12 May, 2024 12:39 PM IST | Mumbai | Rajul Bhanushali
મારી મમ્મી અને મમ્મીની મમ્મી
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આખી દુનિયામાં મધર્સ ડે ઊજવવામાં આવે છે. આપણે ત્યાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ટ્રેન્ડ ચાલુ થયો છે અને એનાથી સારી વાત એ થઈ કે એ નિમિત્તે યુવાનો પોતાની મમ્મીને સ્પેશ્યલ ફીલ કરાવતા થયા. ગિફ્ટ્સ, સેલિબ્રેશન, સરપ્રાઇઝિસ મેળવીને ખુશ થતી મિડલએજની મમ્મીઓ પોતાની મમ્મીને પણ એ દિવસે સ્પેશ્યલ ફીલ કરાવતી થઈ. નિમિત્ત ગમે એ હોય, મૂળ આપણે ખુશ થઈને સ્વજનોને ખુશી આપીએ એ મહત્ત્વનું છે. જોકે બદલાયેલા જમાના સાથે માતાનું સ્વરૂપ પણ બદલાયું છે. આજથી બે પેઢી જૂની મમ્મી અને આજની મમ્મીઓના દૃષ્ટિકોણથી લઈને વ્યવહાર અને અપેક્ષાઓ ધરમૂળથી બદલાયાં છે. માતા તરીકે સંતાનો માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેતી એક સ્ત્રી જૂના જમાનાની મા છે તો માતા તરીકે સંતાનોની સારસંભાળ રાખવાની સાથે પોતાના મોજશોખ અને કારકિર્દીને પણ પ્રાધાન્ય આપતી આજના જમાનાની મા છે. ખરેખર માતૃત્વની દુનિયા જમાના સાથે કેટલી બદલાઈ છે એ જાણવા માટે અમે કેટલીક દીકરીઓ સાથે તેમની મમ્મી અને તેમની મમ્મીની મમ્મી વિશે વાત કરી ત્યારે શું જાણવા મળ્યું એ જાણીએ.
મમ્મી કરતાં મમ્મીની મમ્મી વધુ બિન્દાસ છે: વૈશાલી ગોરી, ડોમ્બિવલી
ડોમ્બિવલીમાં રહેતી વૈશાલી (હેતલ) ગોરી પોતાની મમ્મી રમીલા ગોરી અને નાની લક્ષ્મી ગજરા વિશે રસપ્રદ વાતો કરે છે, ‘નાની અને મમ્મી વચ્ચે ફરક હોવાનો જ, કારણ કે વચ્ચે દાયકાઓ બદલાઈ ગયા છે. જોકે મજાની વાત એ છે કે મારી નાની સમય સાથે અપડેટ થઈ છે.’ વૈશાલી કહે છે, ‘મારી મમ્મી તો પહેલેથી જ ઓપન-માઇન્ડેડ છે, પરંતુ મારી નાની મારી મમ્મીથી વધારે બિન્દાસ છે. તે પહેલેથી જ કચ્છમાં રહી છે અને સાડી સિવાય કદી કશું પહેર્યું નથી, પરંતુ હું જ્યારે ઑફિસ જવા બ્લેઝર પહેરીને નીકળું તો તે મને ચોક્કસ કૉમ્પ્લિમેન્ટ્સ આપે કે બહુ સરસ લાગે છે. આગળ પેરન્ટ્સનો બાળકો પર ખાસ્સોએવો કડપ રહેતો.’ મારી નાની અને મમ્મી વચ્ચે આંખોમાં વાત થાય એમ જણાવીને વૈશાલી કહે છે, ‘આજની જનરેશન સવાલો પૂછે છે, લૉજિક વાપરે છે. એ રીતે મારી મમ્મીમાં ખૂબ પેશન્સ છે. તે મને બાજુમાં બેસાડીને શાંતિથી મારા બધા જ પ્રશ્નોના જવાબ આપે અને સમજાવે. મારું તો બધી વાતમાં વાય? ક્યું? કેમ? હોય જ.’
