02 December, 2024 06:03 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર ગવર્નમેન્ટમાં સિનિયર પોઝિશન પર છે એવા એક અધિકારીની વાત છે. ગુજરાતી હોવાને કારણે ઘણા ગુજરાતીઓ તેમના મિત્ર. હમણાં એ અધિકારી મને મળવા આવ્યા. શરૂઆતમાં તો વાત કરવામાં તેમને સહેજ સંકોચ થતો હતો, પણ સેક્સોલૉજિસ્ટની સાથોસાથ સાયકોલૉજિસ્ટ હોવાને કારણે તેમનો એ સંકોચ ખંખેરવામાં ખાસ વાર ન લાગી અને પછી તેમણે પોતાની વાત કરી. એ ભાઈને પૉર્ન-ક્લિપ્સ જોવાની આદત પડી ગઈ છે. પૃચ્છા કરતાં ખબર પડી કે એ આદત પણ ખાસ્સા લાંબા સમયથી એટલે કે પંદરેક વર્ષથી છે. ઘરમાં બે બાળકો અને બન્ને બાળકો ટીનએજ એટલે ક્યારેક તેમનો ફોન હાથમાં લઈ લે એવું બને, તો ઘણી વાર એવું પણ બને કે કોઈનો કૉલ આવ્યો હોય તો એ ભાઈએ પણ પોતાનો ફોન વાઇફ કે સંતાનોને આપવાનું બને. એવું બને ત્યારે એ ભાઈને બહુ ટેન્શન રહે કે છોકરાઓ કે વાઇફ ભૂલથી પણ ફોનમાં બીજું કંઈ જોઈ ન લે!
સ્વાભાવિક રીતે કોઈને પણ મનમાં થાય કે ફોનને લૉક રાખી શકાય, જેની એ અધિકારીને પણ ખબર હતી જ અને તેમણે એકાદ વાર એવું કર્યુંય ખરું, પણ વાઇફના સહેજ શંકાશીલ સ્વભાવને લીધે ઘરમાં કજિયો થયો એટલે તેમણે ફોન લૉકમાં રાખવાનું છોડી દીધું, પણ પેલી પૉર્ન જોવાની આદત ગઈ નહીં અને હવે તેમને એ બાબતમાં ભારોભાર ટેન્શન રહે છે. પૉર્નની ચર્ચા ચાલે છે ત્યારે એક વાત કહીશ કે જે પ્રકારે ડ્રગ્સનું વ્યસન હોય છે એ જ પ્રકારનું આ કન્ટેન્ટ જોવું એ પણ લત છે અને એ લતમાંથી છૂટવું અઘરું છે. આ ડરાવવા માટે નથી કહેતો, તમને કદાચ ખબર નહીં હોય પણ યુરોપમાં પંદરેક વર્ષ પહેલાં પૉર્ન કન્ટેન્ટમાંથી બહાર આવવા માટે રીહૅબિલિટેશન સેન્ટર શરૂ કરવાં પડ્યાં હતાં અને એ લતના રવાડે ચડી ગયેલાઓને સતત સાઇકિયાટ્રિસ્ટની સાથે રાખવા પડતા હતા. આ જે આદત છે એ મોટી બને અને વિકરાળ સ્વરૂપ લે ત્યારે એવી જ બધી એની અસર દેખાય છે જેવી અસર ડ્રગ્સ અને દારૂની હોય છે.
વ્યસન છોડતી વખતે જેમ એનાં વિધડ્રૉઅલ સિમ્પટમ્સ છે એવાં જ વિધડ્રૉઅલ સિમ્પટમ્સ આ પૉર્ન કન્ટેન્ટનાં પણ છે. આપણે ત્યાં રેપ-કેસના આરોપીઓનાં સ્ટેટમેન્ટને જરૂરી હોય એ રીતે જાહેર કરવામાં નથી આવતાં. જો એને જાહેર કરવામાં આવે તો ખબર પડે કે મોટા ભાગના રેપ-કેસમાં પૉર્ન-કન્ટેન્ટ બહુ વરવો ભાગ ભજવે છે. પૉર્ન-કન્ટેન્ટ જોવું ખોટું નથી, પણ એનો અતિરેક બહુ ખરાબ છે અને એ અતિરેક ન થાય એનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. પૉર્ન-કન્ટેન્ટથી દૂર રહેવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે એકલા ન પડવું અને શક્ય હોય ત્યાં સુધી બધાની વચ્ચે રહેવું.