05 September, 2022 12:48 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી ઉંમર ૨૪ વર્ષ છે. ટીનેજ દરમ્યાન મને ખૂબ જ આછી દાઢી ઊગી હતી. હવે ચહેરા પર દાઢી-મૂછ છે, પણ છાતી અને હાથ-પગ પર બહુ પાંખી રુવાંટી છે. બીજું, ૧૫ વર્ષનો હતો ત્યારથી મને એવું લાગી રહ્યું છે કે મારાં બ્રેસ્ટ્સ વિકસી રહ્યાં છે. છાતીના ભાગમાં ગર્લ્સને જેવો ઉભાર દેખાય એટલી ચરબી જામી છે. હંમેશાં લૂઝ શર્ટ પહેરું છું જેથી બીજા કોઈને ખબર ન પડે, મને ટી-શર્ટ પહેરવાની ઇચ્છા ઘણી થાય છે, પણ પછી લોકો મારી મજાક ઉડાવશે એ બીકે મન વાળી લઉં છું. ઓબેસિટીનો શિકાર હોવાથી મેં વર્કઆઉટ અને ડાયટિંગ કરવાનું શરૂ કર્યું અને વજન ઘટાડ્યું; પણ છાતી પરની ચરબી ઘટી નથી, બલ્કે વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. મસ્ક્યુલર બૉડી બનાવવા માટે હું ઘરે જ સિટ-અપ્સ અને બીજી કસરતો કરું છું, પણ છાતીના ભાગની ચરબી ટસની મસ નથી થતી. ઇન ફૅક્ટ, મારું ઓવરઑલ વજન વધે ત્યારે પણ છાતીના ભાગમાં જ વધુ ચરબી જમા થાય છે. શું ઑપરેશનથી છાતીની ચરબી દૂર કરાવી શકાય? ગર્લફ્રેન્ડ અસલિયત જાણીને મને છોડી તો નહીં દેને? કાંદિવલી
યંગ એજમાં દાખલ થતી વખતે હૉર્મોન્સમાં આવતા ફેરફારને પગલે છોકરાઓમાં પણ ક્યારેક બ્રેસ્ટ જેવો ઉભાર જોવા મળે છે. જોકે મોટા ભાગના કિસ્સામાં આ સમસ્યા ટેમ્પરરી હોય છે. હૉર્મોનલ સંતુલન આવી જતાં બધું બરાબર થઈ જાય છે. જોકે તમારા કેસમાં આ વાત લાગુ નથી પડતી. તમારી પ્યુબર્ટી-એજ પૂરી થયાને ઘણો સમય થઈ ગયો છે અને દાઢી-મૂછ તેમ જ અન્ય લક્ષણો પણ નૉર્મલ થઈ ગયાં છે. જોકે એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો હજીયે હૉર્મોનલ અસંતુલન હશે તો એક વાર સર્જરી કરાવ્યા પછી કાયમી ઉકેલ મળી ગયો એવું ધારવું ભૂલ ભરેલું છે. સર્જરી પછી ફરીથી આ જ સમસ્યા ઊભી થઈ શકે છે. એટલે સર્જરીને તમે કાયમી ઉકેલ તરીકે તો ન જ જોઈ શકો.
તમને એક પર્સનલ ઍડ્વાઇઝ આપું. તમારા આ પ્રૉબ્લેમના કાયમી અને જડમૂળના ઉકેલ માટે પહેલાં તો તમે શરમ છોડી દો. જરાય શરમાયા વિના તમારે કોઈ સારા એન્ડોક્રાઇનોલૉજિસ્ટ એટલે કે હૉર્મોન્સના નિષ્ણાતને કન્સલ્ટ કરવા જોઈએ. હૉર્મોન્સની પૂરી તપાસ પછી જે નિદાન થાય એ મુજબનો વિકલ્પ પસંદ કરી શકાય.