01 August, 2023 04:22 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૨૭ વર્ષ છે. કૉલેજના સમયથી મને ગર્લ્સ અને બૉય્ઝ બન્ને સાથે સંબંધોની આદત પડી ગઈ હતી. મને બન્ને પ્રકારના સંબંધો ગમે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી મને સેક્સ-ચેન્જ કરાવી લેવાની તીવ્ર ઇચ્છા થાય છે. હવે મારે છોકરા બનવાનું ઑપરેશન કરાવીને માત્ર છોકરીઓ સાથે જ સંબંધ રાખવા છે. હું અને મારી ગર્લફ્રેન્ડ બન્ને ઇચ્છીએ છીએ કે હું સેક્સ-ચેન્જ કરાવીને છોકરો બની જાઉં. એમાં જ અમને બન્નેને વધુ આનંદ આવે છે. હું ક્યારેક છોકરાનાં કપડાં પહેરીને પણ ફરું છું. સેક્સ-ચેન્જ માટે મેં પ્લાસ્ટિક સર્જ્યનને કન્સલ્ટ કર્યા તો તેમણે મને પહેલાં સાઇકિયાટ્રિસ્ટને મળીને વાત કરવાનું કહ્યું છે. શું એવું જરૂરી છે? હું મારી જાતે નિર્ણય ન લઈ શકું કે મારે કયું જેન્ડર જોઈએ છે?
ગોરેગામ
તમને સેક્સ-ચેન્જ કરાવવાનો વિચાર ક્યારથી અને કેમ આવ્યો એ બાબતે તમારા સવાલમાં કશું જણાવ્યું નથી, પણ જો સેક્સ-ચેન્જનું ઑપરેશન કરાવવું હોય તો એ માટે વિચાર પાછળનું કારણ સ્પષ્ટ કરવું જ પડશે. સેક્સ-ચેન્જ કરવું હોય તો પહેલાં સાઇકિયાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવું જરૂરી છે. ઘણી વાર જાતિ-પરિવર્તન કરવાની ઇચ્છા એ કોઈ મનઘડંત તુક્કો હોય છે અને એક વાર પરિવર્તન થઈ ગયા પછી મૂળ જાતિમાં પાછા ફરવું લગભગ અશક્ય હોય છે. તુક્કાના આધારે કોઈ વ્યક્તિ પોતાના અસ્તિત્વ સાથે ચેડાં કરી ન બેસે એ માટે કાઉન્સેલિંગ ખૂબ જરૂરી છે.
ઘણી વાર કેટલીક વ્યક્તિ પર્સનાલિટી ડિસઑર્ડરની સમસ્યાને કારણે તીવ્રપણે જાતિ-પરિવર્તન ઝંખતી હોય છે. જોકે તમે અચાનક જ આવું મન થયું હોવાનું કહો છો ત્યારે એની શક્યતા પણ ઓછી લાગે છે. સેક્સ-ચેન્જની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે. એમાં તબક્કાવાર પરિવર્તન કરવામાં આવે છે. સાઇકોલૉજિકલી, સોશ્યલી અને છેક છેલ્લે ફિઝિકલ પરિવર્તનો કરવામાં આવે. આ પ્રક્રિયા ખર્ચાળ પણ છે.
મારી તમને એક જ સલાહ છે કે આ જીવનભરનો નિર્ણય છે એટલે માત્ર થોડાક સમયના લાગણીના ઊભરાથી દોરવાવાને બદલે થોડોક સમય પસાર થવા દો. સમજણ મેળવવા માટે આ સેક્સ-ચેન્જ પરિવર્તન શું છે એ સમજવા સાઇકોલૉજિસ્ટને કન્સલ્ટ કરો અને પછી એ દિશામાં વિચાર કરો.