17 October, 2024 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક સમયે યંગસ્ટર્સને કમિટમેન્ટ વિનાના કામચલાઉ સંબંધોનો ટ્રેન્ડ કૂલ લાગતો હતો, પણ હવે તેઓ જૂના જમાનાના સ્લો ડેટિંગના પ્રેમમાં પડી રહ્યા છે. ‘સિમર ડેટિંગ’ તરીકે પ્રચલિત બનેલા આ નવા ટ્રેન્ડ મુજબ આજના યંગસ્ટર્સ માનતા થયા છે કે ધીમી આંચ પર જેમ ખાવાનું વધુ સ્વાદિષ્ટ બનતું હોય એવી જ રીતે ધીમે-ધીમે પ્રેમમાં આગળ વધવાથી સંબંધો વધુ ગાઢ થાય
ડેટિંગ ઍપ્સના જમાનામાં થોડા-થોડા સમયે નવા-નવા ડેટિંગ ટ્રેન્ડ આવતા રહે છે. એમાં હવે વધુ એક ‘સિમર ડેટિંગ’નો ઉમેરો થયો છે. કૅઝ્યુઅલ રિલેશનશિપના જમાનામાં આજકાલ સિમર ડેટિંગનો ટ્રેન્ડ જેન ઝીમાં વધી રહ્યો છે. એક ડેટિંગ ઍપના સર્વે મુજબ મુખ્ય શહેરોથી લઈને નાનાં શહેરોમાં ૪૭ ટકા જેન ઝી ડેટર્સ સિમર ડેટિંગને પસંદ કરી રહ્યા છે.
સિમર ડેટિંગમાં ફિઝિકલ રિલેશન પાછળ દોટ મૂકવાને બદલે ઇમોશનલ બૉન્ડિંગ બનાવવા પર ભાર મૂકવાની વાત છે. એટલે આમ જોવા જઈએ તો આ જૂના જમાનાના રોમૅન્સ જેવું છે જેમાં પહેલાં એકબીજાને ઓળખી, સમજીને પછી આગળ વધવાની વાત છે. અંગ્રેજી શબ્દ સિમરનો અર્થ જ એવો થાય છે કે ધીમી આંચે પકાવવું અને સિમર ડેટિંગમાં પણ રિલેશનશિપમાં ધીમે-ધીમે આગળ વધવાની વાત છે.
નવા જમાનાના ડેટિંગમાં બે પાર્ટનર એક કપલની જેમ રહેતા હોય. એમાં તેમની વચ્ચે ઇમોશનલ કનેક્શન કદાચ હોય અને ન પણ હોય. આવા રિલેશનમાં કોઈ સિરિયસ કમિટમેન્ટ હોતું નથી. એક સમય સુધી આવી રિલેશનશિપ ખૂબ કૂલ અને એક્સાઇટેડ લાગે. જોકે લાંબા ગાળે એની નકારાત્મક અસર મેન્ટલ હેલ્થ પર પડે છે. છેલ્લાં અમુક વર્ષોમાં મેન્ટલ હેલ્થ પ્રત્યે સજાગતા વધી છે. એટલે જ કદાચ યંગસ્ટર્સ સિમર ડેટિંગ તરફ વળી રહ્યા હોય એવું બને. આમાં બે પાર્ટનર ઇન્સ્ટન્ટ ઍટ્રૅક્શન કરતાં સંબંધોના ઊંડાણમાં ઊતરીને ધીરજ રાખી એકબીજાનો સ્વભાવ, કલ્ચર, લાઇફના ગોલ્સ સમજીને જીવનમાં આગળ વધવા માટે સાથસહકાર પૂરો પાડે છે. આ રિલેશન વિશ્વાસ અને પ્રેમના પાયા પર બંધાય છે એટલે એ વધુ સ્ટેબલ હોય છે. કોઈ પણ સંબંધમાં જ્યારે સ્ટેબિલિટી હોય ત્યારે વ્યક્તિ માનસિક રીતે વધુ સિક્યૉર હોવાનો અનુભવ કરે છે.
જેન ઝીને એ વાત સમજાઈ રહી છે કે કૅઝ્યુઅલ ડેટિંગ તેમને થોડા સમય માટે ખુશ રાખી શકે છે, પણ સિમર ડેટિંગમાં તેમની ભલાઈ છે. આનું કારણ એ છે કે જીવનના એક તબક્કે બધા જ રિલેશનશિપમાં એક સ્ટેબિલિટી ઇચ્છે. એક એવું પાત્ર ઇચ્છે જે સુખ-દુઃખમાં હંમેશાં તેમની સાથે હોય. મેન્ટલ અને ઇમોશનલ વેલબીઇંગ માટે હેલ્ધી અને સ્ટેબલ રિલેશનશિપ જરૂરી છે.