને એ રીતે રાખવાનો હોય. સુરેશભાઈ ખોટા નથી.

કેવા ડાયલૉગ્સ પેરન્ટ્સને કૉન્ફિડન્સ આપે છે?
તમે જુઓ, ન આવડે તો અમને કહેજો. અમે શીખવાડીશું.
નાના હતા ત્યારે તમે અમને કેટલું શીખવ્યું, આ કામ અમારે તમને શીખવવાનું છે.
તમને બધું જ આવડે છે, આ પણ ફાવી જશે.
મારામાં આવેલી આ ટૅલન્ટ તમે તો આપી છે.
અમને આટલું શીખવ્યું, 
તમને આટલું ન આવડે? શક્ય જ નથી.

આ બન્ને કિસ્સાઓ કાલ્પનિક નથી, સ્થળ અને વ્યક્તિનાં નામ સિવાયની બધી જ વાતો સાચી છે અને બન્ને વડીલોની ભાવના પણ વાજબી છે તો સામા પક્ષે એ સંતાનોની પણ વર્તણૂક ખરાબ નથી; તેઓ પોતાના વડીલોનો સહેજ પણ અનાદર નથી કરતાં કે તેમની તરફ દુર્લક્ષ પણ નથી સેવતાં અને એ પછી પણ આ વડીલોને ઓછું આવી રહ્યું છે. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘જ્યારે ફરિયાદ ઊભી થઈ હોય ત્યારે એક પક્ષ દોષિત હોય જ અને આવા કિસ્સામાં બાળકો જ દોષિત છે, એનું કારણ પણ છે. મોટી ઉંમરે નાનાં બાળકો જેવું વર્તન કરતા પેરન્ટ્સને તમે બાળકની જેમ ટ્રીટ કરવા માંડો એ વાજબી નથી, કારણ કે બાળકના અનુભવની સ્લેટ કોરી છે પણ એની સામે પેરન્ટ્સની સ્લેટ કોરી નથી; એમાં અઢળક અનુભવો છે અને એ અનુભવને કારણે તેમને એવું લાગતું થઈ જાય છે કે હવે નાની-નાની વાતમાં અમને શીખવાડવામાં આવે છે. બાળકને આપવામાં આવતું ગાઇડન્સ બ્લૅન્ક સ્લેટ પર હોય છે પણ વડીલોને આપવામાં આવતું ગાઇડન્સ તેમને ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ આપવાનું કામ કરે છે, જે તેમના આત્મવિશ્વાસને બહુ ખરાબ રીતે ડૅમેજ કરે છે.’

કેવા ડાયલૉગ્સ પેરન્ટ્સનો કૉન્ફિડન્સ તોડે છે?
રહેવા દો, તમને નહીં ફાવે.
મૂકી દો, તમને નહીં આવડે.
છોડો, તમારા માટે એ નવું છે.
હવે બધેબધું બદલાઈ ગયું છે.
તમે ને ચિન્ટુ બેઉ સરખા!

