લાગે છે કે મોટા ભાઈ મારું બ્રેક અપ કરાવશે

24 February, 2023 03:03 PM IST  |  Mumbai | Sejal Patel

આજનો યુવાન તો પહેલાં સેટલ થઈને પછી જ લગ્ન પ્રિફર કરે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૧૮ વર્ષનો હતો ત્યારે બન્ને પેરન્ટ્સને ગુમાવ્યા. એ વખતે મોટાભાઈ ૨૩ વર્ષના હતા અને ભણવાનું જસ્ટ પૂરું થવામાં જ હતું એટલે તેમણે ભણીને તરત જ નોકરી શરૂ કરીને ઘર સંભાળી લીધું. આ વાતને પાંચ વર્ષ થઈ ગયાં છે અને હવે તો હું પણ નોકરીએ લાગી ગયો છું. પેરન્ટ્સના ગયા પછી બે ભાઈઓ વચ્ચેનો બૉન્ડ ખૂબ સારો થઈ ગયેલો. અમે બે જ એકબીજાનો સહારો હતા, પણ હવે વાત બદલાઈ રહી છે. યંગ એજમાં મોટા ભાઈનું  કોઈક કારણસર બ્રેક-અપ થઈ ગયેલું. જોકે ભાઈના ઍટિટ્યુડને કારણે કદાચ મારું બ્રેક-અપ પણ થશે એવું લાગે છે. તેમનું કહેવું છે હજી લગ્નની ઉંમર નથી, પહેલાં જૉબમાં સેટલ થા ત્યાં સુધી કમ્પૅન્યનશિપ ઍન્જોય કર. મારી ગર્લફ્રેન્ડ ઑર્થોડૉક્સ ફૅમિલીની છે એટલે તેના ઘરેથી પ્રેશર છે. મારા કાકા-કાકીનું કહેવું છે કે મોટા ભાઈનું સેટ ન થાય ત્યાં સુધી તારે લગ્ન ન કરાય. મને તો ક્યાંક એવું લાગે છે કે તેઓ પોતાના સો કૉલ્ડ ‘સૅક્રિફાઇસ’ને નામે મારી જિંદગીમાં ડિસ્ટર્બન્સ ઊભો કરવા માગે છે. 

અત્યારે મોટા ભાઈ તમારી વાત નથી માની રહ્યા એને કારણે મનમાં ખટાશ આવી ગઈ હોય એવું લાગે છે. પ્રેમમાં હોઈએ ત્યારે આવું થવું સ્વાભાવિક છે. કદાચ તમારા પેરન્ટ્સે પણ તમને આ જ સલાહ આપી હોત. આજનો યુવાન તો પહેલાં સેટલ થઈને પછી જ લગ્ન પ્રિફર કરે છે. મોટા ભાઈ પણ કદાચ એ જ કહી રહ્યા છેને? હા, તમને કદાચ એમ છે કે તમારી ગર્લફ્રેન્ડ તમારી રાહ નહીં જોઈ શકે તો શું? પેરન્ટ્સ ગુમાવ્યા ત્યારે તમે ૧૮ના હતા અને અત્યારે ૨૩ વર્ષના થયા છો. આજના સમયમાં આ કોઈ એવી ઉંમર નથી કે જેમાં તમે એક-બે વર્ષ રાહ ન જોઈ શકાય. 

ભાઈ સૅક્રિફાઇસ જતાવી રહ્યા છે એવું તમારા સવાલમાં વર્ણવેલી કોઈ પણ બાબત પરથી જણાઈ નથી રહ્યું. એમ છતાં માત્ર રૅશનલી જોઈએ તો તમારા મોટા ભાઈ અત્યારે ૨૮ વર્ષના છે અને જ્યારે પેરન્ટ્સની છત માથે નથી ત્યારે તેમણે પણ પહેલાં આર્થિક રીતે પગ મજબૂત કરવાને પ્રાયોરિટી આપી છે તો તમે કેમ નહીં? પેરન્ટ્સના ગયા પછી તમારું જીવન માત્ર એક જ વ્યક્તિ સાથે જોડાયેલું હતું અને આજે જીવનસાથીની ઝંખનામાં તમે એ વ્યક્તિ સાથેના બૉન્ડને સ્ટૅક પર મૂકી રહ્યા છો? 

columnists sex and relationships sejal patel life and style