10 February, 2023 05:21 PM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
મારો દીકરો નવ વર્ષનો છે. બન્ને વર્કિંગ છીએ એટલે નાનપણથી તેની સાથે બહુ સમય ગાળવા નથી મળ્યો. વૅકેશનમાં સપરિવાર સાથે રહીએ ત્યારે દેરાણી અને જેઠાણીના દીકરા-દીકરીઓ પણ સાથે હોય. મેં જોયું છે કે મારો દીકરો આ બધાની હાજરીમાં બહુ જુદી રીતે બિહેવ કરે છે. તેની પોતાની ઇન્ડિવિજ્યુઅલ ચૉઇસ હોતી જ નથી. કઝિને ફલાણી ફ્લેવરનો આઇસક્રીમ મગાવ્યો એટલે તે પણ એ જ લે. બીજા કહે કે ઑનલાઇન ગેમ રમીએ તો તેને ન ગમતું હોવા છતાં તૈયાર થઈ જાય. તે પોતાના ગમા-અણગમા કહી જ નથી શકતો. કોઈ તેને બુલી કરે તો પણ તેની સામે પોતાનો અણગમો વ્યક્ત કરવાને બદલે તે એ જ વ્યક્તિને વહાલા થવાની કોશિશ કરે છે. દેખાદેખીથી ખોટી આદતો બહુ જલદી કેળવાઈ જાય છે. આ બાબતે તેને બહુ સમજાવીએ છીએ, પણ અસર નથી. તેના કૉન્ફિડન્સને વધારવા શું કરવું?
તમે એવું માનો છો કે તે દેખાદેખી કરે છે, પણ હકીકતમાં તે ઓછો સેલ્ફ-એસ્ટીમ ધરાવે છે એવું તેના વર્તન પરથી લાગે છે. તે પોતે જે કરી રહ્યો છે એ સાચું છે કે ખોટું, પોતાની ચૉઇસ સારી છે કે ખરાબ એ વિશે બહુ વિચારે છે અને પોતે એ નક્કી ન કરી શકતો હોવાથી બીજા કરે છે એવું કૉપી કરવામાં પોતાને સેફ માને છે. આ આત્મવિશ્વાસની કમીનું જ લક્ષણ છે.
જ્યારે કોઈ વ્યક્તિ ઓછો કૉન્ફિડન્સ ધરાવતી હોય ત્યારે સૌથી પહેલું કામ તો તેને ટોકવાનું બંધ કરી દેવું. એનાથી આત્મવિશ્વાસ પર વધુ ઠેસ પહોંચે છે. તેને બધાની સામે પ્રોત્સાહન આપવામાં આવે અથવા તો દેખાદેખી નહીં કરવા માટે સમજાવવામાં આવે તો તે વધુ હીણપત અનુભવે છે. કોઈ બુલી કરે ત્યારે તે સામો જવાબ નથી આપી શકતો એનું કારણ પણ એ જ છે કે તે પોતાના કરતાં બીજા જે કહે છે એને વધુ મહત્ત્વ આપે છે. અને હા, કોઈ તેને બુલી કરે ત્યારે તમે તેના વતી બીજાને ટોકો કે તેનો પક્ષ લો એવું તો હરગિઝ ન કરવું. એમ કરવાથી તે પોતાને વધુ વીક માનશે અને પોતાના માટે બીજું કોઈ સ્ટૅન્ડ લે એવી હંમેશાં અપેક્ષા રાખશે.
મને એવું લાગે છે કે તમારે પેરન્ટ્સ તરીકે બાળક સાથે વધુ સમય ગાળવાની જરૂર છે. તે શું ફીલ કરે છે, તેને શું ગમે છે એ સમજીને તેને સ્પેશ્યલ ફીલ કરાવવાની જરૂર છે.