20 January, 2023 05:16 PM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૨૯ વર્ષનો છું અને ગર્લ્સમાં રસ નથી ધરાવતો. પ્રોબ્લેમ એ છે કે મને ઘરનાંઓ તરફથી ખૂબ પ્રેશર આવી રહ્યું છે લગ્ન માટેનું. ઇન ફૅક્ટ, મને પોતાને પણ નૉર્મલ ફૅમિલી લાઇફ જીવવી છે જેમ કે મારાં પોતાનાં બાળકો હોય એની ઇચ્છા મને ખૂબ પ્રબળ છે. મને એ પણ સમજાય છે કે જો મને ફીમેલમાં રસ જ ન પડતો હોયતો તેની સાથે લગ્ન કરીને કોઈનું જીવન બરબાદ ન કરવું જોઈએ, પણ સવાલ એ પણ છે કે એ વિના મને સંતાનસુખ પણ નહીં મળે. શું એવી સંભાવના ખરી કે કોઈ છોકરી મારા જેવું જ ઇચ્છતી હોય? મતલબ કે તેને ફિઝિકલ સંબંધોમાં રસ ન હોય, પણ બહારથી પારિવારિક ગોઠવણવાળો સંબંધ ઇચ્છતી હોય? કોઈ ડેટિંગ ઍપ પર આ પ્રકારની સ્પષ્ટતા કેવી રીતે કરવી? મૅચમેકિંગ સાઇટ્સ કે બીજી કોઈ રીતે મળેલી છોકરી સાથે ચાર-પાંચ મીટિંગમાં આવી અંગત વાતની સ્પષ્ટતા કેવી રીતે કરવી? ગે તરીકે જાહેર થવામાં વાંધો નથી, પણ એમ કરીશ તો મારું પોતાનું ફૅમિલી હોય એવું સપનું તો રોળાઈ જ જશે.
આ પણ વાંચો : દીકરો ભણવામાં જરાય ગંભીર નથી થતો
તમારા જેવી કશ્મકશ કદાચ દરેક સમલૈંગિક વ્યક્તિને અનુભવાતી હશે. જાતને સમલૈંગિક તરીકે સ્વીકારવાનું જેટલું અઘરું નથી એના કરતાં અનેકગણું અઘરું છે એ વાતનો જાહેર સ્વીકાર કરવાની હિંમત જુટાવવી. કદાચ એ જ કારણોસર તમે તમારા ગે પ્રેફરન્સ પર ચાદર ઓઢાયેલી રહે એ માટે થઈને બહારથી પુરુષ-સ્ત્રી અને સંતાનોવાળું ‘નૉર્મલ ફૅમિલી’ હોય એવું ઇચ્છો છો. એનાથી તમારા સમલૈંગિક પ્રેફરન્સ ઢંકાયેલા રહેશે.
તમે જ્યાં સુધી તમારો રીયલ પ્રેફરન્સ સ્પષ્ટ નહીં કરો ત્યાં સુધી તમારા લાઇકિંગ જેવી વ્યક્તિને મળવું અઘરું જરૂર છે. કદાચ મને લાગે છે કે સમલૈંગિક બનીને તમે વિજાતીય સંબંધમાં હૅપી ફૅમિલીનો જે આભાસ ઊભો કરવાની વિરોધાભાસી લાગણી ધરાવો છો એ બાબતે પણ સ્પષ્ટ થવું જરૂરી છે. આ માટે બે કામ થઈ શકે. એક તો તમે કોઈ સાઇકોલૉજિસ્ટ પાસે જઈને મન હળવું મૂકીને વાત કરો. એનાથી વિચારોમાં સ્પષ્ટતા આવશે. બીજું, સમલૈંગિક કમ્યુનિટીઝના લોકો સાથે ભળવાનું શરૂ કરવું જોઈએ. સમાન સંવેદના ધરાવતા લોકો સાથે મળે ત્યારે એનું સૉલ્યુશન કાઢવાનો વિકલ્પ તો મળે જ છે, પણ સાથે કપરી પરિસ્થિતિઓમાં પીઠબળ પણ મળે છે.