09 May, 2023 04:22 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૨૪ વર્ષ છે. હું કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરું છું. મારો બૉયફ્રેન્ડ બીજા શહેરમાં રહે છે, પણ અમે મળીએ ત્યારે ફિઝિકલ રિલેશન જોડીએ છીએ. અત્યાર સુધીમાં મેં બૉયફ્રેન્ડ સાથે ત્રણેક વખત ઇન્ટરકોર્સ કર્યો છે. પહેલી વારમાં અમે પ્રિકૉશન નહોતું રાખ્યું એટલે મૉર્નિંગ આફ્ટર પિલ લીધેલી. એ પછી મને ત્રણ-ચાર દિવસ બાદ પિરિયડ્સની તારીખ ન હોવા છતાં બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું. એ પછી બન્ને વખત અમે કૉન્ડોમ વાપરેલું. ફ્રેન્ડ્સ એવું માને છે કે મૉર્નિંગ આફ્ટર પિલને કારણે માસિક વહેલું થઈ જાય છે. શું ક્યારેક ધાર્મિક કારણોસર પિરિયડ્સ વહેલા કરી લેવા હોય તો આ ગોળી લઈ શકાય? કાંદિવલી
મહિલાઓના પિરિયડ્સ તેમની બૉડીના હૉર્મોન વ્યવસ્થા મુજબ ચાલે છે. પિરિયડ્સ વહેલા પૂરા કરી દેવા કે પછી પિરિયડ્સમાં જાણી જોઈને મોડું થાય એવાં સ્ટેપ્સ વારંવાર લેવા એ બરાબર નથી. પિરિયડ્સ દરમ્યાન માત્ર ગર્ભાશયનું ક્લિનિંગ જ નથી થતું, પણ હૉર્મોનલ બૅલૅન્સની આખી સાઇકલ પણ સેટ થતી હોય છે. આ જ કારણ છે કે ઘણી છોકરીઓને પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ્સ દરમ્યાન મૂડમાં બહુ મોટા ચેન્જ આવે છે, કારણ કે હૉર્મોનલ બૅલૅન્સની સાથે બૉડીની અન્ય વ્યવસ્થાઓ પણ સંકળાયેલી હોય છે. હેલ્થના દૃષ્ટિકોણથી વાત કરું તો પણ અને રિલિજિયસ કારણસર અવારનવાર પિરિયડ્સ વહેલા-મોડા કરવાની પદ્ધતિ જરાય યોગ્ય નથી.
બીજી વાત એ કે મૉર્નિંગ આફ્ટર પિલ એ પિરિયડ્સ ડીલે કે વહેલું કરવા માટેની નથી. આ ગોળી સાદી ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ નથી. ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ છે. તમે અકસ્માતે સંભોગ કરી લો અને પ્રોટેક્શન ન વાપર્યું હોય તો કદાચ આ દવા લઈ શકાય, પણ એને રૂટિન પ્રૅક્ટિસ જરા પણ બનાવી ન શકાય અને એ હિતાવહ પણ નથી.
તમારે જો પિરિયડ્સને આગળ-પાછળ કરવા જ હોય તો ગાયનેકોલૉજિસ્ટને પૂછીને દવા લઈ શકો છો. મૉર્નિંગ આફ્ટર પિલની બીજી પણ ઘણી આડઅસરો હોય છે માટે એ વગરકારણે લેવાની આદત બિલકુલ પાડતા નહીં. મૉર્નિંગ આફ્ટર પિલ જેવી ઇમર્જન્સી પિલ ન લેવી પડે એની માટે જો કૉન્ડોમનો ઉપયોગ કરવાનું રાખશો તો એ તમારા હિતમાં રહેશે.