કરીઅરને ફોકસ કરીને ફૅમિલી-પ્લાનિંગ ટાળતા કપલે સમજવાની છે આ વાત

15 July, 2024 09:28 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કરીઅરને ફોકસમાં રાખીને આગળ વધવું એ સહેજ પણ ખોટી વાત નથી, પણ સાથોસાથ એ વાત પણ ભૂલવી ન જોઈએ કે અમુક જવાબદારીઓ યોગ્ય સમયે જ સમજવાની અને સ્વીકારવાની હોય

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા થોડા સમયથી યંગસ્ટર્સમાં એક નવી જ માનસિકતા જોવા મળતી હતી કે બાળકો કરવાં નહીં. પહેલાં કરીઅર પર ફોકસ કરવું, સપનાં પૂરાં કરવાં અને એ પછી જ ફૅમિલી-પ્લાનિંગ વિશે વિચારવું. આ તો થઈ જનરલી યંગસ્ટર્સની વાત. સેલિ​​બ્રિટીઝમાં તો એનાથી ઊલટું પિક્ચર હતું. સેલિબ્રિટીઝ તો મૅરેજ કરવા પણ રાજી નહોતી. જોકે આ આખી માનસિકતામાં ચેન્જ લાવવાનું કામ બે ઍક્ટ્રેસે કર્યું : દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ. દીપિકા પાદુકોણ કરતાં પણ હું આ બાબતમાં આલિયા ભટ્ટને જશ વધારે આપીશ. કરીઅર-સ્પાન નાનો હોવા છતાં આલિયાએ જે રીતે નિર્ણય લીધો અને મૅરેજ કર્યાં એ બૉલીવુડ જ નહીં, કરીઅર પર ફોકસ ધરાવતા યંગસ્ટર્સની પણ આંખો ખોલવાનું કામ કરી ગયું.

આલિયા ભટ્ટ પછી તમે જુઓ કે કેટકેટલી ઍક્ટ્રેસે મૅરેજ કરી લીધાં. સોનમ કપૂરથી લઈને હમણાં સોનાક્ષી સિંહાએ પણ મૅરેજ કરી લીધાં. કહેવાનો ભાવાર્થ અને વાતનો સૂર એ છે કે ઉંમરની દરેક અવસ્થાનું મહત્ત્વ છે. કરીઅરને ફોકસમાં રાખીને આગળ વધવું એ સહેજ પણ ખોટી વાત નથી, પણ સાથોસાથ એ વાત પણ ભૂલવી ન જોઈએ કે અમુક જવાબદારીઓ યોગ્ય સમયે જ સમજવાની અને સ્વીકારવાની હોય.

મને ઘણી યંગ છોકરીઓ પૂછતી હોય છે કે કઈ એજ પર માતૃત્વ સ્વીકારી લેવું જોઈએ? મેડિકલ એક્સપર્ટ તરીકે જો જવાબ આપવાનો હોય તો હું કહીશ કે માતૃત્વ માટેની આદર્શ ઉંમર ત્રેવીસ-ચોવીસ વર્ષથી લઈને સત્તાવીસ-અઠ્ઠાવીસ વર્ષની છે. એ પછીના ​પિરિયડમાં કૉમ્પ્લિકેશન્સ આવી શકે છે. જરૂરી નથી કે કૉમ્પ્લિકેશન્સ આવે જ, ન પણ આવે; પણ સંભાવના વધી જાય છે. પુરુષો માટે પણ આ જ આદર્શ ઉંમર છે. ત્યાર પછી તેમને પણ કૉમ્પ્લિકેશન્સ આવી શકે છે અને જો એ ઉંમર પાર કરી લેવામાં આવે તો ફીમેલ કરતાં મેલમાં કૉમ્પ્લિકેશન્સની સંભાવના વધારે રહે છે, કારણ કે પેરન્ટહુડ માટે જેણે પહેલાં આગેવાની લેવાની છે એ મેલ છે.

તમે આ આખી વાતને ખેતીની સાથે જોડી શકો છો. જેમ બીજમાં જ ઊગવાની ક્ષમતા ન હોય તો જમીનનો દોષ ન કાઢી શકાય. બીજમાં ફળીભૂત થવાની ક્ષમતા હશે તો જમીનને ફળદ્રુપ બનાવવા માટેના બીજા રસ્તાઓ અપનાવી શકાશે. અગત્યનું એ જ છે કે જમીન પર કરવામાં આવેલા કાર્યની આડઅસર ઊગી રહેલા બીજ પર ઓછી જોવા મળશે, પણ જો બીજને શક્તિશાળી બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવશે તો એની આડઅસર પહેલાં જોવા મળશે. કહેવાનો ભાવાર્થ એટલો કે માત્ર કરીઅરને ફોકસમાં રાખવાને બદલે અંગત જીવનને પણ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે.

life and style columnists sex and relationships relationships