સંતાનોના ફ્રેન્ડ્સ કોણ છે એ જાણવું એ પેરન્ટ્સની પહેલી જવાબદારી છે

08 May, 2024 07:13 AM IST  |  Mumbai | Dharmesh Mehta

સંતાનોને ફ્રેન્ડ્સ બહાર મળશે, પણ સંસ્કાર આપનારાં માબાપ બહાર નહીં મળે.

પ્રતીકાત્મક તસવીર

તમે ઇન્ડિયન ક્રિકેટ ટીમના પ્લેયર્સનાં નામ પૂછશો તો અગિયારેઅગિયાર પ્લેયરનાં નામ મોઢે બોલી દે એવું બને, પણ તમે તમારાં બાળકોના પાંચ ફ્રેન્ડનાં નામ બોલવાનું કહો તો અનેક પેરન્ટ્સ એવા છે જે નામ નહીં બોલી શકે. મારી દૃષ્ટિએ આ ખોટું છે. ઘણાને એવું લાગે છે કે બાળકો ટીનએજ ક્રૉસ કરી લે પછી આવું બધું ધ્યાન રાખવું એ તેના પર અવિશ્વાસ રાખવા જેવું કહેવાય, પણ હું કહીશ કે વાત અવિશ્વાસની નથી, વાત તમારી જવાબદારીની છે અને સંતાન મોટું થાય તો પણ માબાપની જવાબદારી પૂરી નથી થતી. તમારાં બાળકો કોની સાથે ફરે છે, કોની સાથે રહે છે અને ક્યાં જાય છે એની તમને ખબર હોવી જ જોઈએ. મારો દીકરો નમન આજે મારો ચીફ અસિસ્ટન્ટ ડિરેક્ટર છે. એકાદ-બે વર્ષમાં તે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ફિલ્મો ડિરેક્ટ કરશે. મારી દીકરી રાજવી પણ પોતાના એજ્યુકેશનમાં અવ્વલ છે અને તે પણ મારી સાથે ઍક્ટિવ છે. બન્ને પૂરતાં મૅચ્યોર્ડ છે, રિસ્પૉન્સિબલ છે અને એ પછી પણ એ લોકો બહાર જતાં હોય તો ક્યાં જાય છે અને કોની સાથે જાય છે એ તેમણે મને અને મારી વાઇફ જિજ્ઞાને કહેવાનું જ હોય અને એમાં તેમને કોઈ સંકોચ પણ નથી થતો. એ લોકોએ નાનપણથી જોયું છે કે આમ જ રહેવાનું હોય, આ ફૅમિલી-વૅલ્યુનો એક પાર્ટ છે અને એ નિભાવવાનો જ હોય. તેના બીજા ફ્રેન્ડ્સ તેમના ઘરે ન કહેતા હોય તો પણ એ લોકો અમને બધી વાત કરે.

શરૂઆતમાં નમન અને રાજવીને લાગ્યું પણ હોય કે પપ્પા-મમ્મી બહુ પૃચ્છા કરે છે પણ એક વખત અમે બન્નેએ એ લોકોને શાંતિથી બેસાડીને સમજાવ્યાં હતાં કે આ આપણા બધાના હિતમાં છે. ધારો કે તમે લોકો બહાર ક્યાંય અટવાશો તો અમે તરત તમારો કૉન્ટૅક્ટ કરી શકીશું અને એવું બનશે ત્યારે તમે જો બધું કીધું હશે તો તમને પણ અમારો કૉન્ટૅક્ટ કરવામાં ખચકાટ નહીં રહે.
હું પોતે મારા ઘણા ફ્રેન્ડ્સમાં જોતો હોઉં છું કે એ લોકો પોતાનાં બાળકોને એક પ્રશ્ન પૂછે નહીં, દરેક વાતમાં હા પાડતા રહે, પણ મને એ યોગ્ય નથી લાગતું. હું તો ત્યાં સુધી કહીશ કે તમારાં બાળકો પાસેથી હિસાબ માગવાની પણ આદત રાખો. તમે હિસાબ માગશો તો જ તેને હિસાબ રાખવાની આદત પડશે. પૉઇન્ટ અહીં પૈસાનો નથી, પૉઇન્ટ અહીં ડિસિપ્લિનનો છે અને એ શીખવવાની જવાબદારી પેરન્ટ્સની જ હોય અને એ શીખવવા માટે જરૂર પડે ત્યારે ન ગમતું પણ કરવું પડે. કારણ કે આપણે માબાપ છીએ. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ડિરેક્ટ કરતો ત્યારે ડાયલૉગમાં એક લાઇન ઍડ કરી હતી. સંતાનોને ફ્રેન્ડ્સ બહાર મળશે, પણ સંસ્કાર આપનારાં માબાપ બહાર નહીં મળે.

sex and relationships life and style columnists