14 April, 2023 05:05 PM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. મને જે છોકરા પર ક્રશ છે. તે મારા ગ્રુપમાં નથી પણ અમારો એક કૉમન ફ્રેન્ડ છે. તેને મેં આડકતરી રીતે મારી પસંદગી બતાવી છે, પણ તેણે એ વખતે જાણે મારામાં ઇન્ટરેસ્ટ જ ન હોય એવું બતાવ્યું. મને લાગ્યું કે તે ડિસ્ટન્સ મેઇન્ટેન કરશે, પણ એવું ન થયું. હવે તે મને સ્ટૉક કરતો હોય એવું મને લાગે છે. જ્યાં તેને મેં કદી એક્સ્પેક્ટ ન કર્યો હોય ત્યાં તે જોવા મળે. હું શું કરું છું એ તે તીરછી આંખે જોતો પણ હોય. જોકે સામસામે આવવાનું બને ત્યારે તે ગંભીર મુખમુદ્રા ધારણ કરી લે. વૅકેશન પડી ગયું છે છતાં પેલા ફ્રેન્ડને કારણે વીકમાં એકાદવાર ગ્રુપ આઉટિંગ થાય ત્યારે પણ તે મને ફૉલો કરતો હોય એવું લાગે છે. ગ્રુપ ચૅટમાં હું કંઈક ફૉર્વર્ડ મૂકું તો એમાં પણ રિઍક્શન આપે છે. મને હતું કે તે મને અવૉઇડ કરશે, પણ એને બદલે તેણે મારામાં રસ લેતો હોય એવું લાગે છે. મેં જ્યારે અણસાર આપેલો એ વાતને હવે તો છ મહિના થઈ ગયા છે, તો શું મારે ફરીથી તેને મારો ઇન્ટરેસ્ટ બતાવવો જોઈએ?
જ્યારે આપણને કોઈ વ્યક્તિ ગમતી હોય ત્યારે તે શું કરે છે, ક્યાં જાય છે? શું બોલે છે? કેવી રીતે બોલે છે? શું રિઍક્ટ કરે છે? એ બધા વિશે જજમેન્ટ બાંધવામાં ક્યારેક આપણી ફીલિંગ્સને કારણે સાચું રીડિંગ કરી શકાતું નથી હોતું. તમે કહો છો કો તમારો ક્રશ તમને સીક્રેટલી ફૉલો કરતો હોય અને તમને પોઝિટિવ સિગ્નલ્સ આપે છે. પણ મને અહીં એવું લાગે છે કે તમે પણ તેની પર તીરછી નજરની વૉચ હજીયે રાખી જ રહ્યા છો ત્યારે જ પેલો તીરછી નજરે તમને જુએ છે કે નહીં ખબર પડે છે.
તમે આડકતરી રીતે તમારી પસંદગી વ્યક્ત કરી હતી, પ્રપોઝ નહોતું કર્યું. મતલબ કે તેને અંદાજ પણ નથી કે તમે જબરજસ્ત ક્રશ ધરાવો છો. લાઇકિંગ વિશે ખબર પડ્યા પછી તેણે તમને કોઈ જ એકસ્ટ્રા ફેવર કરતું રિઍક્શન આપ્યું નથી.
તમને ગમે છે એટલે તમે ગ્રુપમાં પણ તમારી સાથેની બિહેવિયરને માઇક્રોસ્કોપની નીચે મૂકીને જોઈ રહ્યા છો. તમારા વર્ણન પરથી મને તો નથી લાગતું કે તેની અંદર પણ કોઈ પ્રેમની કૂંપળો ફૂટી હોય. એમ છતાં તમારે જો ફરી વાતની રજૂઆત કરવી હોય તો ચોક્કસપણે કરી જ શકો છો. બસ, આ વખતે તેનો જે જવાબ હોય એને ફાઇનલ માનીને આગળ વધવાની તૈયારી રાખજો.