એવું નથી કે કૉમનમૅન જ એવું ધારી લે છે કે મોટી ઉંમરે માબાપ નાના બાળક જેવાં થઈ જાય છે. ના, એવું નથી. સેલિબ્રિટી સુધ્ધાં એવું જ માને છે અને સમય આવ્યે પોતાની ભૂલ સુધારે પણ છે. ફિલ્મ ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરે પોતાની બાયોગ્રાફી ‘ઍન અનસૂટેબલ બૉય’માં લખ્યું છે કે એક તબક્કે તેણે પોતાની મમ્મી હીરુ જોહરને કહી દીધું હતું કે તું મારી દીકરી હો એ પ્રકારે બિહેવ કરવા માંડી છો. કરણ જોહરના આ શબ્દોમાં આમ જોઈએ તો લાગણી પણ છે જ, પણ એમ છતાં મમ્મી દીકરા કરણના શબ્દોથી હર્ટ થઈ ગઈ હતી અને તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. થોડા સમય પછી કરણને પોતાના જ એક ફ્રેન્ડ પાસેથી ખબર પડી કે તેણે મમ્મીને પોતાના સંતાનના સ્વરૂપમાં ન જોવી જોઈએ અને એ રીતે ન વર્તવું જોઈએ. એ દિવસથી કરણે પોતાના વર્તનમાં ફેરફારો કરી નાખ્યા અને ઘરનું વાતાવરણ ફરીથી સુમેળભર્યું બન્યું. મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘વ્યક્તિગત રીતે જ્યારે આત્મવિશ્વાસ તૂટે ત્યારે માણસમાં ડિપ્રેશનની અસર ઊભી થવા માંડે છે અને મોટી ઉંમરે લાઇફમાં આવેલું ડિપ્રેશન વધારે ઘાતક બને છે. આપણે ઘણી વાર ઘણી ફૅમિલીમાં જોઈએ છીએ કે લાંબી બીમારી ભોગવતા વડીલોને જીવવાની ઇચ્છા નથી રહેતી. મોટા ભાગે આવું ત્યારે જ બનતું હોય છે જ્યારે એ વ્યક્તિ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. મોટી ઉંમરે માબાપ બાળક જેવાં થઈ જાય અને એવું વર્તન કરતાં થાય તો પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે તેની સાથેની વાતચીતમાં એવા ડાયલૉગ્સ ન વાપરવા જોઈએ જે ડાયલૉગ્સ તમે ખરા અર્થમાં બાળકો સામે વાપરતા હો. ‘તને નહીં આવડે’, ‘તને નહીં ફાવે’, ‘તું કામ બગાડીશ’, ‘તને પછી શીખવું છું’ જેવા ડાયલૉગ્સને માનવાચક બનાવીને વડીલો સામે વાપરતી વખતે મૅચ્યોર થયેલાં સંતાનોએ ભૂલી જાય છે કે તે પોતાના પેરન્ટ્સ સાથે વાત કરે છે, એ પેરન્ટ્સ સાથે જેની પાસે પોતાના અનુભવોનું એક મોટું ભાથું છે. આ પ્રકારના સંવાદોથી સાઇકોલૉજિકલી પેરન્ટ્સના મનમાં એ વાત જન્મે છે કે જો આ બધું મને ન આવડતું હોય તો આજ સુધી મેં શું આ પૃથ્વી પર દિવસો જ પસાર કર્યા?’

વડીલો બાળક બને છે એ વાત સાચી છે પણ તમામ બાબતમાં નહીં. એક ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી ખાનપાનની બાબતમાં વડીલો બાળક જેવા થાય છે, તે પોતાના સ્વાદ પર કન્ટ્રોલ નથી કરી શકતા પણ એવા સમયે બાળકોને જે રીતે રોકવામાં આવે એ જ રીતે તેમને રોકવામાં આવે એ બરાબર નથી. ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘તમે બાળકને ડર દેખાડી શકો, પણ પેરન્ટ્સને તમે ડર ન દેખાડી શકો. પેરન્ટ્સ પાસે પોતાનો અનુભવ છે, જેને રિસ્પેક્ટ આપીને કયો કન્ટ્રોલ શું કામ રાખવાનો છે અને એ કન્ટ્રોલ રાખવાથી શું ફાયદો થવાનો છે એ વાત સહજ રીતે સમજાવવી જોઈએ તો સાથોસાથ તેમના આત્મવિશ્વાસને હાનિ ન થાય એ માટે સંતાનોએ પોતાના નાનપણના કિસ્સાઓ, જેમાં પેરન્ટ્સ તેમને કઈ રીતે ટ્રીટ કરતા હતા એ વાતને પણ સતત દર્શાવ્યા કરવી જોઈએ; જેને લીધે પેરન્ટ્સ અને સંતાન વચ્ચે હાર્મની બને અને એ હાર્મનીના કારણે પેરન્ટ્સને એવું લાગે નહીં કે મને સમજાવનારી વ્યક્તિને યાદ છે કે હકીકતમાં હું જ તેની મા કે તેનો બાપ છું. આ જે ફીલિંગ્સ છે એ મોટી ઉંમરના પેરન્ટ્સના કૉન્ફિડન્સનું બૅકબોન બને અને તેમને સાઇકોલૉજિકલી એ વાત સમજાય છે કે જે કહેવામાં આવે છે કે કરવામાં આવે છે એ તેમના હિતમાં છે.’

તમે બાળકને ડર દેખાડી શકો, પણ પેરન્ટ્સ પાસે પોતાનો અનુભવ છે, જેને રિસ્પેક્ટ આપીને કયો કન્ટ્રોલ શું કામ રાખવાનો છે અને એનાથી શું ફાયદો થવાનો છે એ વાત સહજ રીતે સમજાવવી જોઈએ
મુકુલ ચોકસી, સાઇકિયાટ્રિસ્ટ

columnists life and style Rashmin Shah