02 September, 2024 10:52 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક વડીલ મારી પાસે આવ્યા. રિટાયર્ડ ગવર્નમેન્ટ ઑફિસર, બહુ લર્નેડ. બે જ દીકરીઓ અને બન્ને પરણીને ફૉરેન સેટલ થઈ ગયેલી. એ વડીલને થોડા સમયથી સેક્સ વિશેના વિચારોની માત્રા વધી ગઈ. પરિણામે તેમણે એ વિષયના લેખો અને લિટરેચર પણ વાંચવાનું શરૂ કર્યું. જોકે એ લિટરેચર બીભત્સ સાહિત્ય નહોતું. એ ઑથેન્ટિક સેક્સોલૉજિસ્ટનાં પુસ્તકો વાંચ્યા. જેમાં તેમણે ઓશોનું એક વાક્ય વાંચ્યું, ‘સેક્સ બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે હોય છે...’ આ જ વાત પર તેમના મનમાં વિચાર આવ્યો કે જો સેક્સ માટે એવું હોય તો પછી બ્રહ્મચર્ય બે કાન વચ્ચે શક્ય બને કે નહીં?
બહુ સરસ કહેવાય એવો આ પ્રશ્ન છે. જેમ ઇન્ટિમેટ રિલેશન પણ બે કાન વચ્ચેની ઘટના છે એવી જ રીતે બ્રહ્મચર્ય પણ બે પગ વચ્ચે નહીં, બે કાન વચ્ચેની જ વાત છે. જોકે એ સમજવા માટે તમારે આ બ્રહ્મચર્ય શબ્દને સારી રીતે સમજવો રહ્યો. બ્રહ્મચર્ય એ બ્રહ્મ અને ચર્ય એમ બે શબ્દમાંથી જન્મેલો શબ્દ છે.
બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે શોધ. આત્માની શોધ કરવાની પ્રક્રિયા એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો બીજો અર્થ પણ છે. શાસ્ત્રોમાં બ્રહ્મને વેદ સાથે સરખાવ્યો છે. બ્રહ્મ એટલે વેદ અને ચર્ય એટલે અભ્યાસ. અર્થાત્, બ્રહ્મચર્ય એટલે વેદોનો અભ્યાસ. ધ્યાન અને અભ્યાસ માટે મનનો ઉપયોગ થાય અને મન બે કાન વચ્ચે હોય, બે પગ વચ્ચે નહીં.
ઓશોનાં કથનો સોશ્યલ મીડિયા પર બહુ ફરે છે, પણ એ વાત કેવા સંદર્ભમાં કહેવામાં આવી છે અને એની આગળ-પાછળની વાત કઈ છે એ વિશે લોકોને બહુ ખબર નથી હોતી, જે સમજવું બહુ જરૂરી છે. સેક્સ શબ્દ આવતાં નાકનું ટોચકું ચડાવતા લોકોએ ઓશોનું ‘સંભોગ સે સમાધિ તક’ પુસ્તક વાંચવાની કે પછી એ ઑડિયો લેક્ચર સાંભળવાની જરૂર છે.
સંભોગ દ્વારા પરમાનંદ પામવાની જે વાત છે એને ઓશોએ પરમાત્મા સાથે જોડી છે. સાયકોલૉજિકલી પુરવાર થયું છે કે સેક્સથી મોટું સ્ટ્રેસ-બસ્ટર બીજું કશું નથી. મન તાણમુક્ત હોય એવા સમયે જ પરમાનંદનો અનુભવ થઈ શકે અને મોટા ભાગના લોકોને પરમાનંદનો અનુભવ સેક્સ દ્વારા થતો રહ્યો છે. સેક્સની ચરમસીમા પર સમાધિ જેવો હળવાશનો અનુભવ થાય છે. આ હળવાશના અનુભવને કેવી રીતે આત્મસાત કરવો અને આત્મસાત કરેલા એ અનુભવને કેવી રીતે સેક્સ વિના પણ પામવો એની આખી યાત્રા ઓશોના આ પુસ્તકમાં છે. ઓશોનું આ પુસ્તક ક્રાન્તિકારી વિચારોથી ભરેલું છે. એ પુસ્તક પછી ઓશોના મૉડર્ન વિચારો દુનિયાભરમાં પ્રસર્યા, ઓશો સાથે બૌદ્ધિક લોકો પણ જોડાયા અને દુનિયાભરમાંથી લોકો ઓશો પાસે આવવા માંડ્યા.