17 May, 2023 02:42 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારી ઉંમર ૪૮ વરસની છે. જનરલ સમસ્યાઓ લઈને ફૅમિલી ડૉક્ટર પાસે ગયો હતો અને તેમણે બ્લડ-શુગર ચેક કરવા કહ્યું ને ખરેખર જ મારું બ્લડ-શુગર ખૂબ હાઈ આવ્યું. તેમના કહેવા મુજબ હવે મારે નિયમિત દવા લેવી પડશે. મેં એવું સાંભળ્યું છે કે ડાયાબિટીઝની દવાની આડઅસરને કારણે સેક્સ-લાઇફમાં આગળ જતાં પ્રૉબ્લેમ થઈ શકે છે. આડઅસર ન થાય અને ડાયાબિટીઝ પણ મટે એવું કંઈ ન થાય? મને હજી સુધી ઉત્તેજના આવવામાં તકલીફ નથી, પણ દવાઓ શરૂ કર્યા પછી કામેચ્છા ઘટી ગઈ છે. ડાયાબિટીઝ થયા પછી કેટલાં વરસમાં સેક્સ-લાઇફ ખલાસ થઈ જાય? ચર્ની રોડ
સૌથી પહેલાં તો કહેવું પડશે કે તમે જે સાંભળ્યું છે એ સાવ જ ખોટું છે. ડાયાબિટીઝની દવાની આડઅસરને કારણે કદી સેક્સ-લાઇફમાં પ્રૉબ્લેમ થવાનું મેં મારી પ્રોફેશનલ કરીઅર દરમ્યાન ક્યારેય સાંભળ્યું નથી. એનાથી ઊલટું જો ડાયાબિટીઝને ટ્રીટ કરવામાં ન આવે અને લાંબા સમય સુધી શુગર બ્લડમાં રહેતી હોય તો એનાથી સેક્સ-લાઇફમાં તકલીફ ઊભી થઈ શકે છે માટે આડઅસરની બીકે દવા ન લેતા હો તો નિયમિત લેવાનું શરૂ કરી દો. ડાયાબિટીઝને કારણે લાંબા ગાળે શિશ્નમાં રક્તભ્રમણમાં ઓછપ થવાને કારણે ઉત્થાનમાં તકલીફ થઈ શકે છે.
બીજું, ડાયાબિટીઝ થયા પછી અમુક-તમુક ચોક્કસ વર્ષે સેક્સ-લાઇફ ખતમ થઈ જાય એવું નથી હોતું. ઘણા લોકોને ડાયાબિટીઝ વિના પણ ઉત્થાનમાં તકલીફ આવે છે તો જે લોકો ડાયાબિટીઝ કાબૂમાં રાખે છે તેમની સેક્સ-લાઇફ લાંબી મજાની ચાલે છે. તમે બ્લડ-શુગર લેવલ કન્ટ્રોલમાં રાખીને તમારી રક્તવાહિનીઓને સ્વસ્થ રાખો એ હેલ્ધી સેક્સ-લાઇફ માટે જરૂરી છે.
ડાયાબિટીઝ માટેની દવાઓ ઉપરાંત ખાવા-પીવામાં કાળજી રાખો. ફાઇબરવાળાં શાકભાજી, આખા ધાન્યો વધુ લો. પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સ કે આર્ટિફિશ્યલ કલર્સ વગેરેનું સેવન સદંતર બંધ કરો. એ બધા ઉપરાંત રોજ દિવસમાં ૪૫ મિનિટ હળવી કસરતો અને યોગાસન કરો. રોજ જમ્યા પછી ૧૦ મિનિટ હળવું વૉક લો. એનાથી પાચનક્રિયા સુધરશે. હાર્ટ-રેટ વધે એવી કસરત કરતા રહેવાથી ડાયાબિટીઝ પણ કન્ટ્રોલમાં રહેશે.