06 January, 2023 05:38 PM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વીસ વર્ષનો દીકરો જીવન પ્રત્યે જરાય ગંભીરતા નથી. અત્યારે તે ફાર્મસીનું ભણી રહ્યો છે, પણ તેને એમાં રસ નથી. ટીનેજમાં વર્ષોમાં તેને ફૅશન ડિઝાઇનર બનવું હતું. અમે એમાં પણ તેને પૂરતો સપોર્ટ કર્યો. પણ પછી તેને લાગ્યું કે આ ફીલ્ડ તો છોકરીઓનું છે એટલે તેણે જાતે જ મન માંડી વાળ્યું. ફાર્મસીમાં બીજા વર્ષમાં આવ્યા પછી હવે કહે છે કે તેને એમાં પણ રસ નથી પડતો. તેને પોતાની કરીઅર બાબતે કોઈ ગંભીરતા જ નથી. તે બહુ જ ચંચળ મનનો છે. આ સમસ્યા તે દસમા-બારમામાં હતો ત્યારથી છે. તેને રાતે જાગીને વાંચવા માટે હું અથવા તેની મમ્મી જાગતાં. હું બહુ ભણ્યો નથી અને પરિવાર પૈસેટકે સદ્ધર નહોતું એટલે મને લાઇફમાં બહુ સ્ટ્રગલ કરવી પડી હતી. મને સમજાતું નથી કે હવે તેને જોઈએ એ સપોર્ટ કરવા માટે અમે તૈયાર છીએ છતાં તેને કેમ કરીઅર બાબતે ગંભીરતા નથી આવતી? તેના જીવનમાં આળસ અને મોજમસ્તી જ મહત્ત્વનાં છે. હું તેના જેવડો હતો ત્યારે ફુલટાઇમ નોકરી કરીને સાથે પાર્ટટાઇમ ગ્રૅજ્યુએશન કરતો હતો. જ્યારે તેને પાણીનો ગ્લાસ હલાવવાનો નથી છતાં ભણવામાં રસ નથી. શું કરવાનું?
આ પણ વાંચો : દીકરો ગમેએમ ગાળો બોલતાં શીખ્યો છે
જે ખાવાનું સહેલાઈથી ચાંદીની ચમચીમાં મળી જાય એની કદર ક્યારેય નથી થતી. પણ જો એક રોટલો થાળીમાં પરોસાય એ પહેલાં પસીનો પાડવો પડ્યો હોય તો એ બહુમૂલ્ય બની જાય છે. તમને નહીં ગમે, પણ જ્યારે આપણે ‘મેં વેઠ્યું એ મારા બાળકને ન વેઠવું પડે’ એવું વિચારીને બાળકને બધું જ તૈયાર ભાણામાં પીરસી દઈએ છીએ ત્યારે તેઓ વાસ્તવિકતાથી અજાણ રહી જાય છે. તેઓ ફૅન્ટસી વર્લ્ડમાં જીવવા લાગે છે. આ ફૅન્ટસી વર્લ્ડમાંથી સંતાનને ધરતી પર કઈ રીતે લાવવું અને ગંભીર બનાવવું એ બહુ જ અઘરું છે. આપણી કમનસીબી છે કે આપણને હાડમારીઓ જ ધરતી સાથે જોડાયેલા રાખી શકે છે. જ્યારે નવી પેઢીને આપણે પાણી માગતા દૂધ પીરસીને હાડમારીનો અંશ પણ ભોગવવા નથી દીધો એ જ આપણી ભૂલ છે.
આ પણ વાંચો : એક્સની બુરાઈથી દિલ હલકું થાય એ ખોટું છે?
તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ ગરીબનો છોકરો સ્ટ્રીટલાઇટના અજવાળે વાંચીને ઊંચા માર્ક્સ લાવી શકે છે? તેની અને તેના પરિવારની પ્રતિકૂળ સ્થિતિઓને સુધારવાની અને કેમેય કરીને એમાંથી ઉપર ઊઠવાની છટપટાહટ તેને આ ગંભીરતા બક્ષે છે. આજે આપણે સંતાનોને બધી જ કમ્ફર્ટ આપીને પોપલાં બનાવી દીધાં છે. સંતાન માટે અતિશય કમ્ફર્ટેબલ વાતાવરણ જ તેના વિકાસનો સૌથી મોટો અવરોધ છે.