ટીનેજ બચ્ચાંઓના મનની વાત સમજવાની ટ્રાય કેમ ક્યારેય કોઈ નથી કરતું?

15 May, 2024 07:34 AM IST  |  Mumbai | Krishnadev Yagnik

સાયકોલૉજિસ્ટથી માંડીને સોશ્યોલૉજિસ્ટ અને ક્રાઇમ-એક્સપર્ટ્સ પણ કહે છે કે ટીનેજ બાળકની સાથે રહેવું, તેના મનની વાત સતત જાણતા રહેવી અને તેને એ વાત સમજાવતા રહેવું કે એ ઘરનું મહત્ત્વનું પાત્ર છે

પ્રતીકાત્મક તસવીર

બે વીક પહેલાં મેં પ્રોડ્યુસ કરેલી એક ફિલ્મ રિલીઝ થઈ હતી. વાત કરવાની છે એ ફિલ્મના રિસર્ચ દરમ્યાન મને જેકંઈ જાણવા મળ્યું એની. ગુમ થઈ ગયેલા એક બાળકને કેન્દ્રમાં રાખીને ફિલ્મ કરવાનું નક્કી થયું એ પછી હું મારી ટીમ સાથે ઘણા પોલીસ-ઑફિસરોને મળ્યો, જેમાં ખબર પડી કે ગુમ થનારાં ૧૦૦ બાળકોમાંથી હાર્ડલી બેથી ત્રણ બાળકોને પૈસા માટે કિડનૅપ કર્યાં હોય છે. હા અને બાળક ગુમ થવાની બાબતમાં મોટું પ્રમાણ જો કોઈ હોય તો એ છે સ્વેચ્છાએ ઘર છોડીને નીકળી જનારાં બાળકોનું. ઑર્ગન કાઢી લેવા કે સેક્સ્યુઅલી અબ્યુઝ કરવા જેવાં કારણો પણ ખરાં, પરંતુ એનું પ્રમાણ પણ ઓછું છે.

હવે વાત કરીએ સ્વેચ્છાએ, પોતાની ઇચ્છાથી ઘર છોડીને ચાલ્યાં જનારાં બાળકોની, જેમાં સ્ટોરી એવી ઊભી થતી દેખાય કે તે ગુમ થઈ ગયું છે, પણ હકીકત એવી નથી હોતી. ઘર છોડીને નીકળી જનારાં બાળકો પાસે બેસીને તમે તેના પ્રશ્નો સાંભળો તો તમને સમજાય કે ખરેખર આપણે ટીનેજ બાળકો વિશે ક્યારેય વિચારતા જ નથી. ૧૦-૧૨ વર્ષથી સત્તરેક વર્ષનાં આ જે બાળકો છે એ બાળકો નથી રહેતાં બાળકોમાં કે નથી હોતાં યંગસ્ટર્સમાં. આ એજમાં તેના મનમાં અનેક પ્રશ્નો ચાલતા હોય છે અને આ જ સમય દરમ્યાન ઘણાં ખરાં બાળકો સાથે પેલી બૅડ-ટચવાળી ઘટના પણ બને છે.

સતત ફ્લોમાં ભાગતા પેરન્ટ્સ ક્યારેય આવી કુમળી કહેવાય એવી એજ પર પહોંચેલાં તેમનાં સંતાનો સાથે બેસતા નથી જેને લીધે બને છે એવું કે બાળકને એવું મનમાં આવવા માંડે છે કે આ ફૅમિલી માટે તો તે ફૉરેન-પાર્ટિકલ છે; એ હોય કે ન હોય, એનાથી ફૅમિલીને કોઈ ફરક નથી પડવાનો. રિસર્ચમાં અમને ઘણા પોલીસ-ઑફિસરોએ કહ્યું કે અમે પેરન્ટ્સને પણ કહીએ છીએ કે આ એજ પર બાળક પહોંચે ત્યારે તેમને એટલું જ અટેન્શન આપો જેટલું અટેન્શન તમે તમારા નવજાત શિશુને આપતા હતા. કેટલાક તેમની વાત માને છે તો કેટલાક બાળક પર ગુસ્સો કરીને તેને વધારે ઇન્ટ્રોવર્ટ બનાવી દે છે. આવું ન થાય એ બહુ જરૂરી છે.

સાયકોલૉજિસ્ટથી માંડીને સોશ્યોલૉજિસ્ટ અને ક્રાઇમ-એક્સપર્ટ્સ પણ કહે છે કે ટીનેજ બાળકની સાથે રહેવું, તેના મનની વાત સતત જાણતા રહેવી અને તેને એ વાત સમજાવતા રહેવું કે એ ઘરનું મહત્ત્વનું પાત્ર છે એ બહુ જરૂરી છે. હું તમને પણ કહીશ કે જો તમારા ફૅમિલી કે ફ્રેન્ડ્સમાં કોઈ ટીનેજર હોય તો તેને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળે એ પ્રકારનું વાતાવરણ બનાવજો અને એ લોકોને પણ કહેજો કે એટલું ધ્યાન રાખે. કારણ કે ખરાબ ઘટના જવલ્લે જ બનતી હોય છે, પણ એ બને ત્યારે પારાવાર અફસોસ થાય છે.

sex and relationships columnists life and style