મમ્મી કૂલ છે તો મમ્મીની મમ્મી સુપરકૂલ છે: ઝીલ મંગે, નવી મુંબઈ
નવી મુંબઈમાં રહેતી ઝીલ મંગેનાં લગ્ન થઈ ગયાં છે, પરંતુ આજેય તે પોતાની નાની રમા કટારમલની ખૂબ નજીક છે. ‘મારો મારી નાની સાથે અલગ જ બૉન્ડ છે. મારે બે માસી છે અને ત્રીજી મારી મમ્મી દીપ્તિ. જોકે મને એવું લાગે છે કે મારી નાની મારા પર સૌથી વધારે વહાલ વરસાવે છે.’ બોલતાં-બોલતાં ઝીલ હસી પડે છે. આગળ તે કહે છે, ‘મમ્મીની મમ્મી સાથે આપણું પટે એ કેવી મજાની વાત છે નહીં! મારી નાની કુકિંગમાં એક્સપર્ટ છે. તેમની કેટલીક સ્પેશ્યલિટી મારી મમ્મી પાસે આવી. મારી મમ્મી પોતાની રીતે જે શીખી એ સ્પેશ્યલિટી પણ મારી પાસે આવી. એટલે કે કુકિંગમાં નાનીનો ટચ અને મમ્મીનો ટચ બન્ને મને મળ્યા. આપણી અમુક પરંપરાઓ મારી મમ્મી નાનીને જોઈને શીખી અને હું મારી મમ્મીને જોઈને શીખી. ઘણી વખત એવું થાય કે મમ્મી કશું મિસઆઉટ કરી જાય તો નાનીને પૂછે અને હવે એવું છે કે મારે કશું પૂછવું હોય તો હું સીધું જ નાનીને પૂછી લઉં છું. મેં મમ્મીને નેટ પર સર્ફિંગ કરતાં તથા ઇન્સ્ટા કે ફેસબુક વાપરવાનું શીખવાડ્યું; જ્યારે મારી મમ્મીએ પોતાની મમ્મીને વૉટ્સઍપ વાપરતાં શીખવાડ્યું.’
ત્રણ પેઢીના બંધન અને ફરક વિશે વાત કરતાં ઝીલ આગળ કહે છે, ‘નાની પાસે અસલ પટોળાં અને ટીકલીવાળી સાડીઓ સચવાયેલી પડી છે. એમાંથી મને એક ખૂબ જ પસંદ હતી અને મારી મમ્મીને પણ એ પસંદ હતી. અમે બન્નેએ એ માગી. નાનીએ મને આપી અને મેં એમાંથી ગાઉન બનાવ્યું. એવી જ રીતે નાની પાસે તેમની મમ્મીએ આપેલી ટ્રેડિશનલ વીંટી હતી. એ વીંટી મારી મમ્મીને તો ઠીક મારી બન્ને માસીઓને પણ પસંદ હતી, પરંતુ એ વીંટી મારી પાસે આવી છે. હું મને લકી માનું છું. મમ્મી સાથે ક્યારેક કોઈક વાતે મતભેદ થાય, ક્યારેક ઘરે આવવામાં મોડું થવાનું હોય કે પછી નાઇટઆઉટ માટે જવાનું હોય તો મમ્મી-પપ્પા પરમિશન નહીં આપે એવું મને લાગે ત્યારે હું નાનીને વાત કરું. તે પહેલાં બધું જાણી લે; ક્યાં જાઉં છું, કોની સાથે જાઉં છું; પછી મમ્મી-પપ્પા પાસેથી પરમિશન લઈ આપે. તેમને સમજાવે કે જવા દો, છોકરી હોશિયાર છે. તેમણે મને મમ્મીથી છુપાઈને પૈસા પણ આપ્યા છે કે જે જોઈએ એ લઈ લેજે, જે ભાવે એ ખાઈ લેજે.’
મમ્મી અને મમ્મીની મમ્મી બન્ને માટે ફૅમિલી ફર્સ્ટ: રાશિ ગાંધી, અંધેરી
અંધેરીમાં રહેતી રાશિ ગાંધીએ બહુ મજાની વાત કરી. તે કહે છે, ‘નિખાલસપણે કહું તો કદાચ હું મારી નાની મીનાક્ષી વખારિયા અને મમ્મી જેસલની સરખામણીએ મારા ‘સ્વ’ને વધારે પ્રેમ કરું છું, મારી કારકિર્દી અને વ્યક્તિગત પરિપૂર્ણતાને પ્રાધાન્ય આપું છું. તે બન્નેએ પોતાના કરતાં પરિવારને આગળ રાખ્યો છે. મમ્મી નાની કરતાં થોડીક અલગ છે. નાની ચુસ્તતાની આગ્રહી છે તો નિયમોમાં બાંધછોડ કરવા માટે હંમેશાં તૈયાર રહે છે. પેઢી દર પેઢી બદલાવ તો આવ્યા કરે. એમ છતાં એકબીજાની ટેવો અને ગુણો-અવગુણોનો સહજ સ્વીકાર કરીને પરસ્પર આદર તથા સ્વીકારભાવ કેળવી જીવનની મોજ માણીએ છીએ.’
