સંસારનો મોહ નથી અને સેક્સ છૂટતું નથી

03 April, 2023 04:33 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સેક્સ તમને આનંદ આપે છે તો એ આનંદને સહજ રીતે સ્વીકારીને હવે સંસારને મનોમન ભાંડવાનું છોડી દો અને સંસારના આ રાગને સ્વીકારી લો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૩૧ વર્ષનો છું અને નેક્સ્ટ મહિનામાં મારાં મૅરેજ થવાનાં છે. એક સમયે મને સંસાર છોડી દેવાનું મન થતું, જેને લીધે મેં લાંબો સમય સુધી મૅરેજ ટાળ્યાં હતાં. જોકે હવે હું ટાળી શકતો નથી એટલે મેં હા પાડી દીધી છે. મારી મૂંઝવણ છે કે મારી ફિઝિકલ જરૂરિયાતોને હું કાબૂમાં નથી રાખી શકતો, જેને લીધે હું મૅરેજ વિના જ મારી ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલી ઍક્ટિવ છું. મને અફસોસ એ પણ છે કે મારાં મૅરેજ તેની સાથે નથી થવાનાં, પણ પ્રૉબ્લેમ એ છે કે ઇન્ટરકોર્સ કર્યા પછી મને અતિશય માથું દુખવા લાગે છે અને મારે પેઇનકિલર જ લેવી પડે છે. આમ તો સેક્સને ભારોભાર નફરત કરું છું, પણ એનાથી દૂર રહી શકતો ન હોવાને લીધે મને અતિશય ત્રાસ છૂટે છે. જાતીય આવેગ કાબૂમાં નથી રહેતા અને સંસાર માંડવાની મારી કોઈ તૈયારી નથી. કોઈ રસ્તો દેખાડશો પ્લીઝ. કાંદિવલી

તમે કન્ફ્યુઝ્ડ પર્સનાલિટી છો અને એ કન્ફ્યુઝન જાતે ઊભું કર્યું છે. સેક્સ તમને આનંદ આપે છે. તમે ગર્લફ્રેન્ડ સાથે ફિઝિકલી ઍક્ટિવ છો એ જ દેખાડે છે કે તમને સંસાર પ્રત્યે રાગ છે; છતાં તમે કહો છો કે તમને સંસારમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જોકે એવું શું કામ છે એ તમારી વાત પરથી પુરવાર નથી થતું. એક વાત યાદ રાખજો કે જેને સંસાર પ્રત્યે તિરસ્કાર હોય અને સંસાર અસાર લાગતો હોય તે ક્યારેય એ દિશામાં આગળ વધે જ નહીં જે દિશામાં તમે આગળ વધી ચૂક્યા છો. સેક્સ તમને આનંદ આપે છે તો એ આનંદને સહજ રીતે સ્વીકારીને હવે સંસારને મનોમન ભાંડવાનું છોડી દો અને સંસારના આ રાગને સ્વીકારી લો. ફિઝિકલ ઇચ્છાઓની તીવ્રતા અને સંસાર તરફ વળવાની અનિચ્છા એ બન્ને વચ્ચે ઝોલાં ખાતી તમારી અવસ્થાનું પરિણામ એટલે તમારું આ કન્ફ્યુઝન.

સેક્સ પછી માથું દુખવાની ફરિયાદ નવી નથી. એને પોસ્ટ-કોએટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે છે અને દુખાવો થાય છે. જો એવું હોય તો તમે પેઇનકિલર લો છો એ ચાલી જાય, પણ સાથોસાથ તમે તમારા વિચારોને પણ સાચી દિશામાં એટલે કે સંસાર તરફ વાળો એ પણ જરૂરી છે.

columnists sex and relationships life and style health tips