મમ્મી અને મમ્મીની મમ્મી એકબીજાનાં પૂરક છે: મૈત્રી ઠક્કર, મલાડ
મલાડમાં રહેતી એકવીસ વર્ષની મૈત્રી (ટિશા) ઠક્કર થોડીક જુદી વાત કરે છે. તેના શબ્દોમાં થોડોક ફરિયાદનો સૂર પણ છે. આજકાલ ટેક્નૉલૉજીને કારણે મમ્મીઓ પોતાનાં સંતાનોને સમય ઓછો આપે છે. તે કહે છે, ‘મૉડર્ન હોવું એ સારી વાત છે, પરંતુ એના થોડાક માઇનસ પૉઇન્ટ્સ પણ છે. હું બહેનપણીઓ સાથે વાત કરતી હોઉં ત્યારે નોંધ્યું છે કે ફૉર્વર્ડ દેખાવાની લાયમાં કેટલાક રીતરિવાજો ભુલાવા લાગ્યા છે. મારી કેટલીક બહેનપણીઓને અમુક ટ્રેડિશન વિશે ખબર જ નથી હોતી. થોડુંક દેશીપણું પણ હોવું જોઈએ; જેમ કે ધર્મ વિશે, ભગવાનમાં શ્રદ્ધા રાખવા વિશે. આપણાં મમ્મી-પપ્પાને તેમનાં મમ્મી-પપ્પાએ આ બધું કહ્યું છે. તેઓ આપણને કહે. રામાયણ, મહાભારત કે ગીતા જેવા ગ્રંથો મોટા ભાગનાં ઘરોમાં નથી વંચાતા. મારી નાની લાભવંતીબહેન અને મમ્મી રક્ષાબહેન આજની તારીખે પણ બધી વાતો કરે અને વાંચ્યા ભલે ન હોય, સાંભળવાથી પણ ઘણું મળે છે. આજકાલની મમ્મીઓ સોશ્યલ મીડિયા વાપરતાં શીખી ગઈ છે, સેલ્ફી લેતાં અને અપલોડ કરતાં શીખી ગઈ છે; પરંતુ આવી બાબત થોડીક ખૂટે છે. સમય સાથે મધરહુડમાં પણ ફરક આવ્યો છે.’
મમ્મી કરતાં મમ્મીની મમ્મી હોશિયાર અને મારો તો કોઈ ક્લાસ જ નથી એ બન્નેમાં: બ્રિન્દા પૂજારા, નવી મુંબઈ
‘મારી નાની કાંતા ચંદારાણા ૭૨ વર્ષની છે. તેમણે પોતાના સમય કરતાં ઘણું આગળ વિચારેલું અને જીવેલું. જીવનમાં તેમણે જે કર્યું અને મેળવ્યું છે એનું પાંચ ટકા પણ હું કરી શકતી નથી.’
આ શબ્દો છે નવી મુંબઈમાં રહેતી ૩૧ વર્ષની બ્રિન્દા પૂજારાના. પોતાની નાની વિશે વાત કરતાં તે આગળ કહે છે, ‘મારી નાની જેટલી હોશિયાર, સ્માર્ટ, ફૉર્વર્ડ અને વૈચારિક સ્પષ્ટતાવાળી છે એટલી મારી મમ્મી હીના ઠક્કર નથી અને હું તો મમ્મી કરતાં પણ ઓછી છું. મારી નાનીના તોલે મારી મમ્મી ન આવી શકે અને હું તો બિલકુલ ન આવી શકું. એ જમાનામાં તે મૅટ્રિક પાસ હતી. ચાર સંતાન થયા પછી અમદાવાદમાં હૉસ્ટેલમાં રહીને લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કર્યો, ગવર્નમેન્ટ જૉબ કરી. તે પાંચ વર્ષ તાલુકા પ્રમુખ હતી તેમ જ બૅન્કની ડિરેક્ટર પણ હતી. ઘણી વખત તે મારી મમ્મી કરતાં વધારે બોલ્ડ લાગે. દાખલા તરીકે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મને એવું હતું કે મારે નૉર્મલ ડિલિવરી જ કરાવવી છે; પરંતુ મારી નાનીએ મને કહ્યું કે કદાચ સિઝેરિયન કરાવવું પડે તોય વાંધો નહીં, એ હવે બહુ જ સરળ અને સેફ રસ્તો છે; નૉર્મલમાં પણ પ્રૉબ્લેમ નથી થતા એવું છે નહીં; પ્રેશર ન લઈશ. મારે સી-સેક્શન કરાવવું પડ્યું હતું, પરંતુ હું એ સમયે એકદમ રિલીવ્ડ હતી.’
મા તરીકે એક સ્ત્રીને પોતાના સંતાન માટે બીક લાગે એ સ્વાભાવિક છે. વાત આગળ વધારતાં બ્રિન્દા કહે છે, ‘મારી મમ્મી ક્યારેક હાઇપર થઈ જાય, પરંતુ નાની મમ્મીને સમજાવે કે તે પોતાનું ફોડી લેશે. એમ કહેવાય કે પહેલી પેઢી કરતાં બીજી પેઢી હોશિયાર હોય અને ત્રીજી પેઢી તો એનાથી વધારે હોશિયાર હોય, પણ અમારી બાબતમાં ઊંધું છે.’ હસતાં-હસતાં પોતાની વાત પૂરી કરતાં બ્રિન્દા કહે છે, ‘તેઓ માત્ર ટેક્નૉલૉજીથી ડરે છે. સ્માર્ટફોન નથી વાપરતાં તથા લિફ્ટ અને ફ્લાઇટમાં બેસતાં પણ ડરે છે. મારી મમ્મી ટેક્નૉસૅવી છે. તે અમારી સાથે રહેવા માટે નવું-નવું શીખતી જ રહે છે.’